Pakistans 3 Demands for India Match; Will Shahbaz Govt U-Turn? ICCs Role?

Last Updated: February 9, 2026By

5 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝે જાહેરાત કરી હતી કે તેઓ T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે. જોકે, પાકિસ્તાન સરકાર એક અઠવાડિયામાં યુ-ટર્ન લઈ શકે છે.

.

ICCએ 8 ફેબ્રુઆરીના રોજ લાહોરમાં એક બેઠક યોજી હતી. ત્યારબાદ, PCB ચીફ મોહસીન નકવીએ જણાવ્યું હતું કે તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન સાથે બહિષ્કારના નિર્ણયને ઉલટાવી લેવા અંગે ચર્ચા કરશે.

કેટલાક અહેવાલોમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ICCએ ગુપ્ત ધમકી આપી છે, જ્યારે અન્ય અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે PCBએ ભારત સામે રમવાના બદલામાં ત્રણ માંગણીઓ કરી છે. જોકે મીડિયા રિપોર્ટ અનુસાર, ICCએ આ તમામ માગણી ફગાવી દીધી છે.

આખરે, PCB દ્વારા નક્કી કરાયેલી ત્રણ શરતો કઈ છે, શું ICC તેનું પાલન કરશે, અને જો પાકિસ્તાન ભારત સામે રમવાનો ઇનકાર કરશે તો તેને કેટલું નુકસાન થશે? આજના એક્સપ્લેનરમાં જાણો…

સવાલ-1: શું પાકિસ્તાન ભારત સાથે T20 વર્લ્ડ કપ મેચ રમવા તૈયાર થઈ ગયું છે? જવાબ: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધિકારીઓ વચ્ચે રવિવારે લાહોરમાં મીટિંગ થઈ. 5 કલાક ચાલેલી મીટિંગમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અમીનુલ ઇસ્લામ પણ સામેલ થયા. મુદ્દો હતો કે પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં ભારત સામે રમશે કે નહીં.

રિપોર્ટ્સ મુજબ, ICC સાથે થયેલી બેઠકમાં લગભગ નક્કી થઈ ગયું છે કે પાકિસ્તાન ભારત સાથે રમવા માટે તૈયાર છે. PCBએ આના બદલામાં ICC સામે 3 શરતો રાખી છે.

PCB ચીફ મોહસિન નકવી સોમવારની સાંજે પાકિસ્તાન પીએમ સાથે વાત કરશે. આ પછી જ પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં ભારત સાથે મેચ રમવા અંગે સત્તાવાર નિર્ણય સંભળાવશે.

ભાસ્કરની સ્પોર્ટ્સ ડેસ્કના હેડ વિક્રમ પ્રતાપ સિંહ કહે છે, ‘પાકિસ્તાનનું ભારત સાથેની મેચનો બહિષ્કાર કરવો એ માત્ર એક પ્રેશર ટેક્ટિક (દબાણની વ્યૂહરચના) છે. તે લાંબા સમયથી ICCને પોતાની હાજરીનો અહેસાસ કરાવવા માંગતું હતું. તે ઈચ્છે છે કે ICC તરફથી તેને વધારે રેવન્યુ મળે. બાંગ્લાદેશ સાથે બનેલી પરિસ્થિતિઓથી પાકિસ્તાનને તક મળી ગઈ. 12 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશમાં ચૂંટણી છે. કદાચ ત્યારબાદ પાકિસ્તાન ભારત સાથે રમવાની જાહેરાત કરી દે.’

લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ બેઠકમાં PCBના અધ્યક્ષ મોહસીન નકવી, ICCના ઉપાધ્યક્ષ ઇમરાન ખ્વાજા અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ અમીનુલ ઇસ્લામે હાજરી આપી હતી.

લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ બેઠકમાં PCBના અધ્યક્ષ મોહસીન નકવી, ICCના ઉપાધ્યક્ષ ઇમરાન ખ્વાજા અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ અમીનુલ ઇસ્લામે હાજરી આપી હતી.

