Indus Water Treaty: Pakistan’s War Threat as India Stops Water Flow

Last Updated: June 22, 2026By

શું તમે ક્યારેય વિચાર્યું છે કે પાણી લોહી કરતાં પણ વધારે ઈમ્પોર્ટન્ટ બની શકે? આ સાંભળવામાં થોડું અજીબ અને વિચિત્ર લાગે પણ દક્ષિણ એશિયાની આ જ જીઓપોલિટિક્સ વિશે આજે આપણે વાત કરવી છે.

.

આપણે અવાર નવાર સાંભળ્યું છે કે પાકિસ્તાને ભારતને ધમકી આપી. એ ધમકીમાં કાશ્મીરની જમીન, આતંકવાદ વગેરે જોયું જ હશે પણ શું તમે સાંભળ્યું છે કે પાણી માટે ધમકી આપી શકે?

2026નું ચોમાસું આમ પણ નબળું રહેવાનું છે એવામાં પાકિસ્તાને ભારતને સિંધુ જળસંધી મામલે ખોખલી ધમકી આપી છે, તો આજે પાકિસ્તાનના પાણી યુદ્ધની અને સિંધુ જળ સંધીની વાત કરીએ

નમસ્કાર…

હમણાં જ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે એક ટીવી ઇન્ટરવ્યુમાં ભારતને ખુલ્લી અને સીધી ધમકી આપી દીધી. એમણે બહુ આક્રમક અવાજમાં કહ્યું કે,

“જો પાકિસ્તાનને લાગશે કે એનું પાણી રોકાઈ રહ્યું છે, કે એમની રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં છે, તો પાકિસ્તાન ભારત સામે લશ્કરી કાર્યવાહી કે યુદ્ધ કરતા સહેજ પણ અચકાશે નહીં.”

હવે જરા વિચારો, જે દેશ પાસે ખાવાના સાંસા છે, એ યુદ્ધની વાતો કરે છે! આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આપણા ભારતના જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે એક સ્પષ્ટ ઈશારો કર્યો હતો. એમણે કહ્યું હતું કે જૂન 2028 સુધીમાં સિંધુ નદીનું જે પાણી અત્યારે પાકિસ્તાન તરફ વહી જાય છે, એને ભારત પૂરી રીતે રોકી શકે છે. એપ્રિલ 2025માં કાશ્મીરમાં પાકિસ્તાનના આતંકીઓએ 26 નિર્દોષ નાગરિકોનો જીવ લીધો. એ પછી ભારતે કડક વલણ અપનાવ્યું છે અને 1960ની સિંધુ જળ સંધિને અત્યારે લટકાવી રાખી છે.

ધમકી પાછળ પાકિસ્તાનની અસલી હાલત

કોઈ પણ દેશ જ્યારે યુદ્ધની ધમકી આપે, ત્યારે એના ખિસ્સામાં પૈસા અને સેનામાં તાકાત હોવી જોઈએ. પણ પાકિસ્તાનની અસલી હાલત શું છે?

  1. દેશ અત્યારે નાદારીના આરે છે.
  2. IMF પાસે લોનની ભીખ માંગે છે.
  3. 1.1 અબજ ડોલરનું બેલઆઉટ પેકેજ મળ્યું છે.
  4. દેશનું અર્થતંત્ર માત્ર દેવા પર નભે છે.
  5. કુલ વિદેશી દેવું 131 અબજ ડોલર છે.
  6. દેશની આવકનો મોટો ભાગ વ્યાજમાં જાય છે.
  7. માત્ર બે અઠવાડિયાની આયાતના જ પૈસા બચ્યા છે.
  8. લોટ અને દાળ માટે રસ્તા પર રમખાણો થાય છે.
  9. 44.7 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવે છે.

