NATO Needs US Greenland Control for National Security
વોશિંગ્ટન ડીસી1 કલાક પેહલા
- કૉપી લિંક
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કહ્યું છે કે ગ્રીનલેન્ડ પર અમેરિકાનો કબજો હોવો જરૂરી છે અને તેનાથી ઓછું કંઈ પણ મંજૂર નથી. તેમણે બુધવારે ટ્રુથ સોશિયલ પર લખ્યું- અમેરિકાને તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગ્રીનલેન્ડની જરૂર છે.
ટ્રમ્પે લખ્યું કે આ મામલે NATOએ અમેરિકાનો સાથ આપવો જોઈએ. જો અમેરિકાએ ગ્રીનલેન્ડ પર નિયંત્રણ ન કર્યું, તો રશિયા કે ચીન ત્યાં પોતાનો પ્રભાવ વધારી શકે છે, જે કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નહીં હોય.
ટ્રમ્પે કહ્યું કે જો ગ્રીનલેન્ડ અમેરિકાના હાથમાં હોય તો NATO ક્યાંય વધુ મજબૂત અને પ્રભાવશાળી બનશે. NATO તૂટવાના ખતરા પર ટ્રમ્પે કહ્યું કે અમેરિકાની મોટી સૈન્ય તાકાત વિના આ સંગઠન કંઈ પણ નથી.
હકીકતમાં ડેનમાર્કના પીએમએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે જો અમેરિકાએ બળજબરીથી ગ્રીનલેન્ડ પર કબજો કર્યો તો NATO તૂટી શકે છે.
ગ્રીનલેન્ડ બોલ્યું- અમેરિકા નહીં ડેનમાર્કને પસંદ કરશે
ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સને કહ્યું છે કે જો ગ્રીનલેન્ડને અમેરિકા અને ડેનમાર્કમાંથી કોઈ એકને પસંદ કરવાનું હોય, તો તે ડેનમાર્કને પસંદ કરશે. તેમણે આ નિવેદન એવા સમયે આપ્યું જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકી આપી રહ્યા છે.
નીલ્સને 13 જાન્યુઆરીએ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિકસેન સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી. તેમનું નિવેદન અમેરિકાની સંસદમાં ગ્રીનલેન્ડને પોતાના કબજામાં લેવા સંબંધિત બિલ રજૂ થયા પછીનું પહેલું સત્તાવાર નિવેદન છે.
નીલસનના નિવેદન પર ટ્રમ્પે કહ્યું કે હું તેમને ઓળખતો નથી અને આ વાત પર તેમની સાથે સહમત નથી. આ વડાપ્રધાન માટે મોટી સમસ્યા બની શકે છે.
અમેરિકી સંસદમાં 12 જાન્યુઆરીએ ‘ગ્રીનલેન્ડ એનેક્સેશન એન્ડ સ્ટેટહુડ એક્ટ’ નામનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. તેનો હેતુ ગ્રીનલેન્ડને અમેરિકામાં સામેલ કરવાનો અને બાદમાં તેને અમેરિકાનું રાજ્ય બનાવવાનો છે. જો આ બિલ પસાર થાય છે, તો ગ્રીનલેન્ડ અમેરિકાનું 51મું રાજ્ય બની શકે છે.

ડેનમાર્કનાં વડાપ્રધાન મેટે ફ્રેડરિકસન અને ગ્રીનલેન્ડનાં વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલસને 13 જાન્યુઆરીએ ડેનમાર્કમાં પ્રેસ કોન્ફરન્સ કરી.
ગ્રીનલેન્ડના PMએ કહ્યું- નાટોએ અમારું રક્ષણ કરવું જોઈએ
નીલ્સને કહ્યું કે ડેનિશ કોમનવેલ્થનો ભાગ હોવાને કારણે ગ્રીનલેન્ડ નાટોનું સભ્ય છે અને તેથી ગ્રીનલેન્ડનું રક્ષણ નાટોએ જ કરવું જોઈએ.
જ્યારે ડેનમાર્કનાં વડાં પ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેને કહ્યું કે પોતાના સૌથી નજીકના સહયોગી પાસેથી મળી રહેલા આવા દબાણનો સામનો કરવો સરળ નથી.