સવાલ-2: પાકિસ્તાને ભારત સાથે રમવા માટે કઈ શરતો રાખી છે? જવાબ: રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાન ઈચ્છે છે કે ભારત સાથે T20 વર્લ્ડ કપ મેચ રમવાના બદલામાં તેની 3 શરતો પૂરી કરવામાં આવે…

શરત-1: ICC તરફથી મળતી રેવન્યુ વધે ICC તેના 12 ફુલ ટાઈમ મેમ્બર દેશોને પોતાની કમાણીનો એક હિસ્સો રેવન્યુ તરીકે દર વર્ષે આપે છે. અત્યારે પાકિસ્તાન ICC પાસેથી આશરે 34.5 મિલિયન ડોલર એટલે કે આશરે 313 કરોડ રૂપિયા રેવન્યુ લે છે. આ ICCની કમાણીના 5.75% છે. પાકિસ્તાન, ICC પાસેથી ચોથું સૌથી વધારે રેવન્યુ લેનારો દેશ છે. ભારતને સૌથી વધારે આશરે 230 મિલિયન ડોલરની રેવન્યુ મળે છે, જે ICCની વાર્ષિક કમાણીના આશરે 38.5% છે.

શરત-2: ભારતીય ખેલાડીઓ મેચ દરમિયાન હાથ મિલાવે સપ્ટેમ્બરમાં થયેલા એશિયા કપ દરમિયાન ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાની ના પાડી દીધી હતી. હકીકતમાં, એપ્રિલ 2025માં ભારતના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ હુમલો કર્યો હતો. આના જવાબમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું. ભારતીય ટીમે આ જ ઘટનાના વિરોધમાં પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યા નહીં.

શરત-3: ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ ફરી શરૂ થાય 2012-13માં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી વાર બાયલેટરલ (દ્વિપક્ષીય) સિરીઝ થઈ હતી. 2008ના મુંબઈ હુમલા પછી ભારતીય ટીમે પાકિસ્તાનમાં મેચ રમવાનું પણ બંધ કરી દીધું. આના કારણે પાકિસ્તાનની યજમાનીમાં થયેલો એશિયા કપ 2025 પણ ભારતે UAEમાં રમ્યો. હવે પાકિસ્તાન ઈચ્છે છે કે ભારત સાથે બાયલેટરલ સિરીઝ ફરી શરૂ થઈ જાય.

સવાલ-3: તો શું ICC પાકિસ્તાની ત્રણેય શરતો માની જશે? જવાબ: PCBની બધી શરતો માનવી ICCના હાથમાં નથી…

ICCનું રેવન્યુ મોડેલ પહેલેથી નક્કી 2023માં ICCએ નવું રેવન્યુ મોડેલ જાહેર કર્યું હતું, જેના હેઠળ 2024-27 સુધી ફુલ ટાઈમ મેમ્બર દેશોને કેટલા પૈસા મળશે તે નક્કી થયું હતું. દેશોને મળતી રેવન્યુ 4 આધારો પર નક્કી થઈ હતી…

દેશનો ક્રિકેટ ઈતિહાસ

  • છેલ્લા 16 વર્ષોમાં મહિલા અને પુરુષ ICC ઇવેન્ટમાં ટીમોનું પ્રદર્શન
  • ICCની કુલ કમાણીમાં દેશોનું યોગદાન
  • બધા દેશોને ફુલ ટાઈમ મેમ્બર હોવાને નાતે એક નક્કી રકમ

2027 સુધી આ જ મોડેલથી બધા દેશોને વાર્ષિક રેવન્યુ મળશે. ત્યાં સુધી ICC પાકિસ્તાનને મળતી રેવન્યુ વધારી શકે નહીં. પાકિસ્તાનની શરત પૂરી કરવા ICCએ પોતાના 2028-31ના રેવન્યુ મોડેલમાં એવા ફેરફાર જોડવા પડશે, જેનાથી PCBની રેવન્યુ વધી શકે.