હવે તમે જ કહો, જે દેશમાં લોકોને બે ટંકનો રોટલો નથી મળતો, એ પરમાણુ તાકાત ધરાવતા અને આટલા મજબૂત ભારત સામે યુદ્ધ કઈ રીતે કરી શકે? વિદેશી બાબતોના એક્સપર્ટ્સ આને ખાલી અને ખોખલી ધમકી કહી રહ્યા છે. આ ધમકી પાકિસ્તાનની તાકાત નથી બતાવતી, પણ ભારતની કડકાઈથી ઊભો થયેલો એમનો ડર અને અંદરની હતાશા બતાવે છે.

સિંધુ જળ સંધિનો અસલી ઇતિહાસ

આ આખો પાણીનો વિવાદ સમજવા માટે આપણે થોડા ઇતિહાસમાં જવું પડશે. 1947માં જ્યારે દેશના ભાગલા પડ્યા, ત્યારે જમીનના તો ટુકડા થઈ ગયા, પણ વહેતા પાણીનું શું કરવું? આ એક બહુ મોટો સવાલ હતો. કારણ કે નદીઓ તો ભારતમાંથી નીકળીને પાકિસ્તાન જતી હતી. ઘણા વર્ષો સુધી આ અંગે ખેંચતાણ ચાલી. છેવટે, 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચીમાં એક ઐતિહાસિક કરાર થયો. ભારત તરફથી આપણા તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાન તરફથી રાષ્ટ્રપતિ અયુબ ખાન ભેગા થયા. વર્લ્ડ બેંકે આમાં વચેટિયાનું કામ કર્યું. આને જ આપણે સિંધુ જળ સંધિ કહીએ છીએ. જે મામલે આજે પાકિસ્તાન રડી રહ્યું છે.

કઈ નદી પર કોનો કેટલો હક?

આ સમજવું બહુ સહેલું છે. સિંધુ જળ સંધિ મુજબ 6 નદીઓને બે ભાગમાં વહેંચી દેવામાં આવી:

  • પૂર્વીય નદીઓ ભારત પાસે રહેશે.
  • રાવી, બિયાસ, સતલજ ભારતની.
  • ભારત 100 ટકા પાણી વાપરી શકે.
  • પશ્ચિમી નદીઓ પાકિસ્તાન પાસે જશે.
  • સિંધુ, ઝેલમ, ચિનાબ પાકિસ્તાનની.
  • ભારત ત્યાં વીજળીના પ્રોજેક્ટ બનાવી શકે.
  • પણ ભારત નદીનો મૂળ પ્રવાહ રોકી ન શકે.

એક રીતે જોવા જઈએ તો સંધિ મુજબ સિંધુ નદીનું લગભગ 80 ટકા પાણી પાકિસ્તાનને મળે છે, ભારતને ખાલી 20 ટકા જ મળે છે. આપણું ભારત નદીના ઉપલા ભાગમાં છે છતાં પાકિસ્તાનને 80 ટકા પાણી આપી દેવામાં આવ્યું. આખી દુનિયા સિંધુ જળ સંધીને એક સક્સેસફુલ ડિલ કહે પણ કહે છે કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ યુદ્ધ થયા પણ ક્યારેય સંધિ નથી તૂટી.

પણ એક રીતે જોવા જઈએ તો હકીકતમાં આ ભારત માટે એક મોટું નુકસાન હતું અને છે. પાકિસ્તાનની આખી ખેતી માત્ર આ પાણી પર ચાલે છે. છતાં પાકિસ્તાન વારંવાર ભારતના ડેમ પ્રોજેક્ટ પર વાંધા ઉઠાવે છે, એટલે જ આ શાંતિની સંધિ હવે ભયંકર ખતરામાં છે.

