ISRO PSLV Mission Failure: Spanish Satellite Active, Signal Received | ISROનું રોકેટ નિષ્ફળ, છતાં સ્પેનિશ સેટેલાઇટ એક્ટિવ: સ્પેસમાંથી સિગ્નલ મોકલ્યો; કંપની બોલી- કયા રસ્તેથી પહોંચ્યો, તે શોધી રહ્યા છીએ

Last Updated: January 13, 2026By

નવી દિલ્હી2 કલાક પેહલા

  • કૉપી લિંક

ઇસરોનું PSLV-C62 મિશન સોમવારે નિષ્ફળ ગયું. ઉડાન ભર્યાના 8 મિનિટ પછી PSLV રોકેટ નિર્ધારિત માર્ગ પરથી ભટકી ગયું. આ જ રોકેટથી એક સેટેલાઇટ મોકલનારી સ્પેનની કંપનીએ મંગળવારે કહ્યું છે કે તેને તેનું સિગ્નલ મળ્યું છે.

સ્પેનની સ્ટાર્ટઅપ કંપની ઓર્બિટલ પેરાડાઇમે મંગળવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ટેકનિકલ ખામી પહેલા જ તેમનો KID (કેસ્ટ્રેલ ઇનિશિયલ ડેમોન્સ્ટ્રેટર) સેટેલાઇટ રોકેટથી અલગ થઈ ચૂક્યો હતો. આ જ કારણે તેને કોઈ નુકસાન થયું નથી.

ઓર્બિટલ પેરાડાઇમે એ પણ જણાવ્યું કે હવે એ શોધી કાઢવામાં આવી રહ્યું છે કે સેટેલાઇટ કયા રસ્તેથી અવકાશમાં પહોંચ્યો. તેના ટ્રેજેક્ટરી સાથે જોડાયેલા સંપૂર્ણ ટેકનિકલ આંકડા અને વિશ્લેષણ પછીથી એક વિસ્તૃત રિપોર્ટના રૂપમાં જાહેર કરવામાં આવશે.

સેટેલાઇટ વાતાવરણમાં ફરીથી પ્રવેશી શક્યો નહીં

મિશન નિષ્ફળ જવા છતાં કેપ્સ્યુલનું સક્રિય થવું સ્પેનિશ કંપની માટે મોટી રાહત માનવામાં આવે છે. આ એક ટેસ્ટ અને ડેમોન્સ્ટ્રેશન મિશન છે, જેનો હેતુ ભવિષ્યના અવકાશ મિશન માટે ટેકનોલોજીનું પરીક્ષણ કરવાનો હતો.

કંપનીના જણાવ્યા અનુસાર, KID કેપ્સ્યુલનો હેતુ અવકાશમાં થોડા સમય માટે સક્રિય રહીને સિગ્નલ અને ટેકનિકલ ડેટા મોકલવાનો હતો. ત્યારબાદ યોજના એ હતી કે કેપ્સ્યુલ પૃથ્વીના વાતાવરણમાં ફરીથી પ્રવેશે, આ દરમિયાન ઉત્પન્ન થતી તીવ્ર ગરમી સહન કરે અને અંતે સમુદ્રમાં પડીને પોતાનું મિશન પૂર્ણ કરે. જોકે, હાલમાં કેપ્સ્યુલ અવકાશમાં જ સક્રિય છે.

આ તસવીર KID કેપ્સ્યુલ (સેટેલાઇટ)ની છે, જેને સ્પેનિશ સ્ટાર્ટઅપે વિકસિત કર્યું છે.

આ તસવીર KID કેપ્સ્યુલ (સેટેલાઇટ)ની છે, જેને સ્પેનિશ સ્ટાર્ટઅપે વિકસિત કર્યું છે.

ISRO એ મિશન નિષ્ફળ થવાનું શું કારણ જણાવ્યું?

ISRO અનુસાર, PSLV-C62 મિશન થર્ડ સ્ટેજના અંતમાં ગડબડ થયું. ટેલિમેટ્રી ડેટામાં જાણવા મળ્યું કે રોકેટના રોલ રેટ (ફરવાની ગતિ/કંટ્રોલ)માં ડિસ્ટર્બન્સ આવી ગયું, એટલે કે રોકેટ અનિયંત્રિત થઈને ફરવા લાગ્યું અને પોતાનો નિર્ધારિત ફ્લાઇટ પાથ છોડીને ભટકી ગયું.

ISRO ચીફ વી. નારાયણને કહ્યું કે ત્રીજા સ્ટેજના અંત સુધી પ્રદર્શન સામાન્ય હતું, ત્યારબાદ રોલ રેટમાં ગડબડ અને ફ્લાઇટ પાથમાં ડેવિએશન જોવા મળ્યું. હાલમાં ISRO ડેટા એનાલિસિસ કરી રહ્યું છે.

512kmની ઊંચાઈ પર ઓર્બિટમાં સ્થાપિત થવાના હતા સેટેલાઇટ

  • EOS-N1 (અન્વેષા) અને 14 સેટેલાઇટ્સને 512 કિલોમીટરની ઊંચાઈ પર સન-સિંક્રોનસ ઓર્બિટ (SSO)માં સ્થાપિત કરવાના હતા.
  • રોકેટના ચોથા ભાગ (PS4 સ્ટેજ)ને ફરીથી ચાલુ કરવાનો હતો જેથી તેને પાછો પૃથ્વી તરફ વાળી શકાય.
  • પછી સ્પેનના એક સ્ટાર્ટઅપનો ‘KID’ એટલે કે કેસ્ટ્રલ ઇનિશિયલ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર KID કેપ્સ્યુલ તેનાથી અલગ થઈ જાત.