બાયલેટરલ સિરીઝ ભારત સરકારનો નિર્ણય

  • પાકિસ્તાન સાથે બાયલેટરલ સિરીઝ ન રમવાનો નિર્ણય ભારત સરકારનો છે, ન કે BCCI નો. આ શરત માનવી ICCના પણ અધિકાર ક્ષેત્રની બહાર છે.
  • ઓપરેશન સિંદૂર પછીથી ક્રિકેટ સિવાય પણ ભારત-પાક વચ્ચેના તમામ સંબંધો પર રોક લાગી ગઈ છે. ફરીથી ક્રિકેટ રમવાનું શરૂ કરવાનો નિર્ણય લેવા માટે ઘણા સ્તરે વાતચીત થશે.
  • જો પાકિસ્તાન સાથે બાયલેટરલ સિરીઝ રમવાનું શરૂ પણ થાય છે, તો મેચ ક્યાં થશે તે પણ મોટો સવાલ હશે.
  • ભારતે 2008માં છેલ્લી વાર પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. મુંબઈ હુમલા પછી આના પર રોક લાગી ગઈ હતી. જોકે પાકિસ્તાન ICC ટૂર્નામેન્ટ માટે ભારત આવતું રહ્યું હતું.
  • ઓપરેશન સિંદૂર પછી હવે પાકિસ્તાને પણ ભારત આવવાની ના પાડી દીધી. ભારતની યજમાનીમાં થઈ રહેલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની મેચો શ્રીલંકામાં આયોજિત કરવામાં આવી છે.
પાકિસ્તાને છેલ્લે 2012-13માં દ્વિપક્ષીય સિરીઝ માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. બે મેચની T20 સિરીઝ 1-1થી બરાબર રહી હતી, જ્યારે પાકિસ્તાને ODI સિરીઝ 2-1થી જીતી હતી.

પાકિસ્તાને છેલ્લે 2012-13માં દ્વિપક્ષીય સિરીઝ માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. બે મેચની T20 સિરીઝ 1-1થી બરાબર રહી હતી, જ્યારે પાકિસ્તાને ODI સિરીઝ 2-1થી જીતી હતી.

હેન્ડશેકનો નિર્ણય ખેલાડીઓના હાથમાં

  • એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ થયેલી મેચમાં ટોસ દરમિયાન અને મેચ જીત્યા પછી ભારતીય ખેલાડીઓએ હેન્ડશેક કર્યા નહોતા.
  • પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે નિર્ણય વિશે જણાવ્યું, ‘અમારી સરકાર અને BCCI એકમત છે. અમે અહીં ફક્ત મેચ રમવા આવ્યા હતા અને અમે સાચો જવાબ આપ્યો. કેટલીક વસ્તુઓ ખેલ ભાવનાથી પણ ઉપર હોય છે. અમે પહેલગામ આતંકી હુમલાના તમામ પીડિતો અને તેમના પરિવારો સાથે ઉભા છીએ.’
  • આ પછી મહિલા વિશ્વ કપ અને અંડર-19 વિશ્વ કપ દરમિયાન પણ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનના કોઈ ખેલાડી સાથે હાથ મિલાવ્યા નથી. હવે ખેલાડીઓ ઈચ્છે તો આ નિર્ણય બદલી શકે છે.
  • BCCI મુજબ હાથ ન મિલાવવો એ ખેલાડીઓનો નિર્ણય હતો. જોકે એક્સપર્ટ્સ મુજબ નિર્ણય BCCI અને સરકારના કહેવા પર લેવામાં આવ્યો હતો.
એશિયા કપમાં ટોસ બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો.

એશિયા કપમાં ટોસ બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો.

સવાલ-4: જો પાકિસ્તાન, ભારત સાથે મેચ રમવા તૈયાર નથી થતું તો તેને શું નુકસાન થશે? જવાબ: જો પાકિસ્તાન વર્લ્ડ કપમાં ભારત સાથે મેચ નથી રમતું તો ICC કડક એક્શન લઈ શકે છે…

મેચના પોઈન્ટ સીધા ગુમાવવા પડશે પાકિસ્તાન ભારત સાથે 15 ફેબ્રુઆરીની મેચ નથી રમતું તો મેચ રમ્યા વગર પાકિસ્તાનની હાર માનવામાં આવશે. આનાથી ભારતને 2 પોઈન્ટ મળી જશે અને રમ્યા વગર પાકિસ્તાનના 2 પોઈન્ટ ઓછા થઈ જશે. જો પાકિસ્તાન ગ્રુપ સ્ટેજમાં પોતાની કોઈ પણ મેચ હારી જાય છે તો તેના સુપર-8માં જવાના ચાન્સ ઓછા થઈ જશે.