હવામાનનો બદલાવ અને નબળું ચોમાસું

આ આખો મામલો હવે ખાલીને ખાલી દેશોની બોર્ડર કે કાગળ પર લખેલા નિયમોનો નથી રહ્યો. હવે આમાં કુદરત એટલે કે ક્લાઈમેટ ચેન્જે પણ ભૂસકો માર્યો છે. જળવાયુ પરિવર્તન હવે કોઈ વૈજ્ઞાનિકોની થિયરી નથી, એ આપણી નજર સામે બની રહેલી ઘટના છે. હવામાન વિભાગનું કહેવું છે કે વર્ષ 2026માં ભારતમાં ચોમાસું નબળું રહેવાની પૂરી અને સ્ટ્રોંગ પોસિબિલિટી છે.

  • પ્રશાંત મહાસાગરમાં અલ-નીનો એક્વિટ છે.
  • શિયાળા સુધી સુપર અલ-નીનો બની શકે.
  • આ ચોમાસે વરસાદ ઘણો ઓછો પડશે.
  • જૂનમાં પણ ભારતમાં ઓછો વરસાદ ખાબક્યો.

હવે સીધો સવાલ એ થાય કે જ્યારે ભારતમાં જ વરસાદ ઓછો પડશે, ત્યારે આપણા પોતાના ખેડૂતોનું શું થશે? પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરના ખેડૂતોને ખેતી માટે પાણી ક્યાંથી મળશે? આપણી અન્ન સુરક્ષા સીધી રીતે પાણી સાથે જોડાયેલી છે. આવી કપરી સ્થિતિમાં ભારત એ પાણી કઈ રીતે જતું કરે જે કાયદેસર આપણા પોતાના હકનું છે? અત્યાર સુધી પૂરતા ડેમ ન હોવાથી પૂર્વીય નદીઓનું વધારાનું પાણી પાકિસ્તાન તરફ વહી જતું હતું. પણ હવે ભારત સરકાર મજબૂત રીતે ઈચ્છી રહી છે કે આપણા હકનું એક પણ ટીપું પાકિસ્તાન નહીં જવા દઈએ.

પાકિસ્તાનનું આંતરિક અને ભયંકર જળ સંકટ

પાકિસ્તાનની અસલી તકલીફ ભારત નથી, પરંતુ તેમની પોતાની સાવ નિષ્ફળ ગયેલી સિસ્ટમ છે. પાકિસ્તાન અત્યારે એવા જળ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે જેની કદાચ આપણે કલ્પના પણ ન કરી શકીએ. યુનાઈટેડ નેશન્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય એજન્સીઓના રિપોર્ટ સ્પષ્ટ કહે છે કે 2030 સુધીમાં પાકિસ્તાન પૂરી રીતે વોટર સ્કેર્સ દેશ બની જશે. એટલે કે એવા દેશની કેટેગરીમાં પહોંચી જશે જ્યાં પાણીની ભયાનક તંગી છે.

  • પાક.ની ત્રીજા ભાગની વસ્તી પાસે પાણી નથી.
  • પાક.ની સિંચાઈ સિસ્ટમ સાવ ભંગાર હાલતમાં છે.
  • જળાશયોમાં પાણીનું સ્તર બહુ ભયજનક છે.
  • માથાદીઠ પાણીની ઉપલબ્ધતા તળિયે ગઈ છે.

અત્યારની જ વાત કરીએ તો સિંધ પ્રાંતની નોર્થ વેસ્ટ કેનાલમાં અત્યારે 64 ટકા પાણીની ઘટ છે. દાદુ કેનાલમાં 82 ટકા અને રાઇસ કેનાલમાં 38 ટકા જેટલું પાણી ઓછું છે. ખેડૂતોના ઊભા પાક સુકાઈ રહ્યા છે અને તેઓ આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે.

પાકિસ્તાનના સિંધ અને પંજાબ વચ્ચે પાણી માટે યુદ્ધ

સૌથી મોટી મજાકની વાત તો એ છે કે પાકિસ્તાનમાં અત્યારે અંદર અંદર રાજ્યો વચ્ચે જ પાણી માટે ઘમાસાણ અને સંઘર્ષ ચાલી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલો સિંધ પ્રાંત સતત આરોપ લગાવે છે કે પંજાબ પ્રાંત તેમનું હકનું પાણી ચોરી રહ્યું છે.

