Local Body Elections 2026 Voting for 9263 seats in Gujarat tomorrow April 26 more than 4 crore voters will decide their representatives | Gujarat News

Last Updated: April 25, 2026By

ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ઐતિહાસિક મતદાન પ્રક્રિયા શરુ થશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. રાજ્યના 4 કરોડ 8 લાખ 16 હજાર 713 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતના ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરશે.

બેઠકો અને ઉમેદવારોનું ગણિત

આ ચૂંટણીમાં કુલ 9,263 બેઠકો માટે જંગ જામ્યો છે, જેમાં 25,537 ઉમેદવારો મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે, મતદાન શરૂ થાય તે પહેલા જ 736 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. કેટલીક બેઠકો પર ફોર્મ ન ભરાવાને કારણે અથવા ઉમેદવારના અવસાનના કારણે ચૂંટણી રદ કરવામાં આવી છે, જેના કારણે બાકીની બેઠકો પર રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે.

ચુસ્ત સુરક્ષા અને વિશેષ વ્યવસ્થા

શાંતિપૂર્ણ મતદાન માટે રાજ્યભરમાં 48,450 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી 14,275 મથકો સંવેદનશીલ અને 2,196 મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. ચૂંટણી પ્રક્રિયામાં 2.64 લાખથી વધુ પોલિંગ સ્ટાફ અને 92,000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત છે.

પિંક બૂથ અને ગ્રીન બૂથનું આકર્ષણ

મતદારોને પ્રોત્સાહિત કરવા માટે આ વખતે વિશેષ આયોજન કરાયું છે. મહિલાઓ માટે ખાસ ‘પિંક બૂથ’ અને પર્યાવરણના સંદેશ સાથે ‘ગ્રીન બૂથ’ ઉભા કરાયા છે. વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને દરેક મતદાન મથક પર પીવાના પાણી અને ORS ની ખાસ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો—     Ahmedabad : મણિનગરમાં પાડોશી મહિલા બની દેવદૂત, 48 કલાકથી ડિજિટલ એરેસ્ટ વૃદ્ધના 23 લાખ સાયબર ઠગોથી બચાવ્યા!