Mehsana BJP Victory Event: Jagdish Vishwakarma Slams Congress, Calls 2026 Results a Semifinal | Gujarat News

Last Updated: April 30, 2026By

ઉત્તર ગુજરાતના મહેસાણામાં જિલ્લા ભાજપ દ્વારા તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારોનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારતા મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે આ જીતને વ્યક્તિગત નહીં પણ ગુજરાતની 6.5 કરોડ જનતા અને 50 હજાર બુથ પ્રમુખોની મહેનતનું પરિણામ ગણાવ્યું હતું.

મહેસાણા છે પોલિટિકલ લેબોરેટરી

જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, મહેસાણા એ ભાજપ માટે પોલિટિકલ લેબોરેટરી છે અને અહીંનો કાર્યકર 365 દિવસ સક્રિય રહે છે. વર્ષ 2026ની આ ચૂંટણીમાં ભાજપે માત્ર ભવ્ય વિજય જ નથી મેળવ્યો, પરંતુ 52.5 ટકા વોટ શેર સાથે ઐતિહાસિક સફળતા મેળવી છે. મહેસાણા જિલ્લો સમગ્ર રાજ્યમાં 92 ટકા સ્ટ્રાઇક રેટ સાથે વિજેતા બની ઉભરી આવ્યો છે, જે દર્શાવે છે કે જનતાનો વિકાસની રાજનીતિમાં અતૂટ વિશ્વાસ છે.

કોંગ્રેસની સુનામીમાં ડિપોઝીટ ગુલ

વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે, આ પરિણામ કોંગ્રેસ માટે સુનામી સમાન છે. મહેસાણા જિલ્લાની 467 બેઠકોમાંથી 153 બેઠકો પર કોંગ્રેસે ડિપોઝીટ ગુમાવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ગુજરાતની જનતાનું જે અપમાન કરાયું હતું, તેનો જવાબ જનતાએ બેલેટ પેપર દ્વારા આપી દીધો છે. ગેનીબેનના ગઢ ગણાતી બેઠકો અને વડગામમાં પણ ભાજપે વિજય પતાકા લહેરાવી વિપક્ષના સૂપડા સાફ કરી દીધા છે.

કાર્યકર્તાઓને શિખામણ

જીત બાદ ઉન્માદમાં ન આવવાની શિખામણ આપતા તેમણે ઉમેર્યું કે, “જ્યાં આપણને વોટ ઓછા મળ્યા છે ત્યાં પહેલા જજો અને જે પારકા છે તેમને પોતાના બનાવવાના પ્રયાસ કરજો.” તેમણે આ જીતને માત્ર સેમીફાઈનલ ગણાવી 2027ની વિધાનસભા ચૂંટણી અને ત્યારબાદ વર્લ્ડ કપ (લોકસભા) જીતવા માટે અત્યારથી જ કામે લાગી જવા આહવાન કર્યું હતું.

આ પણ વાંચો—    Ahmedabad : 34 વર્ષ પછી કબરમાંથી બોલી લાશ, વટવાના જે મકાનને લોકો ભૂતિયુ માનતા હતા ત્યાંથી ખુલ્યું મર્ડર મિસ્ટ્રીનું રહસ્ય!