  • પંજાબ ગેરકાયદેસર વધુ પાણી ખેંચી લે છે.
  • 21 ટકા જેટલું પાણી વધુ લેવાય છે.
  • સિંધ પ્રાંતના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે.
  • સુક્કુર બૅરેજ પાસે પાણી સુકાઈ ગયું છે.

સિંધના સ્થાનિક ખેડૂતોને ડર છે કે આ તો એમનો આર્થિક નરસંહાર થઈ રહ્યો છે. હવે જરા વિચારો, જ્યારે પોતાના જ દેશમાં બે રાજ્યો વચ્ચે પાણીની વહેંચણી સરખી રીતે નથી થઈ શકતી, જ્યારે વોટર મેનેજમેન્ટ સાવ ફેલ ગયું છે, ત્યારે પાકિસ્તાનના નેતાઓ શું કરે? એ લોકો પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પ્રજાનું ધ્યાન ભટકાવે છે અને તરત જ ભારત તરફ આંગળી ચીંધી દે છે.

ભારતનો આક્રમક મિજાજ અને બદલાયેલી નીતિ

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે પાણીના મામલે પોતાની જૂની અને ઢીલી નીતિ પૂરી રીતે છોડી દીધી છે. હવે ભારતનો એટિટ્યૂડ સાવ આક્રમક, સ્પષ્ટ અને સક્રિય છે. 2016માં જ્યારે ઉરીમાં આતંકી હુમલો થયો, ત્યારે જ ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે “લોહી અને પાણી એકસાથે ક્યારેય ન વહી શકે. Blood and water cannot flow together”

  • ભારત પોતાની જૂની ઢીલી નીતિ બદલી ચૂક્યું છે.
  • જળ સંસાધનોનો મહત્તમ ઉપયોગ હવે શરૂ થયો છે.
  • શાહપુર કંડી ડેમનું કામ અંતિમ તબક્કામાં છે.
  • રાવી નદીનું પાણી પાકિસ્તાન જતું અટકી જશે.

રાવી નદી પર જમ્મુ અને પંજાબની બોર્ડર પર બની રહેલો શાહપુર કંડી ડેમ બહુ જલ્દી શરૂ થવા જઈ રહ્યો છે. આ ડેમ ચાલુ થતાં જ જે વધારાનું પાણી માધવપુર થઈને પાકિસ્તાન વહી જતું હતું, એ હવે કાયમ માટે રોકાઈ જશે. આમાં કોઈ આંતરરાષ્ટ્રીય નિયમનો ભંગ નથી થતો, કારણ કે સંધિ મુજબ પૂર્વીય નદીઓ પર ભારતનો 100 ટકા હક છે. આ રોકાયેલું પાણી હવે આપણા જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને સાંબા જિલ્લાના ખેતરોમાં સિંચાઈ માટે વપરાશે. પાકિસ્તાનનો અસલી ડર પણ આ જ છે કે ભારત હવે જાગી ગયું છે અને મફતનું પાણી બંધ થવા જઈ રહ્યું છે.

ચિનાબ પર રોકેટ સ્પીડે બનતા ભારતના હાઈડ્રોપાવર પ્રોજેક્ટ

ભારતે પૂર્વીય નદીઓમાંથી પાણી રોકવાની તૈયારીઓ પૂરી કરી લીધું છે પણ અસલી ડખો પશ્ચિમની નદીઓ છે, જેનું જ પાણી પાકિસ્તાન પહોંચે છે. સિંધુ જળ સંધિનું કહેવું છે કે ભારત આ પાણી રોકી નથી શકતું પણ તેના પર વીજળી પેદા કરવા માટે પ્રોજેક્ટ જરૂર શરૂ કરી શકે છે. બસ ભારતે આ જ નિયમોનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું છે.