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને નેધરલેન્ડ્સ સામેની પોતાની પહેલી મેચ 3 વિકેટથી જીતી લીધી હતી. તેઓ ગ્રુપ Aમાં બીજા ક્રમે છે. તેઓ 15 ફેબ્રુઆરીએ ભારત સામે ટકરાશે.

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને નેધરલેન્ડ્સ સામેની પોતાની પહેલી મેચ 3 વિકેટથી જીતી લીધી હતી. તેઓ ગ્રુપ Aમાં બીજા ક્રમે છે. તેઓ 15 ફેબ્રુઆરીએ ભારત સામે ટકરાશે.

ICC તરફથી મળતી 312 કરોડની રેવન્યુ પર રોક

  • PCB ICC પાસેથી વાર્ષિક રેવન્યુ તરીકે જે 313 કરોડ રૂપિયા લે છે. તે તેની કુલ કમાણીનો એક મોટો હિસ્સો છે. ICC આના પર રોક લગાવી શકે છે.
  • T20 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજની એક મેચ રમવા પર ટીમને લગભગ 2.5 કરોડ રૂપિયા મળે છે. ત્યાં જ ટૂર્નામેન્ટમાં 5માથી 12મા ક્રમે રહેનારી ટીમને આશરે 4.1 કરોડ રૂપિયા, જીતવા પર આશરે 27.5 કરોડ અને રનર-અપ બનવા પર આશરે 14.7 કરોડ ભારતીય રૂપિયા મળે છે.
  • ભારત સાથે મેચ ન રમવા પર જો પાકિસ્તાનની પોઈન્ટ્સ ટેબલ પરની પોઝિશનમાં અસર થાય છે, તો તેની ટૂર્નામેન્ટથી થનારી કમાણી પ્રભાવિત થશે.

પાકિસ્તાન સુપર લીગ બંધ થવાનો ખતરો પાકિસ્તાન સુપર લીગ એટલે કે PSL પૂરી રીતે વિદેશી ખેલાડીઓ પર નિર્ભર છે. ICC ઈચ્છે તો ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ જેવા દેશોના ખેલાડીઓને PSLમાં રમવા માટે NOC આપવાની ના પાડી શકે છે. એવામાં વિદેશી ખેલાડીઓ વગર PSLની બ્રાન્ડ વેલ્યુ ખતમ થઈ જશે. બ્રોડકાસ્ટર્સ પાછા હટી જશે. અનુમાન છે કે આનાથી PCB ને વાર્ષિક આશરે 50 કરોડ ભારતીય રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

ભારતના IPLની જેમ, પાકિસ્તાન સુપર લીગ 2016માં પાકિસ્તાનમાં શરૂ કરવામાં આવી હતી. PSL 2026ની હરાજી 11 ફેબ્રુઆરીએ થવાની છે.

ભારતના IPLની જેમ, પાકિસ્તાન સુપર લીગ 2016માં પાકિસ્તાનમાં શરૂ કરવામાં આવી હતી. PSL 2026ની હરાજી 11 ફેબ્રુઆરીએ થવાની છે.

પાકિસ્તાની ખેલાડીઓને નુકસાન

  • દરેક એક T20 મેચ રમવા પર પાકિસ્તાની ખેલાડીઓને 4 લાખ પાકિસ્તાની રૂપિયા મળે છે. પાકિસ્તાને ગ્રુપ સ્ટેજમાં 4 મેચ રમવાની છે પરંતુ વર્લ્ડ કપ ન રમવાથી આ પૂરી મેચ ફી ખેલાડીઓને નહીં મળે.
  • પાકિસ્તાનના 4 ખેલાડીઓ ICC T20 રેન્કિંગમાં ટોપ-10માં છે. વર્લ્ડ કપ ન રમવાથી તેમની રેન્કિંગ પડી શકે છે.
  • બાંગ્લાદેશના વર્લ્ડ કપમાંથી બહાર થવા પર SG જેવી કંપનીઓએ સ્પોન્સરશિપથી દૂરી બનાવવા માંડી. પાકિસ્તાન સાથે પણ આવું થઈ શકે છે. Pepsi, CA Sports જેવી કંપનીઓ પાછી હટી શકે છે, કારણ કે સ્પોન્સર મોટા મંચ પર ખેલાડીઓને જોવા ઈચ્છે છે.

