India AI Impact Summit 2026: વિદેશી મહેમાનો માટે 'UPI One World' વોલેટ લોન્ચ, હવે ડિજિટલ પેમેન્ટ બન્યું સરળ

Last Updated: February 16, 2026By

ભારતની રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે આજથી ‘ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026’નો ભવ્ય પ્રારંભ થયો છે. આ વૈશ્વિક સંમેલનમાં દુનિયાભરના ટેક નિષ્ણાતો અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ આંતરરાષ્ટ્રીય મહેમાનોની સુવિધા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે, જેનું નામ છે ‘UPI વન વર્લ્ડ’ (UPI One World) વોલેટ.

શું છે ‘UPI વન વર્લ્ડ’ સેવા?

સામાન્ય રીતે ભારતમાં UPI વાપરવા માટે ભારતીય બેંક ખાતું અને સ્થાનિક મોબાઈલ નંબર હોવો અનિવાર્ય છે. પરંતુ ‘UPI વન વર્લ્ડ’ એક એવું પ્રીપેડ ડિજિટલ વોલેટ છે, જે વિદેશી નાગરિકોને આ બધી ઝંઝટમાંથી મુક્તિ આપે છે. હવે 40 થી વધુ દેશોના પ્રતિનિધિઓ કોઈપણ ભારતીય મોબાઈલ નંબર કે બેંક એકાઉન્ટ વગર માત્ર QR કોડ સ્કેન કરીને ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો અનુભવ લઈ શકશે.

સેવાનો ઉપયોગ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

વિદેશી મહેમાનો દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ અથવા ભારત મંડપમ ખાતેના NPCI પેવેલિયન પરથી આ સુવિધા મેળવી શકે છે:
નોંધણી: સૌ પ્રથમ નિર્ધારિત UPI એપ્લિકેશન ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
દસ્તાવેજીકરણ: ઓળખ માટે પાસપોર્ટ અને માન્ય વિઝાની વિગતો સબમિટ કરવી પડશે.
વેરિફિકેશન: સેલ્ફી અપલોડ કરી અને UPI પિન સેટ કરીને વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થશે.
ફંડ લોડિંગ: એકવાર યુનિક UPI ID મળી ગયા પછી, મહેમાનો તેમના આંતરરાષ્ટ્રીય ડેબિટ કે ક્રેડિટ કાર્ડ દ્વારા વોલેટમાં પૈસા ઉમેરી શકશે.
મર્યાદા: આ વોલેટમાં એક વ્યવહાર દીઠ ₹25,000 ની મર્યાદા છે, જ્યારે મહિનામાં બે વાર લોડિંગ સાથે કુલ ₹50,000 સુધીનો વપરાશ કરી શકાશે.
રીફંડ: જો રોકાણના અંતે વોલેટમાં બેલેન્સ બચે, તો તે નિયમો અનુસાર મહેમાનના મૂળ ચુકવણી સ્ત્રોતમાં પરત કરવામાં આવશે.

NPCI નો મુખ્ય ઉદ્દેશ્ય

આ પહેલ પાછળનો મુખ્ય હેતુ ભારતની ‘ફિન્ટેક’ તાકાત દુનિયાને બતાવવાનો અને વિદેશી મુલાકાતીઓને સ્થાનિક સ્તરે પેમેન્ટમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવાનો છે. રોકડની લેવડદેવડ કે કરન્સી એક્સચેન્જની માથાકૂટ વગર વિદેશી પ્રતિનિધિઓ હવે ચાની લારીથી લઈને મોટા શોરૂમ સુધી ગમે ત્યાં સહજતાથી ચૂકવણી કરી શકશે. આ સેવા ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા અને પ્રવાસન ક્ષેત્રે એક માઈલસ્ટોન સાબિત થશે.