Instant Dhokla Recipe Make market-like spongy dhokla in minutes from just 1 cup of gram flour | Gujarat News
ઉનાળાની રજાઓ ચાલી રહી છે અને વેકેશનના મૂડમાં રહેલા બાળકો દરરોજ કંઈક નવું અને ટેસ્ટી ખાવાની માંગ કરતા હોય છે. બીજી તરફ, કાળઝાળ ગરમીના કારણે ગૃહિણીઓને રસોડામાં કલાકો સુધી ઊભા રહીને રાંધવાનું બિલકુલ મન થતું નથી. જો તમે પણ આવી જ કોઈ મૂંઝવણમાં છો અને આખા પરિવાર માટે કોઈ ઝડપી, હલકો-ફુલકો અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવવા માંગો છો, તો બેસન (ચણાનો લોટ) ના ઇન્સ્ટન્ટ ઢોકળા બેસ્ટ ઓપ્શન છે. માત્ર 1 કપ ચણાના લોટનો ઉપયોગ કરીને તમે મિનિટોમાં બજાર જેવા જ સ્પોન્જી અને જાળીદાર ઢોકળા ઘરે તૈયાર કરી શકો છો.
ઢોકળા બનાવવા માટેની સામગ્રી:
- ૧ કપ ચણાનો લોટ (બેસન)
- ૧ ચમચી લીંબુનો રસ અથવા સાઇટ્રિક એસિડ
- ૧ ચમચી ઈનો (Eno) અથવા ખાવાનો સોડા
- સ્વાદાનુસાર મીઠું અને ચપટી હળદર
- વઘાર માટે: રાઈ, લીલા મરચાં, મીઠો લીમડો, તેલ અને કોથમીર
ઢોકળા બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ ઢોકળાનું ખીરું તૈયાર કરો. એક વાસણમાં ચણાનો લોટ ચાળી લો. તેમાં મીઠું, સહેજ હળદર, લીંબુનો રસ અને જરૂર મુજબ પાણી ઉમેરીને એક જ દિશામાં હલાવતા સ્મૂધ બેટર (ખીરું) તૈયાર કરો. પછી ઢોકળા સ્ટીમરમાં મૂકવાના બરાબર પહેલાં ખીરામાં ૧ ચમચી ઈનો ઉમેરીને તેના પર સહેજ પાણી છાંટો અને હળવા હાથે મિક્સ કરો. ઈનો ઉમેરતા જ ખીરું ફૂલી જશે. હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં આ ખીરૂં રેડીને પ્રી-હીટ કરેલા સ્ટીમરમાં ૧૦ થી ૧૨ મિનિટ માટે હાઈ ફ્લેમ પર બાફી લો. ઢોકળા ઠંડા થાય એટલે તેના ટુકડા કરી લો. એક નાના વઘારિયામાં તેલ ગરમ કરી રાઈ, લીલા મરચાં અને લીમડાનો વઘાર કરો. ઈચ્છો તો વઘારમાં થોડું પાણી અને ખાંડ ઉમેરીને આ પાણી ઢોકળા પર રેડી શકો છો, જેનાથી તે એકદમ સોફ્ટ અને જ્યુસી બનશે. ઉપરથી કોથમીર ભભરાવીને ગરમાગરમ સર્વ કરો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