  • ચિનાબ નદી પર ભારતના મોટા પ્રોજેક્ટ્સ શરૂ.
  • પાકલ દુલ 1000 મેગાવોટનો મોટો પ્રોજેક્ટ.
  • રતલે અને કીરૂ પ્રોજેક્ટ્સનું કામ પણ જોરોશોરોમાં.
  • 2028 સુધીમાં આ પ્રોજેક્ટ્સ પૂરા થશે.
  • ભારતની જળ ઊર્જા ક્ષમતામાં મોટો વધારો.

જ્યારે આ બધા ડેમ બની જશે, ત્યારે ભારત પાણીના પ્રવાહને પોતાની રીતે કંટ્રોલ કરી શકશે. પાકિસ્તાનને એ જ ડર છે કે જો યુદ્ધ જેવી સ્થિતિ આવે, તો ભારત આ પ્રોજેક્ટ્સમાંથી અચાનક પાણી છોડીને પૂર લાવી શકે છે અથવા પાણી રોકીને દુષ્કાળ પાડી શકે છે.

પાક.ના પાણી વાંધા અને ભારતના જવાબો

ભારતનો આક્રોશ માત્ર ડેમ બનાવવા પૂરતો જ નથી. એપ્રિલ 2025માં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાને મોકલેલા આતંકીઓએ 26 નિર્દોષ લોકોનો જીવ લીધો. આ ઘટના પછી ભારતે ચોખ્ખું સંભળાવી દીધું હતું કે હવે પાણી અને આતંકવાદની વાતો એકસાથે નહીં ચાલે. ભારતે 1960ની આ ઐતિહાસિક સંધિને અચોક્કસ મુદત માટે સ્થગિત કરી દીધી છે.

  • આતંકી હુમલા બાદ ઐતિહાસિક સંધિ સ્થગિત.
  • ભારતની પાકિસ્તાનને ઔપચારિક અને કડક નોટિસ.
  • સંધિમાં મોટા પાયે સુધારાની ભારતની માંગ.
  • આતંકવાદ બંધ ન થાય ત્યાં સુધી કોઈ વાટાઘાટો નહીં.

પાકિસ્તાન વારંવાર આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઈને ભારતના પ્રોજેક્ટ્સ અટકાવવાની કોશિશ કરતું હતું. પણ ભારતે હવે સીધું કહી દીધું છે કે જ્યાં સુધી પાકિસ્તાન ક્રોસ-બોર્ડર આતંકવાદ બંધ નહીં કરો, ત્યાં સુધી કોઈ વાતચીત નહીં થાય. આ કહી જાય છે કે ભારત હવે બેકફૂટ પર રમવા માંગતું નથી.

પાકિસ્તાનની ધમકી પાછળનું છૂપું કારણ

હવે આપણે એ સમજીએ કે પાકિસ્તાનના રક્ષામંત્રી અચાનક યુદ્ધની વાતો કેમ કરવા લાગ્યા? જ્યારે પણ પાકિસ્તાનની સેના અને સરકાર દેશ ચલાવવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તેઓ એક જૂની અને જાણીતી રમત રમે છે. એ રમત એટલે પ્રજાનું ધ્યાન ભટકાવવું. અત્યારે પાકિસ્તાનમાં અંદરખાને આગ લાગેલી છે.

  • પાકિસ્તાનની સેના આંતરિક મોરચે સંપૂર્ણ નિષ્ફળ.
  • ધ્યાન ભટકાવવા ભારત વિરોધી ગંદો એજન્ડા.
  • ટીટીપીના પોલીસ પર જીવલેણ હુમલા.
  • બલૂચિસ્તાનમાં વિદ્રોહ અત્યંત ચરમસીમાએ.
  • પોતાની જનતાને શાંત કરવાની રાજકીય રમત.

