Putin Warns NATO; Threatens Nuclear Response Over Kaliningrad Conflict
મોસ્કો22 મિનિટ પેહલા
- કૉપી લિંક
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે NATO દેશોને પરમાણુ હુમલાની ધમકી આપી. તેમણે કહ્યું કે રશિયાની કોઈ પણ જમીન પર હુમલો થયો, તો તે પોતાના તમામ હથિયારોથી જવાબ આપશે.
પુતિને મોસ્કોમાં વાલદાઈ ફોરમ દરમિયાન કહ્યું કે NATO જો કાલિનિનગ્રાડને રશિયાથી અલગ કરવાનો પ્રયાસ કરશે, તો રશિયા તરત જ જવાબ આપશે.
કાલિનિનગ્રાડ રશિયાનો એક અલગ વિસ્તાર છે. તે રશિયાના બાકીના ભાગ સાથે જોડાયેલો નથી. તે રશિયાની સરહદથી 300 કિમી દૂર યુરોપમાં પોલેન્ડ અને લિથુઆનિયા વચ્ચે આવેલો છે. બીજા વિશ્વયુદ્ધ બાદ 1945થી આ વિસ્તાર પર રશિયાનું નિયંત્રણ છે.
કાલિનિનગ્રાડ રશિયા માટે કેવી રીતે મહત્વપૂર્ણ છે
- બાલ્ટિક સમુદ્ર સુધી પહોંચ: અહીં રશિયાનું બાલ્ટિક ફ્લીટ તૈનાત છે, જેનાથી રશિયાને આ વિસ્તારમાં દરિયાઈ સૈન્ય હાજરી જાળવી રાખવામાં મદદ મળે છે.
- NATO વચ્ચે વ્યૂહાત્મક સ્થાન: તે ચારેય તરફથી NATO દેશોની નજીક છે. તેથી યુરોપમાં સૈન્ય દબાણ જાળવી રાખવાની દૃષ્ટિએ તે રશિયા માટે મહત્વપૂર્ણ છે.
- મિસાઇલ તૈનાતી: અહીં રશિયાએ પરમાણુ હથિયારો લઈ જવા માટે ઇસ્કાન્દર મિસાઇલ સિસ્ટમ તૈનાત કરી છે. આ ઉપરાંત અહીં અનેક આધુનિક હથિયારો પણ છે.
- સૈન્ય દેખરેખ: અહીંથી પોલેન્ડ, લિથુઆનિયા અને બાલ્ટિક સમુદ્રની આસપાસના વિસ્તારો પર નજર રાખવી સરળ છે.
- રશિયા માટે સુરક્ષા કવચ: રશિયા માને છે કે કાલિનિનગ્રાદ તેની પશ્ચિમી સરહદની રક્ષા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
પુતિને કહ્યું- પશ્ચિમી દેશો રશિયા સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યા છે
રાષ્ટ્રપતિ પુતિને પશ્ચિમી દેશો અને યુરોપ પર તણાવ વધારવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે પશ્ચિમી દેશો આગામી વર્ષોમાં રશિયા સાથે યુદ્ધની તૈયારી કરવાની વાત કરી રહ્યા છે.
તેમણે બાલ્ટિક સમુદ્રમાં લશ્કરી કવાયત અને રશિયન જહાજોને જપ્ત કરવાનો પણ ઉલ્લેખ કર્યો.
તેમનું નિવેદન મોસ્કોની તે ચેતવણી બાદ આવ્યું છે, જેમાં NATOને કહેવામાં આવ્યું હતું કે કાલિનિનગ્રાદની રક્ષા માટે રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં પાછળ નહીં હટે.
દાવો- NATO કાલિનિનગ્રાડની નાકાબંધી કરવાની તૈયારી કરી રહ્યું છે
યુરોપમાં રશિયાના અનેક દૂતાવાસોએ આ અઠવાડિયે નિવેદન જારી કર્યા. તેમાં કહેવામાં આવ્યું કે મોસ્કો પાસે માહિતી છે કે NATO કાલિનિનગ્રાડ અને સમગ્ર વિસ્તારની હવાઈ તથા નૌકાદળની નાકાબંધી કરવાની તૈયારી કરી રહ્યું છે.
રશિયાએ યુરોપિયન નેતાઓ પર ખતરનાક રમત રમવાનો આરોપ લગાવ્યો. રશિયાનું કહેવું છે કે યુરોપિયન નેતાઓ સતત દાવો કરી રહ્યા છે કે મોસ્કો કોઈ અન્ય દેશ પર હુમલો કરી શકે છે અથવા ડ્રોન અને તોડફોડ દ્વારા અન્ય દેશોમાં અસ્થિરતા ફેલાવી શકે છે. રશિયાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
NATO બોલ્યું- રશિયા પર હુમલાની કોઈ તૈયારી નથી
NATOએ રશિયાની પરમાણુ હથિયારોના ઉપયોગની ચેતવણીનો વિરોધ કર્યો છે. NATOની પ્રવક્તા એલિસન હાર્ટે બુધવારે કહ્યું, ‘અમે બળપ્રયોગની ધમકી અને બેજવાબદાર પરમાણુ નિવેદનોની સખત નિંદા કરીએ છીએ.’
તેમણે કહ્યું કે NATO કાલિનિનગ્રાડને નિશાન બનાવી રહ્યું નથી. NATO એક રક્ષણાત્મક ગઠબંધન છે અને તેની સૈન્ય પ્રવૃત્તિઓથી રશિયાના કોઈપણ વિસ્તારને ખતરો નથી.
NATOના વડા માર્ક રુટેએ પણ રશિયાને પરમાણુ હુમલાની ધમકીઓ બંધ કરવા કહ્યું. તેમણે દાવો કર્યો કે રશિયા ઇચ્છે છે કે સભ્ય દેશોનું ધ્યાન ભટકે અને યુક્રેનની મદદ પર ભાર ઓછો થાય. પરંતુ NATO આવું થવા દેશે નહીં.

બેલ્જિયમના બ્રસેલ્સમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન NATO ચીફ. તસવીર 2 સપ્ટેમ્બર 2026ની છે.
———————
આ સમાચાર પણ વાંચો…
પુતિને કહ્યું- મોદી હંમેશાં યુક્રેન યુદ્ધ અંગે વાત કરે છે:તેમની પાસે યુદ્ધ સમાપ્ત કરવાના સારા સૂચનો છે; 5 મોટા પ્રસંગોએ PMએ આ મુદ્દો ઉઠાવ્યો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની વાત ઉઠાવે છે. તેમની પાસે યુદ્ધ રોકવા માટેના એવા સારા સૂચનો છે, જેને બંને પક્ષો સ્વીકારી શકે. સંપૂર્ણ સમાચાર વાંચો
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



