PAK રક્ષા મંત્રી બોલ્યા- PoKના પ્રદર્શનકારીઓ ભારત જેવા દુશ્મન:તેમની સાથે કોઈ વાતચીત નહીં કરીએ; ફાયરિંગમાં 30 પ્રદર્શનકારીઓના મોત

Last Updated: July 29, 2026By

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેઓ પીઓકેમાં સરકાર વિરોધી પ્રદર્શન કરી રહેલા લોકોને ભારતની જેમ પાકિસ્તાનના દુશ્મન માને છે. તેમણે કહ્યું કે આવા લોકો સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવામાં આવશે નહીં. આસિફનું આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે પીઓકેમાં ચૂંટણીના વિરોધમાં કાઢવામાં આવેલી જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC)ની કૂચ પર સુરક્ષા દળોના ગોળીબારમાં 30 પ્રદર્શનકારીઓના મોત થયા અને 50થી વધુ લોકો ઘાયલ થયા. પ્રદર્શનકારીઓ પીઓકે વિધાનસભાની 12 શરણાર્થી બેઠકોને સમાપ્ત કરવાની માંગ કરી રહ્યા છે. હિંસા બાદ પાકિસ્તાને સમગ્ર પીઓકેમાં વધારાની સેના, પેરા મિલિટરી અને આર્મ્ડ કોન્સ્ટેબ્યુલરી તૈનાત કરી દીધી છે. સમગ્ર વિસ્તારમાં કલમ-144 લાગુ કરીને ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. ખ્વાજા આસિફનું નિવેદન અહીં સાંભળો… 5 હજાર લોકોના માર્ચ પર ગોળીબાર થયો મંગળવારે જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) ના બેનર હેઠળ લગભગ 5 હજાર લોકો રાવલાકોટથી મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરી રહ્યા હતા. સંગઠનનો આરોપ છે કે સુરક્ષા દળોએ કોઈપણ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો. 30 થી વધુ લોકો માર્યા ગયા, જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. જ્યારે પાકિસ્તાન સરકારનો દાવો છે કે પ્રદર્શનકારીઓ આધુનિક હથિયારોથી સજ્જ હતા અને તેમણે પહેલા સુરક્ષા દળો પર હુમલો કર્યો, ત્યારબાદ જવાબી કાર્યવાહી કરવામાં આવી. કઈ વાત પર ભડક્યું છે આંદોલન? પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC)ની માંગ છે કે POK વિધાનસભામાં કાશ્મીરી શરણાર્થીઓ માટે અનામત 12 બેઠકો રદ કરવામાં આવે. સંગઠનનું કહેવું છે કે આ બેઠકોને કારણે ઇસ્લામાબાદની રાજકીય પાર્ટીઓ સ્થાનિક સરકારની રચનાને પ્રભાવિત કરે છે. તેમનો તર્ક છે કે વિધાનસભા પસંદ કરવાનો અધિકાર ફક્ત POKમાં રહેતા લોકો પાસે હોવો જોઈએ. POK વિધાનસભાની 53 બેઠકોમાંથી 45 પર સીધી ચૂંટણી થાય છે, જ્યારે 12 શરણાર્થી બેઠકો પર મતદાન 2 ઓગસ્ટે થવાનું છે. આ બેઠકોના લગભગ 6 લાખ મતદારો પાકિસ્તાનના અલગ-અલગ શહેરોમાં રહે છે. વિપક્ષનો આરોપ છે કે આ જ બેઠકો દ્વારા સત્તા પક્ષ ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરે છે. ઇમરાન ખાનની પાર્ટી PTI એ ચૂંટણીનો બહિષ્કાર કરતા ગેરરીતિના આરોપો લગાવ્યા છે. ભારતે ચૂંટણીને ગણાવી ‘દેખાડાની કવાયત’ ભારતે POKમાં યોજાઈ રહેલી ચૂંટણીને નકારી કાઢતા તેને “દેખાડાની કવાયત” ગણાવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પાકિસ્તાન આ પ્રક્રિયા દ્વારા તેના ગેરકાયદેસર કબજા અને માનવાધિકાર ઉલ્લંઘનો પર પડદો ઢાકવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમગ્ર પ્રદેશ, જેમાં POK પણ સામેલ છે, ભારતનું અભિન્ન અંગ છે.

Leave A Comment