Nagar Kirtan protest in New Zealand for the second time | ન્યુઝીલેન્ડમાં બીજી વાર નગર કીર્તનનો વિરોધ: કીવી ગ્રુપે હાકા ડાન્સ કર્યો;કહ્યું- આ અમારી શેરીઓ છે, ન્યુઝીલેન્ડના રસ્તા પર તલવારો, ખંજર નહીં ચાલે
જલંધર2 કલાક પેહલા
- કૉપી લિંક
ન્યુઝીલેન્ડમાં શીખ નગર કીર્તન વિરુદ્ધ “હાકા” કરવા ઉતરેલા સ્થાનિકો.
ન્યુઝીલેન્ડમાં ફરી એકવાર શીખ નગર કીર્તનનો વિરોધ કરવામાં આવ્યો છે. 20 દિવસમાં આ બીજી વાર બન્યું છે. જોકે, આ વખતે નગર કીર્તનને રોકવામાં આવ્યું ન હતું. તેના વિરોધમાં ડેસ્ટિની ચર્ચ સાથે સંકળાયેલા બ્રાયન ટમાકીના ગ્રુપે રસ્તાઓ પર ઉતરીને હાકા ડાન્સ કર્યો. ટમાકી અને તેમના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા.
તેમણે કહ્યું કે આ કોની શેરીઓ છે, અમારી શેરીઓ છે. અહીં જાહેરમાં તલવારો અને ઝંડા લહેરાવવાની મંજુરી કોણે આપી? અમે અમારી સંસ્કૃતિને આ રીતે બરબાદ થવા દઈશું નહીં. અમે કોઈને પણ અમારા દેશની સંસ્કૃતિને બગાડવા માટે અમારી સડકો અને શેરીઓનો ઉપયોગ કરવા દઈશું નહીં.
બીજી તરફ, શીખ યુવાનોએ ટમાકીના હાકા ડાન્સ છતાં શાંતિપૂર્ણ રીતે નગર કીર્તન કાઢ્યું. લગભગ 20 દિવસ પહેલા પણ સાઉથ ઓકલેન્ડના મનુરિવામાં બ્રાયન ટમાકીના સમર્થકોએ હાકા ડાન્સ કર્યો હતો. આ દરમિયાન નગર કીર્તનને રોકી દેવામાં આવ્યું હતું. પોલીસે દરમિયાનગીરી કરીને હાકા પુરો કરાવ્યો હતો. શીખોએ પણ વાહેગુરુ જી કા ખાલસા, શ્રી વાહેગુરુજી કી ફતેહના જયકારા લગાવ્યા હતા.

ટ્રુ પેટ્રિયોટ્સ ગ્રુપે લખ્યું- અમારા રસ્તાઓ પર અમારી સંસ્કૃતિને ખરાબ કરવામાં આવી રહી છે.
આ વખતે ટૌરંગા શહેરમાં નગર કીર્તન સામે હાકા પ્રદર્શન
બ્રાયન ટમાકી ગ્રુપે રવિવારે સવારે ટૌરંગા શહેરમાં શીખ સમુદાયના નગર કીર્તન વિરુદ્ધ લોકોને એકત્ર કર્યા. જ્યારે રસ્તાઓ પરથી નગર કીર્તન પસાર થઈ રહ્યું હતું, ત્યારે એક પાર્કમાં એકત્ર થઈને ટમાકીએ હાકા પ્રદર્શન કર્યું. આ દરમિયાન ટ્રુ પેટ્રિયોટ્સ નામના ગ્રુપે વિરોધ નોંધાવ્યો. ગ્રુપે હિંસા કે તોડફોડને બદલે પરંપરાગત હાકા નૃત્ય દ્વારા પોતાની અસંમતિ વ્યક્ત કરી.
રસ્તાઓ પર ગુંજ્યા “અમારી સડકો, અમારી શેરીઓ” ના નારા
પ્રદર્શનકારીઓએ નારા લગાવીને કહ્યું- હૂઝ સ્ટ્રીટ્સ, અવર સ્ટ્રીટ્સ, હૂઝ સ્ટ્રીટ્સ, કીવી સ્ટ્રીટ્સ. પ્રદર્શન કરનારાઓએ કહ્યું કે તેઓ ન્યુઝીલેન્ડની ઓળખ અને સંસ્કૃતિના રક્ષણ માટે ઊભા છે. તેમણે આરોપ લગાવ્યો કે હથિયારો સાથે નગર કીર્તન સહન કરવામાં આવશે નહીં. ન્યુઝીલેન્ડની સડકો પર તલવારો, ખંજર જેવા હથિયારો બતાવવામાં આવ્યા. તેમનું કહેવું છે કે આ જાહેર સુરક્ષા માટે જોખમી છે, તેની પાછળ એક એજન્ડા છે.