વર્ષ 2025 અને 2026માં પાકિસ્તાનમાં આતંકી હુમલાઓ 26 ટકા વધી ગયા છે. બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેનાની ઊંઘ હરામ કરી નાખી છે. જાન્યુઆરી 2026માં તો ટ્રેન હાઇજેક કરવા સુધીની ઘટનાઓ પણ બની ગઈ હતી. જ્યારે પોતાના દેશમાં લોકો સરકાર અને સેનાની સામે પડી ગયા હોય, અર્થતંત્ર ખાડે ગયું હોય, ત્યારે “ભારત આપણું પાણી લઈ લેશે” એવો લોકોને ડર બતાવીને રાજનીતિ કરવીએ કાયરતા છે.

ડ્રેગનની મેલી મુરાદ અને બ્રહ્મપુત્રા નદી પર મોટો ખતરો

આ આખી રમત ખાલી ભારત અને પાકિસ્તાન પૂરતી જ નથી. આમાં સૌથી મોટો ખેલાડી ચીન છે. જો ભારત પાકિસ્તાનનું પાણી રોકે, તો શું ચીન બ્રહ્મપુત્રા નદીનું પાણી રોકીને ભારતને પરેશાન કરી શકે? આ એક બહુ મોટો સવાલ છે.

  • ચીન બ્રહ્મપુત્રા નદી પર મોટો ડેમ બનાવે છે.
  • અરુણાચલ સરહદ નજીક વિશાળ પ્રોજેક્ટ શરૂ.
  • જુલાઈ 2025માં આ પ્રોજેક્ટનું નિર્માણ શરૂ.
  • ચીન પાણીને જિયોપોલિટિકલ હથિયાર બનાવી શકે.
  • ભારત અને બાંગ્લાદેશ માટે આ બહુ મોટો ખતરો.

ચીન 60 હજાર મેગાવોટનો આ પ્રોજેક્ટ માત્ર વીજળી માટે નથી બનાવતું. આવા પ્રોજેક્ટથી ચીન વોટર બ્લેકમેલિંગ કરી શકે છે. જો ચીન અચાનક પાણી છોડે તો આપણા આસામ અને અરુણાચલ પ્રદેશમાં ભયાનક પૂર આવી શકે છે અને પાણી રોકે તો દુષ્કાળ પડી શકે છે. ગામો ને ગામો ડૂબી શકે.

ચીનના વોટર બોમ્બનો ઈન્ડિયન ઈલાજ

જ્યારે આપણે પાણીના રાજકારણની વાત કરતા હોઈએ ત્યારે ચીનને ભૂલી શકાય નહીં. ચીન જ્યારે પણ સરહદ પર કોઈ મેલી રમત રમે છે, ત્યારે ભારત હવે ચૂપચાપ શાંત બેસી રહેતું નથી. ચીનની વોટર બ્લેકમેલિંગની આ ખતરનાક રણનીતિ સામે ભારતે પણ એક જોરદાર માસ્ટરસ્ટ્રોક લગાવ્યો છે. ભારત અત્યારે અરુણાચલ પ્રદેશમાં 11,000 મેગાવોટનો સિયાંગ અપર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ કરવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ કોઈ નાનોસૂનો નથી, તેની પાછળ 13 અબજ ડોલરનો જંગી ખર્ચ થવાનો છે.

  • ભારતનો પ્રોજેક્ટ ચીનની મેલી મુરાદ નિષ્ફળ બનાવશે.
  • 13 અબજ ડોલરનો મોટો સિયાંગ પ્રોજેક્ટ શરૂ.
  • અરુણાચલ અને આસામને પૂરથી કાયમી રક્ષણ મળશે.
  • ચીનનું છોડેલું પાણી આ વિશાળ ડેમમાં સમાઈ જશે.

