Infosys Profit ₹8,501 Cr; Revenue Up 13%; Dividend ₹25
મુંબઈ3 કલાક પેહલા
- કૉપી લિંક
આઇટી કંપની ઇન્ફોસિસ (Infosys) એ 23 એપ્રિલે નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. કંપનીનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 21% વધીને ₹8,501 કરોડ રહ્યો. ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં ₹7,033 કરોડનો નફો થયો હતો.
ઓપરેશન્સમાંથી થતી આવક લગભગ 13.38% વધી. તે ₹46,402 કરોડ પર પહોંચી ગઈ છે, જે ગયા વર્ષે ₹40,925 કરોડ હતી. વસ્તુઓ અને સેવાઓ વેચીને મળતા પૈસાને રેવન્યુ (આવક) કહેવાય છે. સારા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, ઇન્ફોસિસ (Infosys) એ FY27 માટે તેના રેવન્યુ ગાઇડન્સના અંદાજને 1.5%-3.5% કર્યો છે.
રોકાણકારોને કંપની 25 રૂપિયા ડિવિડન્ડ આપશે
આ ઉપરાંત, કંપનીએ તેના રોકાણકારોને 25 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે. કંપનીઓ તેમના નફાનો અમુક હિસ્સો તેમના શેરધારકોને આપે છે, જેને ડિવિડન્ડ કહેવાય છે.
માર્ચ ક્વાર્ટરમાં 8,440 કર્મચારીઓએ નોકરી છોડી
IT સેક્ટર માટે સૌથી મોટી ચિંતા ‘એટ્રિશન રેટ’ (નોકરી છોડવાનો દર) હોય છે. કંપનીનો એટ્રિશન રેટ ગયા વર્ષના 14.1% થી ઘટીને હવે 12.6% પર આવી ગયો છે. ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધારે જોઈએ તો તેમાં 0.3% નો વધારો થયો છે. એટલે કે પાછલા ક્વાર્ટરની સરખામણીમાં આ ક્વાર્ટરમાં 8,440 લોકોએ નોકરી છોડી છે.
માર્ચ ક્વાર્ટર (Q4FY26) મુજબ, કંપનીમાં હાલમાં 3,28,594 કર્મચારીઓ છે. પાછલા ક્વાર્ટર (Q3FY26) માં આ આંકડો 3,37,034 હતો. ગયા વર્ષના સમાન ક્વાર્ટર (Q4FY25) માં કંપનીમાં 3,23,578 કર્મચારીઓ હતા. જ્યારે કંપનીએ જણાવ્યું કે FY27 માં ઇન્ફોસિસ 20 હજાર ફ્રેશર્સને હાયર કરશે.
એક વર્ષમાં ઇન્ફોસિસનો શેર 16% ઘટ્યો
પરિણામો જાહેર થાય તે પહેલાં આજે ઇન્ફોસિસનો શેર લગભગ 3% ઘટીને ₹1,231.80 પર બંધ થયો. છેલ્લા એક મહિનામાં કંપનીનો શેર 2% ઘટ્યો છે. જ્યારે 6 મહિનામાં તે 20% અને આ વર્ષે એટલે કે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 25% ઘટ્યો છે. એક વર્ષમાં તે 16% ઘટ્યો છે. કંપનીનું માર્કેટ કેપ 5.15 લાખ કરોડ રૂપિયા છે.
શું હોય છે રેવન્યુ ગાઇડન્સ?
આઇટી કંપનીઓ દર ક્વાર્ટરમાં એવો અંદાજ લગાવે છે કે આખા વર્ષમાં તેમની કમાણી કેટલી વધી શકે છે. તેને ‘ગાઇડન્સ’ કહેવાય છે. ઇન્ફોસિસે તેને વધારીને 3.5% કર્યું છે, જેનો અર્થ છે કે આવનારા મહિનાઓમાં કંપનીને નવા ઓર્ડર મળવાની અપેક્ષા વધી ગઈ છે.
કન્સોલિડેટેડ એટલે કે આખી કંપનીનો રિપોર્ટ
કંપનીઓના પરિણામો બે ભાગમાં આવે છે – સ્ટેન્ડઅલોન અને કન્સોલિડેટેડ. સ્ટેન્ડઅલોનમાં ફક્ત એક યુનિટનું નાણાકીય પ્રદર્શન દર્શાવવામાં આવે છે. જ્યારે, કન્સોલિડેટેડ અથવા એકીકૃત નાણાકીય રિપોર્ટમાં આખી કંપનીનો રિપોર્ટ આપવામાં આવે છે.
નારાયણ મૂર્તિએ 1981માં કરી હતી કંપનીની શરૂઆત
1981માં સ્થાપિત, ઇન્ફોસિસ એક NYSE લિસ્ટેડ ગ્લોબલ કન્સલ્ટિંગ અને આઇટી સર્વિસિસ કંપની છે. 250 ડોલર (આજના હિસાબે આશરે 23,000 રૂપિયા)ની મૂડીથી નારાયણ મૂર્તિએ કંપનીની શરૂઆત કરી હતી. કંપનીના CEO અને મેનેજિંગ ડિરેક્ટર સલિલ પારેખ છે. ડી સુંદરમ કંપનીના લીડ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