ફોટો જાહેર કરીને લખ્યું- જુઓ કેવી રીતે ભારતીય લોકો હથિયારો સાથે રસ્તાઓ પર ઉતરી રહ્યા છે.
ઘોષણાપત્ર જાહેર કર્યું, 31મીએ આનાથી મોટા પ્રદર્શનની ચેતવણી
ટ્રુ પેટ્રિયોટ્સ નામના ગ્રુપે ન્યુઝીલેન્ડ સરકાર સમક્ષ પોતાનો એજન્ડા રજૂ કર્યો. આનું વિધિવત ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું. તેમાં તેમણે માંગ ઉઠાવી કે તેઓ ધ્વજ, પરિવાર, વિશ્વાસ અને ભવિષ્યનું રક્ષણ કરશે. ન્યુઝીલેન્ડને ખ્રિસ્તી પાયા પર ફરીથી સ્થાપિત કરશે. સરકાર પર આરોપ લગાવ્યો કે તેણે રાષ્ટ્રીય ઓળખનું રક્ષણ કર્યું નથી.
પ્રદર્શનકારીઓએ કહ્યું કે જો સરકારે બહારના લોકોને નહીં કાઢ્યા, ફરીથી ખ્રિસ્તીઓને નહીં વસાવ્યા તો મોટું આંદોલન થશે. પ્રદર્શનકારીઓએ કહ્યું કે 31 જાન્યુઆરીએ ઓકલેન્ડ હાર્બર બ્રિજ પર મોટું પ્રદર્શન કરવામાં આવશે.

20 દિવસ પહેલા પણ ન્યુઝીલેન્ડના સ્થાનિક લોકોના જૂથે નગર કીર્તનનો વિરોધ કર્યો હતો.
20 દિવસ પહેલા પણ નગર કીર્તનનો વિરોધ કર્યો હતો
લગભગ 20 દિવસ પહેલા પણ ન્યુઝીલેન્ડમાં સ્થાનિક લોકોએ શીખ સમુદાય દ્વારા કાઢવામાં આવી રહેલા નગર કીર્તનનો વિરોધ કર્યો હતો. તેમણે નગર કીર્તનનો રસ્તો રોકી દીધો હતો. પ્રદર્શનકારીઓએ ‘ધીસ ઇઝ ન્યુઝીલેન્ડ, નોટ ઇન્ડિયા’ એટલે કે ‘આ ન્યુઝીલેન્ડ છે, ભારત નથી’ અને ‘ન્યુઝીલેન્ડને ન્યુઝીલેન્ડ જ રહેવા દો, આ અમારી જમીન છે, આ જ અમારું સ્ટેન્ડ છે’ ના બેનરો લહેરાવ્યા હતા.
આ પ્રદર્શન તે સમયે થયું હતું, જ્યારે શીખ સમુદાયનું નગર કીર્તન ગુરુદ્વારા પરત ફરી રહ્યું હતું. જોકે, ન્યુઝીલેન્ડ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હસ્તક્ષેપ કર્યો અને પ્રદર્શનકારીઓને હટાવ્યા.
CM માને કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી
આ મામલે પંજાબના CM ભગવંત માનનું નિવેદન પણ આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે દરેક વ્યક્તિને પોતાના ધર્મનો પ્રચાર-પ્રસાર કરવાનો હક છે. ન્યુઝીલેન્ડ વિકસિત દેશ છે, આ પ્રકારનું ત્યાં પહેલા ક્યારેય સાંભળ્યું ન હતું. કેન્દ્ર સરકારે ન્યુઝીલેન્ડ સરકાર સાથે વાત કરવી જોઈએ. એન્ટી ઇમિગ્રેશન આખી દુનિયામાં ચાલી રહ્યું છે.
CMએ વધુમાં કહ્યું હતું કે – બહાર કોઈ એવી ઘટનાઓ બને છે તો તેમાં પણ અમારું નામ જોડી દેવાય છે. કેન્દ્ર સરકારે રાજદૂતને બોલાવીને આના પર સખત વાંધો ઉઠાવવો જોઈએ. તેમને જણાવવું જોઈએ કે અમારા નાગરિકો શાંતિપ્રિય છે. તેમનું ન્યુઝીલેન્ડના વિકાસમાં ઘણું યોગદાન છે.
શું છે હાકા પ્રદર્શન, જે ન્યુઝીલેન્ડના લોકોએ કર્યું…