મિશનની 8મી મિનિટમાં ગડબડ થઈ

PSLV-C62 / EOS-N1 મિશન કુલ 1 કલાક 48 મિનિટ 5 સેકન્ડનું હતું, પરંતુ 8મી મિનિટમાં ગડબડ આવી ગઈ. આ કારણોસર:

  • PS4 સ્ટેજનું ઇગ્નિશન (505.12 s) થયું કે નહીં, અથવા સંપૂર્ણપણે સફળ રહ્યું નહીં.
  • સેટેલાઇટ્સ (EOS-N1 સહિત 16 પેલોડ)ને ઓર્બિટમાં ઇન્જેક્ટ કરી શકાયા નહીં.
  • રી-એન્ટ્રી બર્ન અને KID સેપરેશન (6485 s) જેવી પછીની ઘટનાઓ થઈ શકી નહીં.
  • ઇસરોએ તેને ન તો સફળ કે ન તો નિષ્ફળ જાહેર કર્યું છે. સામાન્ય રીતે ત્રીજા તબક્કામાં ખામી સર્જાય ત્યારે મિશન લગભગ નિષ્ફળ જ ગણાય છે.
રોકેટના ત્રીજા સ્ટેજના અંતિમ તબક્કામાં કેટલીક ખામી સર્જાઈ, જેના કારણે રોકેટ પોતાનો રસ્તો ભટકી ગયું.

રોકેટના ત્રીજા સ્ટેજના અંતિમ તબક્કામાં કેટલીક ખામી સર્જાઈ, જેના કારણે રોકેટ પોતાનો રસ્તો ભટકી ગયું.

16 સેટેલાઇટ લઈને જઈ રહ્યું હતું રોકેટ

આ મિશન પર જે 16 સેટેલાઇટ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા, તેમાં 8 ભારતીય અને 8 વિદેશી સેટેલાઇટ છે. તેમાં ફ્રાન્સ, નેપાળ, બ્રાઝિલ અને યુકેના સેટેલાઇટનો સમાવેશ થાય છે…

1. અન્વેષા સેટેલાઈટ: મિશનનો સૌથી મહત્વનો ભાગ હાઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ ટેકનિકવાળો EOS-N1 સેટેલાઈટ હતો, જેને ‘અન્વેષા’ પણ કહેવામાં આવે છે. આ અવકાશમાંથી જમીનની અત્યંત ઝીણવટભરી તસવીરો લેતો સેટેલાઈટ હતો, જેનો ઉપયોગ સેના અને ડિફેન્સ માટે થવાનો હતો.

2. આયુલસેટ: આ બેંગલુરુના સ્પેસ ટેકનોલોજી સ્ટાર્ટઅપ ‘OrbitAID’ દ્વારા બનાવવામાં આવેલો સેટેલાઈટ હતો. આ સેટેલાઈટનો હેતુ અંતરિક્ષમાં ઈંધણ ભરવાની ટેકનિક પર કામ કરવાનો હતો. આ ટેકનિક દ્વારા ભવિષ્યમાં સ્પેસશિપ્સનું આયુષ્ય વધારી શકાય છે.

3. MOI-1: આ હૈદરાબાદની બે સ્ટાર્ટઅપ કંપનીઓ ‘TakeMe2Space’ અને ‘EON Space Labs’એ મળીને બનાવ્યો હતો. આ એક AI ઇન્ટિગ્રેટેડ સેટેલાઈટ હતો, જે અવકાશમાં જ ડેટા પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. આમાં ‘MIRA’ નામનું સ્વદેશી સ્પેસ ટેલિસ્કોપ પણ હતું.

4. IMJS: ભારત-મોરિશિયસનો સંયુક્ત સેટેલાઈટ, જેનો ઉદ્દેશ્ય અંતરિક્ષમાં સંશોધન અને સરહદની દેખરેખ રાખવાનો હતો.

5. KID: કેસ્ટ્રેલ ઇનિશિયલ ડેમોન્સ્ટ્રેટર (KID)એ સ્પેનની કંપની ‘Orbital Paradigm’ દ્વારા બનાવવામાં આવેલું 25 કિલોનું રી-એન્ટ્રી કેપ્સ્યુલ છે. તેનો મુખ્ય હેતુ ઝીરો ગ્રેવિટીમાં કરેલા પ્રયોગોના સેમ્પલ્સને ધરતી પર ઓછા ખર્ચે કેવી રીતે પાછા લાવી શકાય તેની તપાસ કરવાનો હતો.

6. ઓર્બિટલ ટેમ્પલ: આ 250 ગ્રામનો ‘પોકેટક્યુબ’ સેટેલાઈટ હતો, જે અમેરિકાની મોરહેડ સ્ટેટ યુનિવર્સિટી અને કેન્ટકી સ્પેસ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો.

આ ઉપરાંત CGUSAT-1, ભારતીય કંપની ‘Dhruva Space’ના LACHIT અને Thybolt-3, નેપાળનો Munal સેટેલાઇટ, SR-2 SAT જેવા અન્ય સેટેલાઇટ્સ પણ હતા, જે UAE અને અમેરિકામાં બન્યા હતા.

દુનિયાના સૌથી ભરોસાપાત્ર રોકેટમાં PSLVનો સમાવેશ

PSLVને ઇસરોનું સૌથી ભરોસાપાત્ર રોકેટ માનવામાં આવે છે. તેણે અત્યાર સુધીમાં 63 ઉડાન ભરી છે, જેમાં ચંદ્રયાન-1, મંગળયાન (MOM), આદિત્ય-L1 અને એસ્ટ્રોસેટ જેવા મોટા મિશનનો સમાવેશ થાય છે. વર્ષ 2017માં PSLVએ એક જ મિશનમાં 104 સેટેલાઇટ લોન્ચ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.