સવાલ-5: ICC ગમે તે ભોગે ભારત-પાકિસ્તાન મેચ કેમ કરાવવા માંગે છે? જવાબ: ભારત અને પાકિસ્તાનની મેચ ICC માટે સૌથી વધારે રેવન્યુ જનરેટ કરે છે. દુનિયાભરની કોઈ પણ મેચ કરતા વધારે આ મેચ જોવામાં આવે છે. 2023ના વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચને આશરે 17 કરોડ લોકોએ જોઈ હતી. આ મેચ ન થવાથી ICCને નુકસાન થશે…

  • ક્રિકબઝ મુજબ, ભારત-પાકિસ્તાનની મેચની વેલ્યુ 20-22 મિલિયન ડોલર એટલે કે આશરે 200 કરોડ રૂપિયા છે. મેચ ન થવાથી ICCને આ પૈસાનું નુકસાન થાત.રિપોર્ટ્સ મુજબ ICCને મીડિયા રાઈટ્સમાં આશરે 500 મિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે.
  • ઓસ્ટ્રેલિયન અખબાર ‘ધ એજ’ મુજબ, ભારત-પાક મેચની વેલ્યુ કરોડોમાં છે. જીયો હોટસ્ટાર ICCને 2024-27 સુધી વર્લ્ડ ટૂર્નામેન્ટ કવર કરવા 3 બિલિયન ડોલર આપી રહ્યું છે. આ દરમિયાન ભારત-પાકિસ્તાનની દરેક મેચની વેલ્યુ આશરે 250 મિલિયન ડોલર એટલે કે 2.26 હજાર કરોડ રૂપિયા હશે.
  • જો બ્રોડકાસ્ટર્સના આ પૈસા ડૂબે છે તો તેઓ ICCને સવાલ કરશે. આનાથી ભવિષ્યમાં BCCIની બ્રોડકાસ્ટર્સ દ્વારા થનારી કમાણી પર પણ અસર પડશે.
  • બાંગ્લાદેશ પહેલા જ T20 વર્લ્ડ કપ રમવાની ના પાડી ચૂક્યું છે. ICCએ પાકિસ્તાનના ભારત સાથે ન રમવાના મુદ્દે લાહોરમાં મીટિંગ કરી. આ પછી પણ જો પાકિસ્તાન નથી માનતું તો આનાથી ક્રિકેટ પર ICCના કંટ્રોલને લઈને સારો મેસેજ નહીં જાય.
  • ICC પોતાની કમાણીમાંથી જ સભ્ય દેશોને વાર્ષિક રેવન્યુ આપે છે. આ કમાણીનો એક મોટો હિસ્સો ભારત-પાકિસ્તાન મેચમાંથી આવે છે. ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સિવાયના તમામ દેશો આ રેવન્યુ પર ખૂબ જ નિર્ભર કરે છે એટલા માટે ICC નહીં ઈચ્છે કે તેની કમાણી ઓછી થાય.

સવાલ-6: પાકિસ્તાન પછી શું બાંગ્લાદેશ પણ પોતાનો નિર્ણય બદલી શકે છે? જવાબ: ICC સાથે લાહોરમાં થયેલી બેઠકમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષની હાજરીથી સ્પષ્ટ છે કે બહિષ્કારના મુદ્દે બંને દેશ સાથે છે. હવે જો પાકિસ્તાન પછી બાંગ્લાદેશ પોતાનો નિર્ણય બદલવા પણ ઈચ્છે તો તે T20 વર્લ્ડ કપનો હિસ્સો બની શકે નહીં. તેની જગ્યાએ વર્લ્ડ કપમાં સામેલ થયેલી સ્કોટલેન્ડની ટીમ બે મેચ રમી પણ ચૂકી છે. જોકે એવું થઈ શકે છે કે ICC સાથે થયેલી મીટિંગમાં બાંગ્લાદેશ પણ ભવિષ્યમાં ભારત સાથે થનારી મેચો રમવા માટે માની ગયું હોય.