ચીન આ ડેમ દ્વારા માત્ર ભારત જ નહીં, પણ બાંગ્લાદેશની ઇકોલોજીને પણ મોટું નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે સિયાંગ પ્રોજેક્ટ માત્ર એક ડેમ નથી, પણ પૂર્વોત્તર ભારતની ઢાલ છે. જ્યારે પણ ચીન અચાનક પૂર લાવવા માટે પોતાના ડેમમાંથી પાણી છોડશે, ત્યારે આ વિશાળ સિયાંગ ડેમ એ પાણીને પોતાનામાં શોષી લેશે. અને જો ચીન અચાનક પાણી રોકશે, તો આ ડેમમાં ભરેલું પાણી આપણા ખેડૂતોને સિંચાઈ માટે કામ લાગશે. આમ, ડ્રેગનની પાણીને હથિયાર બનાવવાની નીતિનો ભારતે બહુ જ સ્માર્ટ રીતે તોડ કાઢી લીધો છે.

જો સિંધુ સંધિ તૂટે તો શું થશે અને કાનૂની પરિસ્થિતિ

હવે ઘણા લોકોને મનમાં એવો સવાલ થાય છે કે જો ભારત સિંધુ જળ સંધિ રદ કરે કે સ્થગિત કરે, તો શું વર્લ્ડ બેંક ભારત પર કોઈ કડક કાર્યવાહી કરી શકે? આનો સીધો અને એકદમ સરળ જવાબ છે, ના. વર્લ્ડ બેંક આ સંધિમાં માત્ર એક મધ્યસ્થી અને પ્રોજેક્ટ્સ માટે ફંડ આપતી એજન્સી છે. વર્લ્ડ બેંક પાસે એવી કોઈ લશ્કરી કે કાનૂની સત્તા નથી કે તે કોઈ પણ સાર્વભૌમ દેશ પર પોતાનો નિર્ણય જબરદસ્તીથી લાદી શકે.

  • વર્લ્ડ બેંક પાસે કોઈ સજા કરવાની સત્તા નથી.
  • ભારત પાસે આંતરરાષ્ટ્રીય કાયદાનું ખૂબ મજબૂત પીઠબળ.
  • પાકિસ્તાને આતંકવાદ ફેલાવી સંધિનો ખુલ્લો ભંગ કર્યો છે.
  • સંધિ સ્થગિત કરવાનો ભારતનો નિર્ણય સંપૂર્ણ કાયદેસર.

આંતરરાષ્ટ્રીય કાયદાના મોટા નિષ્ણાતો પણ આ બાબતે સ્પષ્ટ છે. 1969ના વિયેના કન્વેન્શન ઓન ધ લો ઓફ ટ્રીટીઝના આર્ટિકલ 60ની જોગવાઈઓ બહુ સ્પષ્ટ છે. નિયમો અનુસાર, જો કરાર કરનાર બે દેશમાંથી કોઈ એક દેશ સંધિની શરતોનો ભંગ કરે, તો બીજા દેશને તે કરાર રદ કરવાનો પૂરો હક છે. પાકિસ્તાન સતત આતંકવાદને સપોર્ટ આપીને અને આપણા પ્રોજેક્ટ્સમાં ખોટા વાંધા ઉઠાવીને આ સંધિનો ભંગ જ કરી રહ્યું છે. એટલે ભારતની નીતિ એકદમ કાયદેસર અને તાર્કિક છે.

ખોખલી ધમકીઓ છોડો અને દેશ ચલાવામાં ધ્યાન આપો

તો આ બધી વાતો અને આંકડાઓ જોયા પછી એક વાત પાણીની જેમ ક્લિયર થઈ જાય છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે જે યુદ્ધની ધમકી આપી છે, એ વાસ્તવિકતાથી જોજનો દૂર છે. આ ધમકી યુદ્ધ કરવા માટે નહીં, પણ પોતાની રાજકીય મજબૂરી, ડર અને આંતરિક હતાશા છુપાવવા માટે અપાઈ છે. બે પરમાણુ શક્તિ ધરાવતા દેશો વચ્ચે યુદ્ધ એ કોઈ રમકડું નથી. અને એમાંય જ્યારે પાકિસ્તાન ઇતિહાસના સૌથી ભયંકર આર્થિક ખાડામાં પડ્યું હોય, ત્યારે યુદ્ધ તો એમના માટે સીધી આત્મહત્યા સમાન છે.

