RCBની ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં AI કેમેરા લગાવવાની માગ:ફ્રેન્ચાઇઝી 350 કેમેરાનો ખર્ચ પોતે ઉઠાવશે; બેંગલુરુની નાસભાગમાં 11 લોકોના મોત થયા હતા
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ તેના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચના આયોજન અંગે કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિયેશન (KSCA)ને એક પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં ફ્રેન્ચાઇઝીએ સ્ટેડિયમમાં ભીડ નિયંત્રણને મજબૂત કરવા માટે 300 થી 350 AI આધારિત કેમેરા લગાવવાની ઓફર કરી છે. આ સમગ્ર પ્રોજેક્ટ પર લગભગ 4.5 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે, જે RCB પોતે ઉઠાવશે. ફ્રેન્ચાઇઝી અનુસાર, આ કેમેરાથી દર્શકોની અવરજવર પર વધુ સારી રીતે નજર રાખી શકાશે. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર રીઅલ ટાઈમ મોનિટરિંગથી ગેરકાયદેસર પ્રવેશ અટકશે અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી શક્ય બનશે. ફ્રેન્ચાઇઝીનું માનવું છે કે આનાથી મેચ દરમિયાન ચાહકોની સુરક્ષા વ્યવસ્થા ઘણી મજબૂત બનશે. ગયા વર્ષે IPL ટ્રોફી સેલિબ્રેશન દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ મચી ગઈ હતી, જેમાં 11 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ સ્ટેડિયમમાં તમામ પ્રકારની ક્રિકેટ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. તપાસ રિપોર્ટમાં ભીડ વ્યવસ્થાપનની ગંભીર ખામીઓને દુર્ઘટનાનું મુખ્ય કારણ ગણાવવામાં આવ્યું હતું અને આ માટે RCBને પણ જવાબદાર ઠેરવવામાં આવી હતી. ગેરકાયદેસર એન્ટ્રી રોકશે RCB અનુસાર, પ્રસ્તાવિત AI કેમેરા સિસ્ટમ વીડિયો, ઑડિયો અને ટેક્સ્ટ ડેટાથી કામ કરશે. આ સિસ્ટમ કોઈપણ પ્રકારની ગેરકાયદેસર એન્ટ્રી, ઘૂસણખોરી અથવા સંભવિત સુરક્ષા ખતરાને અગાઉથી ઓળખી લેશે, જેથી સમયસર જરૂરી કાર્યવાહી કરી શકાય. આ પહેલ માટે RCB એ ટેકનોલોજી કંપની સ્ટેક્યુ (Staqu) સાથે ભાગીદારી કરી છે. આ કંપની ઓટોમેશન અને ડેટા આધારિત તકનીકોથી અગાઉ પણ જાહેર સુરક્ષાને મજબૂત કરવાનું કામ કરી ચૂકી છે. રાયપુર અથવા પુણેમાં મેચ થઈ શકે છે જો IPL 2026 માટે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને જરૂરી સરકારી મંજૂરી નહીં મળે, તો RCB તેની હોમ મેચ રાયપુર અથવા પુણેમાં કરાવવા પર પણ વિચાર કરી રહી છે. નિયમો અનુસાર IPL શરૂ થવાના ઓછામાં ઓછા એક મહિના પહેલા ફ્રેન્ચાઇઝીએ તેના હોમ વેન્યુની જાણકારી આપવી પડે છે. IPL 2026 માર્ચના અંતમાં શરૂ થવાની સંભાવના છે. T20 વર્લ્ડ કપની મેચ ન મળી ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે T20 વર્લ્ડ કપનું આયોજન પણ થવાનું છે, પરંતુ જરૂરી NOC ન મળવાને કારણે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને આ ટુર્નામેન્ટની કોઈ મેચ મળી શકી નથી. આ પહેલા પણ BCCIને વિજય હજારે ટ્રોફી અને વુમન્સ વર્લ્ડ કપની કેટલીક મેચો બેંગલુરુથી બહાર શિફ્ટ કરવી પડી હતી. બેંગલુરુમાં નાસભાગમાં 11 લોકોના મોત થયા હતા IPL 2025નો ખિતાબ જીત્યા પછી RCBએ 4 જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટ્રોફી સેલિબ્રેશન રાખ્યું હતું, પરંતુ ખરાબ આયોજન અને ભીડ નિયંત્રણના અભાવને કારણે પરિસ્થિતિ વણસી ગઈ હતી. આ દરમિયાન થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. કર્ણાટક સરકારના રિપોર્ટમાં દુર્ઘટના માટે RCBને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. તેમાં કોહલીનો પણ ઉલ્લેખ હતો. કર્ણાટક સરકારે કહ્યું કે RCBએ ચિન્નાસ્વામીમાં આયોજિત વિક્ટ્રી પરેડ માટે સરકાર પાસેથી કોઈ મંજૂરી લીધી નહોતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

