India vs Pakistan Asian Games Final; Gold Medal Clash in Aichi

Last Updated: October 2, 2026By

  • Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs Pakistan Asian Games Final; Gold Medal Clash In Aichi | Vaibhav Sooryavanshi Abhishek Sharma Sanju Samson

સ્પોર્ટ્સ ડેસ્ક7 મિનિટ પેહલા

  • કૉપી લિંક

આજે જાપાનના આઇચી-નાગોયા શહેરમાં આવેલ ‘આઇચી પ્રિફેક્ચરલ કોરોગી સ્પોર્ટ્સ પાર્ક’ ખાતે એક એવો જંગ રમાવવા જઈ રહ્યો છે, જે માત્ર એક ક્રિકેટ મેચ નથી પણ કરોડો ચાહકોના ધબકારા વધારી દેનારો હાઇ-વોલ્ટેજ ડ્રામા છે. એશિયન ગેમ્સ 2026ની મેન્સ ક્રિકેટ સ્પર્ધાની આ ગોલ્ડ મેડલ ફાઇનલમાં બે પરંપરાગત હરીફો, ભારત અને પાકિસ્તાનની ટીમ ગોલ્ડ મેડલ પોતાના નામે કરવા માટે સામસામે ટકરાશે. બન્ને ટીમ એશિયન ગેમ્સના ઇતિહાસમાં પહેલીવાર આમને-સામને રમશે. આ મેચ સવારે 10 વાગ્યે શરૂ થશે.

જો મેચમાં વરસાદ પડ્યો અને મેચ રદ કરવી પડી, તો બન્ને ટીમ વચ્ચે ગોલ્ડ મેડલ શેર થશે.

હેન્ડશેકને લઈને સવાલ

મેચ પહેલાં સૌથી મોટો સવાલ બંને ટીમ વચ્ચે હેન્ડશેકને લઈને છે. ભારતીય મેન્સ અને વુમન્સ ક્રિકેટર્સે પાછલા 383 દિવસ અને 6 મેચથી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો નથી.

આ નિર્ણય ગયા વર્ષે એપ્રિલમાં થયેલા પહેલગામ અટેક પછી લેવામાં આવ્યો હતો. નો-હેન્ડશેકની શરૂઆત સપ્ટેમ્બર 2025માં મેન્સ એશિયા કપથી થઈ હતી.

ભારત-પાક. વચ્ચે નો હેન્ડશેક પોલિસીની શરૂઆત એશિયા કપ 2025થી શરૂઆત થઈ હતી.

ભારત-પાક. વચ્ચે નો હેન્ડશેક પોલિસીની શરૂઆત એશિયા કપ 2025થી શરૂઆત થઈ હતી.

હેડ ટુ હેડમાં ભારત પાકિસ્તાન પર ભારે

બંને વચ્ચે રમાયેલી પાછલી 6 T20માં દર વખતે ભારત જીત્યું છે. પાકિસ્તાને છેલ્લી વાર 2022 એશિયા કપમાં ભારતને હરાવ્યું હતું.

આ મહામુકાબલાના ઈતિહાસ પર નજર કરીએ તો, T20I ક્રિકેટમાં ભારતનો દબદબો પાકિસ્તાન પર એકતરફી અને અત્યંત મજબૂત રહ્યો છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 17 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમાઈ છે, જેમાંથી 14 વાર ભારતે પાકિસ્તાનને ધૂળ ચાટતી કરી છે, જ્યારે પાકિસ્તાન માત્ર 3 વાર જ જીતનો સ્વાદ ચાખી શક્યું છે. આ મનોવૈજ્ઞાનિક બળ ભારતીય ટીમને ફાઇનલમાં પ્રવેશતા પહેલા જ માનસિક રીતે આગળ રાખે છે.

વૈભવ સૂર્યવંશીએ પાછલી મેચમાં 21 બોલમાં 38 રન બનાવ્યા

15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ સેમિફાઇનલમાં શ્રીલંકા સામે 21 બોલમાં 38 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય ઈશાન કિશને અણનમ 80 રન બનાવ્યા. તેણે 173.91ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી.

બોલિંગ આક્રમણની જવાબદારી જસપ્રીત બુમરાહના ખભા પર રહેશે. તેણે ગત મેચમાં 2 વિકેટ ઝડપી હતી. અભિષેક શર્મા અને અક્ષર પટેલે પણ 2-2 વિકેટ લીધી હતી.

સાહિબઝાદા ફરહાન PAK માટે બેસ્ટ બેટર

પાકિસ્તાન માટે 2026માં તેમનો સૌથી ભરોસાપાત્ર બેટર સાહિબઝાદા ફરહાન રહ્યો છે, જેણે 15 T20I મેચમાં 34.75ની એવરેજથી કુલ 417 રન બનાવ્યા છે. પાકિસ્તાનની બોલિંગ આક્રમણની કમાન તેમના ફાસ્ટ બોલર મોહમ્મદ વસીમ જુનિયર પાસે છે, જેણે 2026માં 13 મેચમાં 21 વિકેટો લીધી છે, જ્યારે સ્પિનર અબરાર અહમદે 11 મેચમાં 16 વિકેટો ઝડપીને રન રેટ પર અંકુશ રાખ્યો છે.

ફરહાને ભારત સામે 2 ફિફ્ટી ફટકારી

પાકિસ્તાનના કેપ્ટન સાહિબઝાદા ફરહાને ભારત સામે 4 T20 મેચમાં 2 ફિફ્ટી ફટકારી છે. તે T20 ઇન્ટરનેશનલમાં ભારત સામે સૌથી વધુ છગ્ગા મારનાર પાકિસ્તાની ક્રિકેટર છે.

બેટિંગમાં ટીમને અબ્દુલ સમદ પાસેથી પણ આશાઓ હશે. તેણે સેમિફાઇનલમાં બાંગ્લાદેશ સામે 15 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા. બોલિંગમાં સુફિયાન મુકીમે 3 વિકેટ લીધી હતી.

નિશિનમાં વરસાદની 10% શક્યતા

નિશિનમાં શનિવારે હવામાન સાફ રહેવાની અપેક્ષા છે. વરસાદની શક્યતા આશરે 10% છે. તાપમાન મહત્તમ 25 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે.

સેમિફાઇનલમાં પીચ પરથી ટર્ન અને બાઉન્સ મળ્યો હતો. ફાઇનલમાં પણ બોલરોને આ જ પ્રકારની મદદ મળવાની શક્યતા છે.

બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11

ભારત (IND): વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ અને જસપ્રીત બુમરાહ.

પાકિસ્તાન (PAK): સાહિબઝાદા ફરહાન (કેપ્ટન), માઝ સદાકત, ઉસ્માન ખાન (વિકેટકીપર), સૈમ અયુબ, હસન નવાઝ, અબ્દુલ સમદ, અરાફાત મિન્હાસ, અહમદ દાનિયાલ, મોહમ્મદ વસીમ, સુફિયાન મુકીમ અને અબરાર અહેમદ.

Leave A Comment