Iran Protest Death Update; Security Forces Fire Protesters Tehran Death VIDEOS | ઈરાનમાં વિદ્રોહ દરમિયાન લાશોના ઢગલા: તેહરાનમાં 217 લોકોના મોતનો દાવો, સેનાની ચેતવણી- પ્રદર્શનથી દૂર રહો, ગોળી વાગે તો ફરિયાદ ન કરવી
44 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે રાત્રે જેમ જેમ પ્રદર્શનો તેજ બન્યા, ઘણી જગ્યાએ સુરક્ષા દળોએ ગોળીબાર શરૂ કરી દીધો.
ટાઈમ મેગેઝિન અનુસાર, તેહરાનના એક ડોક્ટરે નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે રાજધાનીની માત્ર છ હોસ્પિટલોમાં ઓછામાં ઓછા 217 પ્રદર્શનકારીઓના મોત નોંધાયા છે, જેમાં મોટાભાગના મોત ગોળી વાગવાથી થયા છે.
આ દરમિયાન સરકાર તરફથી કડક ચેતવણીઓ આપવામાં આવી. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈએ કહ્યું કે સરકાર ઉપદ્રવીઓ સામે ઝૂકશે નહીં. તેહરાનના સરકારી વકીલે કહ્યું કે પ્રદર્શનકારીઓને મોતની સજા પણ થઈ શકે છે.
રિવોલ્યુશનરી ગાર્ડ્સના એક અધિકારીએ સરકારી ટીવી પર માતા-પિતાને કહ્યું કે, તેઓ પોતાના બાળકોને પ્રદર્શનોથી દૂર રાખે અને જો ગોળી વાગે તો ફરિયાદ ન કરવી.
રિપોર્ટ- સરકાર પૂરી તાકાતનો ઉપયોગ કરી રહી છે
રિપોર્ટ અનુસાર, પહેલા કેટલાક દિવસો સુધી તે સ્પષ્ટ નહોતું કે સરકાર શું વલણ અપનાવશે. ખુદ એન્ટી રાઈટ્સ પોલીસના એક અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોમાં ભારે મૂંઝવણ છે. કોઈને બરાબર ખબર નથી કે આગળ શું થવાનું છે. પરંતુ શુક્રવારે સામે આવેલી લોહિયાળ તસવીરો અને કડક નિવેદનોથી સ્પષ્ટ થઈ ગયું કે હવે પૂરી તાકાતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ પહેલા સરકારે દેશભરમાં ઇન્ટરનેટ અને ફોન સેવાઓ લગભગ બંધ કરી દીધી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચેતવણી આપી હતી કે જો પ્રદર્શનકારીઓને મારવામાં આવશે તો ઈરાની સરકારને તેની મોટી કિંમત ચૂકવવી પડશે.

પ્રદર્શનકારી મહિલાએ ઈરાની સુપ્રીમ લીડર ખામેનેઈની તસવીર સળગાવીને તેનાથી સિગારેટ સળગાવી. (ઈમેજ ક્રેડિટ- મસીહ અલાઈનજાદ)
નિષ્ણાતોને આશંકા- સરકાર નિર્દય કાર્યવાહી કરતા અચકાશે નહીં
નિષ્ણાતોનું કહેવું છે કે હવે જ્યારે પ્રદર્શનો મધ્યમ વર્ગના વિસ્તારો સુધી ફેલાઈ ગયા છે, ત્યારે સરકાર નિર્દયતાથી કાર્યવાહી કરતા અચકાશે નહીં. તેમનું માનવું છે કે આવનારા દિવસોમાં મૃત્યુઆંક વધુ વધી શકે છે.
