Knowledge : એક USSD કોડ અને ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, જાણો કોલ ફોરવર્ડિંગ કૌભાંડ

Last Updated: January 13, 2026By

ભારતમાં સાયબર છેતરપિંડીના કેસ ઝડપથી વધી રહ્યા છે અને હવે છેતરપિંડી કરનારાઓ નવી અને ચોંકાવનારી રીત અપનાવી રહ્યા છે. ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ સ્માર્ટફોન વપરાશકર્તાઓ માટે એક મહત્વની ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણી ખાસ કરીને કોલ ફોરવર્ડિંગ કૌભાંડ અંગે છે.

શું છે કોલ ફોરવર્ડિંગ કૌભાંડ?

કોલ ફોરવર્ડિંગ એક સામાન્ય મોબાઇલ સુવિધા છે, જેમાં તમારા ફોન પર આવતા કોલ્સ અન્ય નંબર પર મોકલી શકાય છે. સામાન્ય રીતે લોકો આ સુવિધાનો ઉપયોગ ત્યારે કરે છે જ્યારે ફોન બંધ હોય અથવા ઉપલબ્ધ ન હોય. પરંતુ હવે સાયબર ગુનેગારો આ જ સુવિધાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે.

કૌભાંડ કેવી રીતે થાય છે?

સાયબર છેતરપિંડી કરનારાઓ ઘણીવાર કુરિયર કંપની, ડિલિવરી એજન્ટ અથવા બેંક અધિકારી બનીને ફોન કરે છે. તેઓ કહે છે કે તમારા નામે પાર્સલ આવ્યું છે અથવા કોઈ સમસ્યા છે. વાતને વિશ્વસનીય બનાવવા માટે તેઓ તમને એક SMS મોકલે છે અને કહે છે કે સમસ્યા ઉકેલવા માટે એક USSD કોડ ડાયલ કરો. આ કોડ સામાન્ય રીતે *21#, *61# અથવા *67# થી શરૂ થાય છે.

આ કોડ ભૂલથી પણ ના કરતા ડાયલ

વપરાશકર્તા શંકા વિના આ કોડ ડાયલ કરે છે અને તરત જ તેમના ફોન પર કોલ ફોરવર્ડિંગ સક્રિય થઈ જાય છે. આમાં જોખમ શું છે? તો એકવાર જો કોલ ફોરવર્ડિંગ સક્રિય થઇ જાય પછી બેંક તરફથી આવતા OTP વેરિફિકેશન કોલ, એલર્ટ મેસેજ બધું જ સીધું છેતરપિંડી કરનારના ફોન પર પહોંચે છે. જેનાથી તેઓ તમારા બેંક એકાઉન્ટ, WhatsApp, ટેલિગ્રામ અને અન્ય ડિજિટલ એકાઉન્ટ્સ સરળતાથી હેક કરી શકે છે. ઘણા લોકોને ત્યારે જ ખબર પડે છે જ્યારે ખાતામાંથી પૈસા કપાઈ જાય.

બચાવ માટે શું કરવું?

I4C મુજબ, જો તમને શંકા હોય કે તમારા ફોનમાં કોલ ફોરવર્ડિંગ સક્રિય થઈ ગયું છે, તો તરત જ આ કોડ ડાયલ કરો ##002# આ કોડ બધા પ્રકારના કોલ ફોરવર્ડિંગ બંધ કરી દેશે અને કોલ્સ ફરી તમારા ફોન પર આવવા લાગશે.

નિષ્ણાતોની સલાહ

નિષ્ણાતો દ્વારા સલાહ આપવામાં આવી છે કે અજાણ્યા કોલ્સ પર વિશ્વાસ ન કરવો , સાથે કોઇપણ USSD કોડ ચકાસ્યા વિના નંબર ડાયલ ન કરવો. મહત્વની જાણકારી મજૂબ બેંક અથવા ડિલિવરી કંપની ક્યારેય આવા કોડ ડાયલ કરવા કહેતી નથી, સાયબર સુરક્ષા હવે માત્ર ટેકનિકલ મૂદ્દો નથી પરંતુ ખૂબ જાગૃતિનો મુદ્દો છે. સાવચેત રહેશો તો જ સુરક્ષિત રહેશો.

આ પણ વાંચો : હવે ભારતીયો માટે Bangladesh જવું મુશ્કેલ, વિઝા નિયમો કડક