Indias Fastest 200+ Target Chase vs New Zealand in Raipur
રાયપુર16 કલાક પેહલા
- કૉપી લિંક
રાયપુરમાં ભારતે ન્યુઝીલેન્ડને 28 બોલ બાકી રહેતા હરાવ્યું. 200થી વધુ રનના લક્ષ્યનો પીછો કરતા આ ભારતની અત્યાર સુધીની સૌથી ઝડપી જીત રહી. ટીમ ઈન્ડિયાએ 209 રનનો ટાર્ગેટ માત્ર 15.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને પુરો કર્યો અને છઠ્ઠી વખત 200+નો ટાર્ગેટ ચેઝ કર્યો. આ સાથે જ ભારતે સીરીઝમાં સતત બીજી જીત મેળવી લીધી.
મેચમાં ઘણા રેકોર્ડ બન્યા, પરંતુ સૌથી યાદગાર પ્રદર્શન ઈશાન કિશનનું રહ્યું. તેમણે માત્ર 21 બોલમાં ફિફ્ટી ફટકારીને મેચની જીત ભારત તરફ વાળી દીધી. એક ખાસ પળ ત્યારે જોવા મળી, જ્યારે આઉટ થયા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે ઈશાનને ભેટીને તેની ઇનિંગ્સની પ્રશંસા કરી.
સૂર્યાએ પણ શાનદાર બેટિંગ કરતા 23 ઇનિંગ્સ બાદ ટી-20માં ફિફ્ટી પૂરી કરી અને 37 બોલમાં અણનમ 82 રન બનાવ્યા. બંને વચ્ચેની 122 રનની ભાગીદારીએ ન્યુઝીલેન્ડને મેચમાંથી બહાર કરી દીધું.
વાંચો બીજી T20ના ટોપ રેકોર્ડ્સ અને મોમેન્ટ્સ…
1. ભારતે છઠ્ઠી વખત 200+ રનનો લક્ષ્યાંક પુરો કર્યો
T20 ઇન્ટરનેશનલમાં ભારતે 200 કે તેથી વધુ રનનો લક્ષ્યાંક છઠ્ઠી વખત પુરોકર્યો. આ સિદ્ધિ સાથે ટીમ ઇન્ડિયા આ મામલે ઓસ્ટ્રેલિયા પછી બીજા સ્થાને પહોંચી ગઈ છે. ભારતે 209 રનનો લક્ષ્યાંક મેળવીને પોતાના બીજા સૌથી મોટા રન ચેઝની બરાબરી કરી લીધી.
આ પહેલા ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો રન ચેઝ 2009માં મોહાલીમાં જોવા મળ્યો હતો, જ્યારે ભારતે 211 રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક પૂરો કર્યો હતો. આ જીત એટલા માટે પણ ખાસ રહી, કારણ કે ઘરઆંગણે 100મી ટી-20 મેચ રમી રહેલા ભારતે મેચ જીતી.
2. ઈશાનની 21 બોલમાં ફિફ્ટી, ભારત Vs ન્યુઝીલેન્ડ ઈતિહાસની સૌથી ઝડપી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટી-20 મેચોમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ હવે ઈશાન કિશનના નામે નોંધાઈ ગયો છે. ઈશાને 21 બોલમાં ફિફ્ટી પૂરી કરીને આ સિદ્ધિ મેળવી. આ પહેલા આ યાદીમાં અભિષેક શર્માનું નામ હતું, જેમણે નાગપુરમાં 22 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
આ મેચમાં ઈશાન કિશનનો આક્રમક અંદાજ પાવરપ્લેમાં જ જોવા મળ્યો, જ્યાં તેણે શરૂઆતની 6 ઓવરમાં 56 રન ફટકાર્યા. આ ટી-20 ઇન્ટરનેશનલમાં કોઈ ભારતીય બેટ્સમેનનો પાવરપ્લેમાં બીજો સૌથી મોટો સ્કોર છે. આ મામલે તેનાથી આગળ માત્ર અભિષેક શર્મા છે, જેણે 2025માં ઇંગ્લેન્ડ સામે પાવરપ્લેમાં 58 રન બનાવ્યા હતા.
3. સૂર્યાની 23 ઇનિંગ્સ બાદ ફિફ્ટી
11મી ઓવરમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાની ફિફ્ટી પૂરી કરી. તેણે 23 બોલમાં ફિફ્ટી ફટકારી, જે 23 ઇનિંગ્સ બાદ આવી. સૂર્યાએ 37 બોલમાં અણનમ 82 રનની શાનદાર ઇનિંગ્સ રમી, જેમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા.
આ આઠમી વાર હતું જ્યારે તેણે 25 કે તેથી ઓછા બોલમાં ફિફ્ટી ફટકારી, જ્યારે 200થી વધુના સ્ટ્રાઈક રેટથી પચાસ રન બનાવવાનો આ તેનો 11મો મોકો હતો.
4. ભારતમાં ભારત સામે ન્યુઝીલેન્ડનો સર્વોચ્ચ ટી-20 કુલ સ્કોર
ભારતની ધરતી પર ન્યુઝીલેન્ડે ટી-20 ઇન્ટરનેશનલમાં પોતાનો સૌથી મોટો સ્કોર 208 રન બનાવ્યો. આ પહેલા ભારતમાં ન્યુઝીલેન્ડનો સૌથી મોટો સ્કોર 2017માં રાજકોટમાં 196 રનનો હતો, અને તે મેચમાં ન્યુઝીલેન્ડને જીત પણ મળી હતી.
5. ફાઉક્સ એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન આપનાર બોલર
કીવી ફાસ્ટ બોલર જેક ફાઉક્સે ટી-20 ઇન્ટરનેશનલમાં એક ઇનિંગ્સની શરૂઆતમાં સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. ફાઉક્સે તેની શરૂઆતની ત્રણ ઓવરમાં 67 રન ખર્ચ કર્યા, જે આ ફોર્મેટમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો સ્પેલ છે.
આ પહેલા આ રેકોર્ડ આયર્લેન્ડના લાયમ મેકકાર્થીના નામે હતો. મેકકાર્થીએ 2025માં બ્રેડીમાં વેસ્ટ ઇન્ડિઝ સામે તેની પ્રથમ ત્રણ ઓવરમાં 63 રન આપ્યા હતા.
હવે મોમેન્ટ્સ…
1. સેમસન કેચ ડ્રોપનો ફાયદો ઉઠાવી શક્યા નહીં
ભારતીય ઓપનર સંજુ સેમસનને ઇનિંગ્સની શરૂઆતમાં જ જીવનદાન મળ્યું. પ્રથમ ઓવરમાં મેટ હેનરીની બીજી બોલ પર ડેવોન કોનવેએ તેમનો કેચ છોડી દીધો હતો, ત્યારે સેમસનનું ખાતું પણ ખુલ્યું ન હતું. જોકે, તેઓ આ તકનો વધુ ફાયદો ઉઠાવી શક્યા નહીં અને પાંચમી બોલ પર રચિન રવીન્દ્રને કેચ આપીને 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.

