how to avoid AI ​​voice cloning scam | Gujarat News

Last Updated: August 25, 2026By

આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ સાથે તેના જોખમો પણ ઝડપથી વધી રહ્યા છે. હવે હેકર્સ અને સ્કેમર્સ માત્ર 3 થી 30 સેકન્ડની ઓડિયો ક્લિપનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિના અવાજની હૂબહૂ નકલ (Voice Cloning) કરી શકે છે અને સાયબર ફ્રોડ આચરી રહ્યા છે.

તમારા અવાજ પરથી AI શું નકલ કરી શકે છે?

AI સંશોધન દર્શાવે છે કે આ ટૂલ્સ માત્ર ૩ સેકન્ડના ઑડિયોમાંથી ૮૫% થી ૯૫% સુધી અવાજની નકલ કરી શકે છે. તે બોલવાની શૈલી, ગતિ, સ્વર અને લહેકાને સંપૂર્ણપણે કોપી કરી લે છે. હવે તો વીડિયો કૉલ પર અવાજની સાથે ચહેરાની નકલ (Deepfake) કરીને પણ છેતરપિંડી થઈ રહી છે. એક અભ્યાસ મુજબ ૬૯% ભારતીયો અસલી અને AI જનરેટેડ અવાજ વચ્ચેનો તફાવત પારખી શકતા નથી.

ઈમરજન્સીના નામે નાણાકીય છેતરપિંડી

એક રિપોર્ટ અનુસાર, AI વૉઇસ સ્કેમનો ભોગ બનેલા લગભગ ૮૩% લોકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. સ્કેમર્સ પરિવારના સભ્ય કે સંબંધીના અવાજમાં રડતા-રડતા ફોન કરે છે અને પોતે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાયા હોવાનું કહીને તાત્કાલિક મોટી રકમ ટ્રાન્સફર કરવા માંગ કરે છે. ગભરાટમાં પરિવારજનો ક્રોસ-ચેક કર્યા વગર પૈસા મોકલી દે છે.

AI વૉઇસ ક્લોનિંગ સ્કેમથી બચવાના સરળ રસ્તા

ફેમિલી સીકગ્રેડ કોડ (Secret Family Code): પરિવારના સભ્યો સાથે એક એવો સિક્રેટ કોડ નક્કી રાખો જે ફક્ત તમને જ ખબર હોય. ઈમરજન્સી કૉલ આવે ત્યારે પહેલા આ કોડ પૂછવો.

મૂળ નંબર પર કૉલ બેક કરો: જો કોઈ અન્ય નંબર પરથી સગાના અવાજમાં ફોન આવે, તો ગભરાયા વગર પહેલા તેમના મૂળ નંબર પર કૉલ કરીને ખરાઈ કરો.

સોશિયલ મીડિયા પ્રાઇવસી: તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને પ્રાઇવેટ રાખો જેથી સ્કેમર્સને તમારી વોઇસ નોટ્સ કે વીડિયો સરળતાથી ન મળે.

છેતરપિંડી થાય તો ક્યાં ફરિયાદ કરવી?

જો તમે કમનસીબે આવા કોઈ કૌભાંડનો ભોગ બનો, તો સહેજ પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરો અથવા ‘નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ’ (cybercrime.gov.in) પર ઓનલાઇન ફરિયાદ નોંધાવો.

આ પણ વાંચો : Android Phoneની બેટરી બચાવવાની સરળ રીતો, આ સેટિંગ્સ બદલો તો બેટરી લાંબી ચાલશે