ઈરાન પહેલાથી જ ઈઝરાયેલ સાથેના સંઘર્ષ, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો, અર્થવ્યવસ્થા, વીજળી અને પાણીની અછત જેવી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યું છે. સરકારમાં પણ મતભેદો છે. રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાન જાહેરમાં નરમ વલણ અપનાવી રહ્યા છે, પરંતુ તેમના ઘણા મંત્રીઓ કડક કાર્યવાહીના પક્ષમાં છે. સરકારનો આરોપ છે કે અમેરિકા અને ઈઝરાયેલ આ પ્રદર્શનોને હવા આપી રહ્યા છે.
પ્રદર્શનકારીઓમાંથી કેટલાક લોકો પૂર્વ શાહના પુત્ર રઝા પહેલવીના સમર્થનમાં નારા લગાવી રહ્યા છે, જેમણે વિદેશથી પ્રદર્શનો તેજ કરવાની અપીલ કરી છે. કુર્દ વિસ્તારોમાં પણ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ઘણા પ્રદર્શનકારીઓનું કહેવું છે કે હવે તેમની પાસે ગુમાવવા માટે કંઈ જ બચ્યું નથી.
ઈરાનમાં મોંઘવારીથી સામાન્ય લોકોમાં નારાજગી વધી
સમગ્ર દેશમાં GenZ આક્રોશમાં છે, તેનું કારણ આર્થિક સ્થિતિ છે. ડિસેમ્બર 2025માં ઈરાની રિયાલ ઘટીને લગભગ 1.45 મિલિયન પ્રતિ અમેરિકી ડોલર સુધી પહોંચી ગઈ, જે અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે.
વર્ષની શરૂઆતથી રિયાલની કિંમત લગભગ અડધી થઈ ગઈ છે. અહીં મોંઘવારી ચરમસીમા પર પહોંચી ગઈ છે. ખાદ્ય વસ્તુઓની કિંમતોમાં 72% અને દવાઓની કિંમતોમાં 50% સુધીનો વધારો નોંધાયો છે.
આ ઉપરાંત, સરકાર દ્વારા 2026ના બજેટમાં 62% ટેક્સ વધારવાના પ્રસ્તાવથી સામાન્ય લોકોમાં ભારે નારાજગી પેદા થઈ છે.

પ્રદર્શનોને કાબૂમાં લેવા માટે પોલીસ ઘણી વાર લોકો પર ફાયરિંગ પણ કરી ચૂકી છે.
ક્રાઉન પ્રિન્સને સત્તા સોંપવાની માગ
ઈરાનમાં 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી અયાતુલ્લા રૂહોલ્લાહ ખુમૈની સત્તામાં આવ્યા. તેઓ 1979 થી 1989 સુધી 10 વર્ષ સુપ્રીમ લીડર રહ્યા. તેમના પછી સુપ્રીમ લીડર બનેલા અયાતુલ્લા અલી ખામેનેઈ 1989 થી અત્યાર સુધી 37 વર્ષથી સત્તામાં છે.
ઈરાન આજે આર્થિક સંકટ, ભારે મોંઘવારી, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો, બેરોજગારી, ચલણના ઘટાડા અને સતત જન આંદોલનો જેવા ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે. 47 વર્ષ પછી હવે શાસનથી નારાજ લોકો હવે પરિવર્તન ઈચ્છે છે.
આ જ કારણોસર 65 વર્ષીય ક્રાઉન પ્રિન્સ રઝા પહેલવીને સત્તા સોંપવાની માગ ઉઠી રહી છે. પ્રદર્શનકારીઓ તેમને બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક વિકલ્પ માને છે. યુવાનો અને GenZને લાગે છે કે પહેલવીની વાપસીથી ઈરાનને આર્થિક સ્થિરતા, વૈશ્વિક સ્વીકૃતિ અને વ્યક્તિગત આઝાદી મળી શકે છે.

ઈરાનમાં પ્રદર્શનોની શરૂઆત 28 ડિસેમ્બરે થઈ હતી. ત્યારે રાજધાની તેહરાનમાં વેપારીઓએ તેની શરૂઆત કરી હતી. હવે તેમાં હજારો GenZ પણ જોડાયા છે.