સંજુ સેમસન 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.
2. અભિષેક શર્મા પહેલીવાર ઝીરો પર આઉટ
ભારતીય ઓપનર અભિષેક શર્મા ટી-20 કારકિર્દીમાં પહેલીવાર શૂન્યના સ્કોર પર આઉટ થયા. બીજી ઓવરમાં જેકબ ડફીની બોલ પર ડેવોન કોનવેએ તેમનો કેચ પકડ્યો, જેનાથી અભિષેક ખાતું ખોલ્યા વગર પેવેલિયન પરત ફર્યો.

અભિષેક શર્મા ફ્લિક શૉટ રમવાના પ્રયાસમાં કેચ આઉટ થઈ ગયા.
3. ઈશાનના હાથમાંથી બેટ છૂટ્યું, પછી 3 ચોગ્ગા ફટકાર્યા
5મી ઓવરની ત્રીજી બોલ પર ઈશાન કિશનના હાથમાંથી બેટ છૂટી ગયું, જેને રચિન રવીન્દ્રએ ઉઠાવીને ખેલદિલી બતાવતા તેની પાસે પહોંચાડી દીધું. આ પછી ઈશાને પછીની ત્રણ બોલ પર સતત ચોગ્ગા ફટકાર્યા. આ સાથે ભારતનો સ્કોર 50 રનને પાર પહોંચી ગયો. મિચેલ સેન્ટનરની આ ઓવરમાંથી કુલ 12 રન આવ્યા.

મિચેલ સેન્ટનરની ઓવરમાં ઈશાનના હાથમાંથી બેટ છૂટી ગયું. (ફોટો- BCCI)
4. ઈશાનના આઉટ થવા પર સૂર્યા ભેટી પડ્યો
10મી ઓવરના પહેલા બોલ પર ઈશાન કિશન 32 બોલમાં 76 રન બનાવીને આઉટ થયો. તેને ઈશ સોઢીના બોલ પર મેટ હેનરીએ કેચ કર્યો. આ પહેલા ઈશાને માત્ર 21 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી.
આઉટ થયા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેને ભેટીને શાનદાર ઇનિંગ્સની પ્રશંસા કરી. આ ઈશાનના કરિયરની ખાસ ઇનિંગ્સ રહી, કારણ કે તેણે બે વર્ષ, એક મહિનો અને 28 દિવસ પછી ટી-20માં ફિફ્ટી ફટકારી.

ઈશાન કિશન આઉટ થયા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ તેને ભેટી પડ્યો.
5. સૂર્યને બે જીવનદાન
11મી ઓવરમાં જેકબ ડફીના ત્રીજા બોલ પર સ્ક્વેર લેગ બાઉન્ડ્રી પાસે માર્ક ચેપમેનથી સૂર્યકુમાર યાદવનો કેચ છૂટી ગયો, જે છગ્ગામાં પણ ફેરવાઈ ગયો.
ત્યારબાદ 14મી ઓવરમાં ભારતીય કેપ્ટનને બીજું જીવનદાન મળ્યું, જ્યારે જેક ફાઉક્સથી પોતાની જ બોલ પર તેનો કેચ છૂટી ગયો. સૂર્યએ આ તકનો પૂરો ફાયદો ઉઠાવતા આગલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો. આ ઓવરમાંથી કુલ 18 રન આવ્યા.

સૂર્યકુમારને જીવનદાન મળ્યા પછી ભારતે મેચ જીતી લીધી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