  • જળ સંસાધનો હવે ડિપ્લોમેટિક લીવરેજ બની ગયા છે.
  • માત્ર બંદૂકો અને ખોટી ધમકીથી પાણી ન ઉત્પન્ન થાય.
  • આતંકવાદ છોડીને વોટર મેનેજમેન્ટ પર પૂરતું ધ્યાન આપો.
  • પાણીનું એક ટીપું હવે લોહીના બુંદથી મોંઘું બન્યું.

ભારતની નીતિમાં આવેલો આ બદલાવ સાબિત કરે છે કે પાણી હવે માત્ર ખેતી કે ઉદ્યોગ માટે નથી રહ્યું, પણ તે દુશ્મન દેશને પાંસરો કરવા માટેનું એક ખતરનાક અને મજબૂત સ્ટ્રેટેજિક હથિયાર બની ગયું છે. આજે ભારતની લીડરશીપ દિલ્હીમાં બેસીને ખાલી હવામાં વાતો નથી કરતું… પણ સરહદ પર જઈને મોટા ડેમ બનાવી રહ્યું છે. પાકિસ્તાને સમજવું પડશે કે જો પાણી બંધ થયું, તો તેમના દેશમાં કોઈ ક્રાંતિ નહીં પણ રમખાણો થશે, લોકો લોટની જેમ પાણી માટે રસ્તા પર ઉતરી આવશે. માટે, ખોખલા નિવેદનો અને હથિયારોનો મોહ છોડીને, પાકિસ્તાને પોતાના જળાશયોના સમારકામ અને ક્લાઈમેટ ચેન્જ એડપ્ટેશન પર ધ્યાન આપવું પડશે. દક્ષિણ એશિયાના રાજકારણમાં હવે પાણીનું એક એક ટીપું લોહી કરતાં પણ વધારે કિંમતી બની ગયું છે. યુદ્ધની ખોટી ધમકીઓ હવે અહીં નહીં ચાલે!

અને છેલ્લે…

વાત એક એવા વીડિયોની જે અત્યારે ઇન્ટરનેટ પર ભારે વાયરલ છે. સ્વિટ્ઝરલેન્ડમાં યુદ્ધ રોકવા માટે એક બહુ મોટી મીટિંગ ચાલી રહી હતી. આ ફ્રેમમાં વાન્સ, કુશનર, ઈરાનના અરાઘચી, પાકિસ્તાની આર્મી ચીફ મુનીર અને શાહબાઝ શરીફ બધા જોવા મળ્યા હતા. પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી પછી, ઈરાને અમેરિકા સાથે મીટિંગ કરવાની જ સીધી ના પાડી દીધી! અરાઘચી મીટિંગ છોડીને નીકળી ગયા. શાહબાઝ શરીફે રોકાવા માટે ઈશારો કર્યો છતાં એ ન માન્યા. મુનીર પણ બસ લાચાર થઈને જોતા જ રહી ગયા. યુદ્ધ રોકાવીને અમેરિકા પાસેથી ડોલર કમાવવાનું પાકિસ્તાનનું સપનું હવે રોળાઈ ગયું છે. ખેર, મજાક બાજુ પર રાખીએ તો, આ જિયોપોલિટિકલ ખળભળાટના પરિણામો ભવિષ્યમાં આપણા માટે પણ બહુ ગંભીર આવી શકે છે.

સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે, જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર.

(રિસર્ચ અને એનાલિસિસ: સમીર પરમાર | Samir Parmar)