Local Body Elections 2026 418 crore voters will decide the fate of candidates women voters dominate in municipalities | Gujarat News

Last Updated: April 24, 2026By

ગુજરાતમાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા મતદારો અને મતદાન મથકોની અંતિમ વિગતો જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં લોકશાહીના આ મહાપર્વમાં કુલ 48,442 મતદાન મથકો પર મતાધિકારનો ઉપયોગ કરવામાં આવશે. આ આંકડાકીય વિશ્લેષણ પરથી સ્પષ્ટ થાય છે કે આ વખતે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં મતદારોનો ઉત્સાહ નિર્ણાયક સાબિત થશે.

મતદાન મથકોનું માળખું

રાજ્યમાં સૌથી વધુ 33,595 મતદાન મથકો જિલ્લા અને તાલુકા પંચાયત સ્તરે છે. જ્યારે મહાનગરપાલિકાઓમાં 11,582 અને નગરપાલિકા સ્તરે 3,265 મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જિલ્લાવાર જોતા, અમદાવાદ 5,467 મથકો સાથે પ્રથમ ક્રમે, સુરત 3,831 સાથે બીજા અને વડોદરા 2,366 મથકો સાથે ત્રીજા ક્રમે છે.

મતદારોનું ગણિત

રાજ્યમાં સૌથી મોટો મતદાર વર્ગ જિલ્લા અને તાલુકા પંચાયત હેઠળ આવે છે, જેમાં આશરે 2.74 કરોડ મતદારો નોંધાયેલા છે. 15 મહાનગરપાલિકાઓમાં 1.10 કરોડથી વધુ મતદારો છે. રસપ્રદ વાત એ છે કે, મહાનગરપાલિકા અને પંચાયત સ્તરે પુરુષ મતદારોની સંખ્યા વધુ છે, પરંતુ નગરપાલિકા સ્તરે ચિત્ર અલગ છે. નગરપાલિકામાં 17.32 લાખ મહિલા મતદારો સામે પુરુષ મતદારોની સંખ્યા 16.33 લાખ છે, જે દર્શાવે છે કે નાના શહેરોમાં મહિલાઓ નિર્ણાયક ભૂમિકા ભજવશે.

 મેટ્રો શહેરોમાં મતદારોની સંખ્યા સર્વોચ્ચ

અમદાવાદ અને સુરત જેવા મેટ્રો શહેરોમાં મતદારોની સંખ્યા સર્વોચ્ચ છે, જે પક્ષો માટે જીતનો મુખ્ય માર્ગ ગણાય છે. બીજી તરફ, પંચાયતોમાં રહેલી 2.74 કરોડની જંગી મતબેંક ગ્રામીણ ગુજરાતનો મિજાજ નક્કી કરશે. આ આંકડાઓ જોતા તમામ રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ તેજ બનાવી દીધી છે.

આ પણ વાંચો—    Local Body Elections 2026 : ગરમીના યલો એલર્ટ વચ્ચે 26 એપ્રિલે ગુજરાતમાં જંગ, નેતાઓ અને ચૂંટણી પંચ મતદાન વધારવા મક્કમ