October 2026 LPG Rules: E-KYC Mandatory, Commercial Cylinder Price Hike
7 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે 1 ઓક્ટોબર 2026થી સિલિન્ડર, બેંકિંગ, ડિજિટલ પેમેન્ટ અને સરકારી યોજનાઓ સાથે જોડાયેલા 6 નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે. તેમને સરળ ભાષામાં નીચે સમજાવવામાં આવ્યા છે:
1. કોમર્શિયલ સિલિન્ડર 70 રૂપિયા મોંઘો
ફેરફાર: ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹70 સુધીનો વધારો કર્યો છે.
અસર: કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધવાથી રેસ્ટોરન્ટ માલિકોનો ખર્ચ થોડો વધશે. આવી સ્થિતિમાં તેઓ ચા અને નાસ્તો મોંઘો કરી શકે છે. લગ્ન સમારંભોનું કેટરિંગ પણ મોંઘું થઈ શકે છે.
મુખ્ય શહેરોમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ
| શહેર | નવી કિંમત | જૂની કિંમત | તફાવત |
| દિલ્હી | 2810.00 | 2747.50 | 62.50 |
| કોલકાતા | 2954.00 | 2884.00 | 70.00 |
| મુંબઈ | 2764.50 | 2701.00 | 63.50 |
| ચેન્નઈ | 2983.00 | 2916.50 | 66.50 |
14 કિલોના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી
2. વેરિફિકેશન નહીં તો LPG સબસિડી નહીં
ફેરફાર: 1 ઓક્ટોબર 2026થી સબસિડીવાળા દરે LPG ગેસ સિલિન્ડર બુક કરવા માટે ગ્રાહકોએ બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન (BAA / e-KYC) પૂર્ણ કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમનું e-KYC પહેલેથી જ છે, તેમના માટે કોઈ ફેરફાર થશે નહીં.
અસર: જે ગ્રાહકોએ બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવ્યું નથી, તેઓ સબસિડીવાળા દરે ગેસ બુક કરી શકશે નહીં. જોકે, ગેસ સિલિન્ડરની સપ્લાય અથવા બુકિંગ બંધ થશે નહીં. ગ્રાહક પોતાનું e-KYC પૂર્ણ કરશે એટલે તેમને ફરીથી સબસિડીવાળા ભાવે સિલિન્ડર મળવા લાગશે.
3. UPI પેમેન્ટ પર મર્ચન્ટ ચાર્જ
ફેરફાર: 15 ઓક્ટોબર 2026થી ₹2,000થી વધુના પસંદગીના મર્ચન્ટ UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ થશે. જે દુકાનદારોની મહિને UPI મારફતે કુલ આવક ₹1 લાખ સુધી છે, તેમના માટે તમામ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે મફત રહેશે, ભલે પેમેન્ટ ₹2,000થી વધુનું હોય.
અસર: સામાન્ય ગ્રાહકો પર તેની અસર થવાની અપેક્ષા નથી. જો કોઈ નાનો વેપારી સતત 3 મહિના સુધી ₹1 લાખથી વધુનું UPI પેમેન્ટ સ્વીકારે છે, તો બેંક તેને મોટા વેપારીઓની યાદીમાં સામેલ કરશે અને ત્યારબાદ તેના પર પણ ચાર્જ લાગુ થશે. વ્યક્તિથી વ્યક્તિના ટ્રાન્ઝેક્શન મફત છે.
4. SBIના ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો
ફેરફાર: SBIના સેલેરી અકાઉન્ટ ધારકો જો અન્ય બેંકના ATM અથવા ADWM મશીનનો ઉપયોગ કરે છે, તો હવે તેમને મહિનામાં માત્ર 5 મફત ટ્રાન્ઝેક્શન મળશે. અગાઉ આ મર્યાદા 10 મફત ટ્રાન્ઝેક્શનની હતી. તેમાં બેલેન્સ ચેક કરવું અને પૈસા ઉપાડવાનો સમાવેશ થાય છે.
અસર: દરેક ટ્રાન્ઝેક્શન પર ₹15 + GST લાગશે.
5. AC-TV, ફ્રિજ જેવા ઉપકરણો આજથી 8% સુધી મોંઘા
ફેરફાર: 1 ઓક્ટોબરથી કંપનીઓ AC, LED ટીવી, વોશિંગ મશીન અને ફ્રિજની કિંમતોમાં 3%થી 8% સુધીનો વધારો કરી રહી છે. 2026માં કંપનીઓ તરફથી કરવામાં આવેલો આ ત્રીજો વધારો છે.
ઇન્ટરનેશનલ માર્કેટમાં કોપર, સ્ટીલ, એલ્યુમિનિયમ અને ક્રૂડ ઓઇલ સાથે સંકળાયેલા કાચા માલની કિંમતોમાં થયેલો વધારો તથા કરન્સીમાં આવેલા ઉતાર-ચઢાવને કારણે કંપનીઓએ આ નિર્ણય લીધો છે. વર્ષ 2026માં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી તરફથી કિંમતોમાં આ ત્રીજો વધારો હશે.
અસર: તહેવારો દરમિયાન વેચાણ પર તેની તાત્કાલિક મોટી અસર નહીં પડે. ડીલર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ પાસે 1થી 1.5 મહિનાનો જૂનો સ્ટોક ઉપલબ્ધ છે, જે જૂના દરે ખરીદવામાં આવ્યો હતો. ગ્રાહકો દિવાળી સુધી ઇલેક્ટ્રોનિક્સ સામાન જૂની કિંમતો પર જ ખરીદી શકશે.
6. રેપો રેટ અંગે નિર્ણય
ફેરફાર: RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 5 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાશે. 7 ઓક્ટોબરે આ બેઠકમાં રેપો રેટ અંગે નિર્ણય લેવામાં આવશે કે તેમાં ફેરફાર કરવામાં આવે કે તેને સ્થિર રાખવામાં આવે. આ વખતે રેપો રેટમાં 0.25%નો વધારો કરવામાં આવી શકે છે.
વર્તમાન સ્થિતિ: ઓગસ્ટની સમીક્ષા બાદથી રેપો રેટ 5.25% પર છે.
અસર: જો RBI રેપો રેટમાં વધારો કરશે, તો બેંકો હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના વ્યાજદરમાં વધારો કરશે. તેનાથી EMI વધી જશે. તેનાથી વિપરીત, રેટ ઘટે તો EMI સસ્તી થઈ શકે છે.
————————–
આ સમાચાર પણ વાંચો:
સુકન્યા યોજનામાં 8.2% અને PPF પર 7.1% વ્યાજ મળતું રહેશે:સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં, સતત 11મા ત્રિમાસિક ગાળામાં વ્યાજ દર સ્થિર

સરકારે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક એટલે કે નાણાકીય વર્ષ 2026-27ના ત્રીજા ત્રિમાસિક માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ જેવી કે- પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), પોસ્ટ ઓફિસ FD, સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)ના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.
આ સતત 11મું ત્રિમાસિક છે, જ્યારે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારે છેલ્લે ડિસેમ્બર 2023માં વ્યાજ દરોમાં વધારો કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