ઈરાનની અર્થવ્યવસ્થા તેલ નિકાસ પર નિર્ભર
વર્ષ 2024માં ઈરાનની કુલ નિકાસ આશરે 22.18 બિલિયન ડોલર હતી, જેમાં તેલ અને પેટ્રોકેમિકલ્સનો મોટો હિસ્સો હતો, જ્યારે આયાત 34.65 બિલિયન ડોલર રહી, જેના કારણે વેપાર ખાધ 12.47 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ.
2025માં તેલની નિકાસમાં ઘટાડો અને પ્રતિબંધોને કારણે આ ખાધ વધુ વધીને 15 બિલિયન ડોલર સુધી પહોંચી છે. મુખ્ય વેપારી ભાગીદારોમાં ચીન (35% નિકાસ), તુર્કી, યુએઈ અને ઇરાકનો સમાવેશ થાય છે. ઈરાન ચીનને 90% તેલની નિકાસ કરે છે.
ઈરાને પડોશી દેશો અને યુરેશિયન ઇકોનોમિક યુનિયન સાથે વેપાર વધારવાનો પ્રયાસ કર્યો છે, જેમ કે INSTC કોરિડોર અને ચીન સાથેના નવા ટ્રાન્ઝિટ રૂટ્સ. તેમ છતાં, 2025માં જીડીપી વૃદ્ધિ માત્ર 0.3% રહેવાનો અંદાજ છે. પ્રતિબંધો હટાવ્યા વિના અથવા પરમાણુ કરારની પુનઃસ્થાપના વિના વેપાર અને રિયાલનું મૂલ્ય સ્થિર કરવું મુશ્કેલ રહેશે.
ઈરાનની ‘એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ’ પણ નબળી પડી
ઈરાનના સહયોગી દેશો અને જૂથોની સ્થિતિ નબળી પડી છે. 2023માં શરૂ થયેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધ પછી હમાસને ભારે નુકસાન થયું છે. લેબનાનના હિઝબુલ્લાહના ઘણા ટોપ નેતાઓ માર્યા ગયા છે. ડિસેમ્બર 2024માં સીરિયાના રાષ્ટ્રપતિને સત્તા પરથી હટાવવામાં આવ્યા. યમનના હુતી વિદ્રોહીઓ પર પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે.
‘એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ’ ઈરાન-નેતૃત્વવાળું એક અનૌપચારિક ગઠબંધન છે. આમાં એવા દેશો અને સંગઠનો સામેલ છે જે અમેરિકા અને ઇઝરાયલના વિરોધમાં ઊભા હોવાનું મનાય છે. આ ગઠબંધનનો હેતુ મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઇઝરાયલના પ્રભાવને પડકારવાનો છે.
આમાં મુખ્યત્વે ઈરાન ઉપરાંત હમાસ (ગાઝા), હિઝબુલ્લાહ (લેબનોન), હુતી વિદ્રોહીઓ (યમન) અને અગાઉ સીરિયાની સરકાર સામેલ રહી છે. ઈરાન આ જૂથોને રાજકીય સમર્થન સાથે હથિયારો, તાલીમ અને આર્થિક મદદ પણ આપતું રહ્યું છે.
ભારતની એડવાઇઝરી- બિનજરૂરી મુસાફરી ટાળો
ભારત સરકારે ઈરાનમાં ચાલી રહેલા હિંસક પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકોને ત્યાં બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે.
વિદેશ મંત્રાલયે સોમવારે આ એડવાઇઝરી જારી કરી. વિદેશ મંત્રાલયે એમ પણ જણાવ્યું કે જે ભારતીય નાગરિકો ઈરાનમાં રેસિડેન્ટ વિઝા પર રહી રહ્યા છે અને અત્યાર સુધી દૂતાવાસમાં રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, તેઓ વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