તેમણે એમ પણ કહ્યું કે અમને ઘણા સંકેતો મળી રહ્યા છે કે ગ્રીનલેન્ડ માટે સૌથી મુશ્કેલ સમય આવવાનો છે.
ડેનમાર્કનાં PMએ અમેરિકાને ચેતવણી આપી છે કે જો ગ્રીનલેન્ડ પર હુમલો કરવામાં આવે, તો તેનાથી ‘ટ્રાન્સ-એટલાન્ટિક ડિફેન્સ એગ્રીમેન્ટ’ (નાટો)નો અંત આવી શકે છે.
બીબીસીના રિપોર્ટ અનુસાર, ગ્રીનલેન્ડ છેલ્લા 300 વર્ષથી ડેનમાર્કનો ભાગ છે અને ડેનમાર્ક નાટોનું સભ્ય છે, તેથી જો અમેરિકા ત્યાં સૈન્ય કાર્યવાહી કરે છે તો તે નાટો અને અમેરિકા-યુરોપ વચ્ચે થયેલા સંરક્ષણ કરારને તોડવા જેવું હશે.
ટ્રમ્પે અગાઉ પણ કહ્યું હતું કે ગ્રીનલેન્ડ પર અમેરિકી કબજો જરૂરી છે
બીબીસીના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે અગાઉ પણ કહ્યું હતું કે રશિયા અને ચીનથી સુરક્ષા માટે અમેરિકા પાસે ગ્રીનલેન્ડ હોવું જરૂરી છે.
ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ ગ્રીનલેન્ડ ખરીદવાની સંભાવના વિશે વિચારી રહ્યા છે. જોકે, તેમણે સૈન્ય કાર્યવાહીની વાતને પણ સંપૂર્ણપણે નકારી નથી.
રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે દુનિયાના સૌથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં સામેલ હોવા છતાં, ગ્રીનલેન્ડની ભૌગોલિક સ્થિતિ નોર્થ અમેરિકા અને આર્કટિકની વચ્ચે હોવાને કારણે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ગ્રીનલેન્ડ મિસાઈલ હુમલાની સ્થિતિમાં અર્લી વોર્નિંગ સિસ્ટમ લગાવવા અને વિસ્તારમાં આવતા-જતા જહાજો પર નજર રાખવા માટે કામ આવી શકે છે.
ટ્રમ્પે પોતાના નિવેદનમાં એવો પણ દાવો કર્યો હતો કે ગ્રીનલેન્ડ ચારેય બાજુથી રશિયન અને ચીની જહાજોથી ઘેરાયેલું છે. જો અમેરિકાએ ગ્રીનલેન્ડ પર કબજો ન કર્યો, તો રશિયા અને ચીન કરી લેશે.
હાલમાં અમેરિકાએ ગ્રીનલેન્ડના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા પિટુફિક બેઝ પર 100થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. આ વિસ્તાર બીજા વિશ્વ યુદ્ધના સમયથી જ અમેરિકા પાસે છે.
ટ્રમ્પ ગ્રીનલેન્ડના લોકોને અમેરિકામાં સામેલ થવા માટે પૈસા આપશે
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 12 જાન્યુઆરીએ અમેરિકી સંસદમાં રજૂ થયેલા ‘ગ્રીનલેન્ડ એનેક્સેશન એન્ડ સ્ટેટહુડ એક્ટ’ને સમર્થન આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાને ગ્રીનલેન્ડની જરૂર છે અને તેઓ આ દિશામાં પગલાં લઈ રહ્યા છે, ભલે બીજા દેશોને તે પસંદ હોય કે ન હોય.
જોકે, આ બિલ હજુ માત્ર રજૂ થયું છે તેને હાઉસ અને સેનેટ બંનેમાં પસાર થવાનું છે. ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે આ ખૂબ મુશ્કેલીથી પસાર થશે, કારણ કે તે આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે.