ન્યુઝીલેન્ડના યુવા સાંસદ માઈપી ક્લાર્કે સંસદમાં હાકા પ્રદર્શન કરીને ચર્ચા જગાવી હતી.
- માઓરી સંસ્કૃતિ સાથે જોડાયેલું એક પરંપરાગત પ્રદર્શન : હાકા ન્યુઝીલેન્ડની માઓરી સંસ્કૃતિ સાથે જોડાયેલું એક પરંપરાગત પ્રદર્શન છે, જે અલગ-અલગ પ્રસંગોએ કરવામાં આવે છે. સાઉથ ઓકલેન્ડ એક બહુ-સાંસ્કૃતિક શહેર છે. અહીં માઓરી સમુદાયના લોકો હાકાને સાંસ્કૃતિક ઓળખ અને પરંપરા તરીકે રજૂ કરે છે. અહીં હાકાનો ઉપયોગ સ્વાગત સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સરકારી કાર્યક્રમો, રમતગમત સ્પર્ધાઓ અને ક્યારેક વિરોધ પ્રદર્શન દરમિયાન પણ કરવામાં આવે છે.
- સામૂહિક ભાવના વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે : ઓકલેન્ડમાં કરવામાં આવતો હાકા સામાન્ય રીતે સન્માન દર્શાવવા, પોતાની વાતને મજબૂતીથી રજૂ કરવા અથવા સામૂહિક ભાવના વ્યક્ત કરવા માટે હોય છે. આમાં જોરદાર સામૂહિક સ્વર, પગની થાપ, હાથની ગતિ અને ભાવપૂર્ણ ચહેરાના હાવભાવ સામેલ હોય છે. જોકે માઓરી સમુદાય એવું પણ માને છે કે હાકાને સાચા સંદર્ભ, મર્યાદા અને સન્માન સાથે કરવો જોઈએ. સાર્વજનિક સ્થળોએ કોઈ ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલો હાકા ક્યારેક-ક્યારેક વિવાદનું કારણ પણ બની શકે છે, તેથી પોલીસ અને પ્રશાસન પરિસ્થિતિને જાળવવાની ભૂમિકા ભજવે છે.
- યુવા સાંસદ માઈપી ક્લાર્કે સંસદમાં હાકા કર્યો હતો: ન્યુઝીલેન્ડના યુવા રાજકારણી હાના-રાવિતિ માઈપી-ક્લાર્ક સંસદમાં હાકા કરવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. ક્લાર્ક 2023ની ચૂંટણી પછી તે પાટી માઓરી પાર્ટીના સંસદ સભ્ય છે. 1853 પછી ન્યુઝીલેન્ડના ઇતિહાસના સૌથી યુવા સાંસદ બન્યા, જેમણે માઓરી સંસ્કૃતિ, ભાષા અને જમીનના સંરક્ષણ પર ભાર મૂક્યો છે. તેમણે પોતાની પ્રથમ સ્પીચમાં માઓરી ભાષાનો ઉપયોગ કર્યો હતો, જે ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ હતી.
———————
આ સમાચાર પણ વાંચો………
ન્યુઝીલેન્ડમાં શીખ સમુદાયના નગર કીર્તનનો વિરોધ: સ્થાનિક લોકોના જૂથે રસ્તો રોક્યો; બેનરમાં લખ્યું- આ ન્યુઝીલેન્ડ છે, ઇન્ડિયા નહીં

ન્યુઝીલેન્ડમાં સ્થાનિક લોકોએ શીખ સમુદાય દ્વારા કાઢવામાં આવી રહેલા નગર કીર્તનનો વિરોધ કર્યો. તેમણે નગર કીર્તનનો રસ્તો રોકી દીધો. ત્યારબાદ આગળ ઊભા રહીને હાકા પ્રદર્શન કર્યું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ‘ધીસ ઇઝ ન્યુઝીલેન્ડ, નોટ ઇન્ડિયા’ એટલે કે આ ન્યુઝીલેન્ડ છે, ભારત નહીં અને ‘ન્યુઝીલેન્ડને ન્યુઝીલેન્ડ જ રહેવા દો, આ અમારી જમીન છે, આ જ અમારું સ્ટેન્ડ છે’ ના બેનરો લહેરાવ્યા હતા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