ટ્રમ્પ પ્રશાસને ગ્રીનલેન્ડના લોકોને અમેરિકામાં સામેલ થવા માટે પૈસા આપવા જેવા ઉપાયો પર પણ ચર્ચા કરી છે. ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના અધિકારીઓએ ટ્રમ્પની આ રીતની સખત ટીકા કરી છે. તેમણે તેને અપમાનજનક ગણાવ્યું છે.

અમેરિકી સાંસદ કોંગ્રેસમેન રેન્ડી ફાઇન એ 12 જાન્યુઆરીના રોજ ‘ગ્રીનલેન્ડ એનેક્સેશન એન્ડ સ્ટેટહુડ બિલ’ રજૂ કર્યું, જે હજુ હાઉસ અને સેનેટ બંનેમાં પાસ થવાનું બાકી છે.
ગ્રીનલેન્ડ પર હુમલાનો પ્લાન બનાવી રહ્યા છે ટ્રમ્પ
આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે પ્લાન બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. ડેઇલી મેલ અનુસાર ટ્રમ્પે જોઇન્ટ સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડ (JSOC)ને આ જવાબદારી સોંપી છે. જોકે સૈન્ય અધિકારીઓ આ વિચાર સાથે સહમત નથી દેખાઈ રહ્યા. તેઓ તેને કાનૂની રીતે ખોટું માને છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પની આ રુચિ ઘરેલું રાજકારણ સાથે પણ જોડાયેલી હોઈ શકે છે. આ વર્ષના અંતમાં મધ્યસત્ર ચૂંટણીઓ યોજાવાની છે અને રિપબ્લિકન સંસદ પર નિયંત્રણ ગુમાવવાથી ડરી રહ્યા છે. તેથી ટ્રમ્પ કોઈ મોટું પગલું ભરીને લોકોનું અર્થતંત્રની સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવા માગે છે.
ગ્રીનલેન્ડ-ડેનમાર્કના વિદેશ મંત્રીઓને મળશે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ
બીબીસી અનુસાર, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રુબિયો 14 જાન્યુઆરીએ વ્હાઇટ હાઉસમાં ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના વિદેશ મંત્રીઓ સાથે એક બેઠક કરશે.
આ ઉપરાંત ડેનમાર્કના વિદેશ મંત્રી લાર્સ રાસમુસેન અને ગ્રીનલેન્ડના વિદેશ મંત્રી વિવિયન મોટ્ઝફેલ્ટે 13 જાન્યુઆરીએ જણાવ્યું કે તેઓ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મુલાકાત કરશે.
ડેનમાર્કના વિદેશ મંત્રી રાસમુસેને કહ્યું કે અમે આ બેઠક એટલા માટે કરીશું, જેથી અમે એકબીજાની આંખોમાં આંખો નાખીને આ મુદ્દાઓ પર ખુલ્લીને વાત કરી શકીએ.
‘ગ્રીનલેન્ડના મોટાભાગના લોકો અમેરિકી નાગરિક બનવા માગતા નથી’
અલ જઝીરાના એક રિપોર્ટ અનુસાર, ડેનમાર્કની સંસદમાં ગ્રીનલેન્ડનું પ્રતિનિધિત્વ કરનાર નેતા આજા કેમ્નિટ્ઝે કહ્યું કે 56,000ની વસતિ ધરાવતા ગ્રીનલેન્ડના મોટાભાગના લોકો અમેરિકી નાગરિક બનવા માગતા નથી.
કેમ્નિટ્ઝે કહ્યું કે ગ્રીનલેન્ડ વેચાવા માટે તૈયાર નથી અને ક્યારેય નહીં હોય. કેટલાક લોકોને લાગે છે કે તેઓ ગ્રીનલેન્ડને ખરીદી શકે છે. પરંતુ ગ્રીનલેન્ડ અમારી ઓળખ છે, અમારી ભાષા છે, અમારી સંસ્કૃતિ છે. જો આપણે અમેરિકી નાગરિક બનીશું, તો આ બધું સંપૂર્ણપણે બદલાઈ જશે અને ગ્રીનલેન્ડના મોટાભાગના લોકો આવું ઇચ્છતા નથી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

