Retail Inflation Jumps to 2.75% in January; 8-Month High

Last Updated: February 12, 2026By

નવી દિલ્હી51 મિનિટ પેહલા

  • કૉપી લિંક

જાન્યુઆરીમાં રિટેલ મોંઘવારી ગયા મહિનાની સરખામણીમાં વધીને 2.75% પર પહોંચી ગઈ છે. ડિસેમ્બરમાં તે 1.33% પર હતી. 8 મહિનામાં સૌથી વધુ છે. મે 2025માં મોંઘવારી 2.82% પર પહોંચી ગઈ હતી. સરકારે ગુરુવાર, 12 ફેબ્રુઆરીએ મોંઘવારીના આંકડા જાહેર કર્યા છે.

નવા માપદંડમાં ઈ-કોમર્સ અને એરફેરનો સમાવેશ થયો

સરકારે મોંઘવારી માપવા માટે બેઝ યરને 2012 થી બદલીને 2024 કરી દીધું છે. આ ફેરફાર એક દાયકાથી વધુ સમય પછી કરવામાં આવ્યો છે. બ્લૂમબર્ગના સરવેમાં 32 અર્થશાસ્ત્રીઓએ અનુમાન લગાવ્યું હતું કે તેનાથી જાન્યુઆરીની મોંઘવારી દર 2.77% ની આસપાસ રહી શકે છે.

ખાવા-પીવાની વસ્તુઓનું વેઇટેજ ઘટ્યું

જૂના ઇન્ડેક્સમાં ખાદ્યપદાર્થોનું વેઇટેજ લગભગ 50% હતું, જેને હવે ઘટાડીને 36.8% કરવામાં આવ્યું છે. આંકડા મંત્રાલયના સચિવ સૌરભ ગર્ગના મતે, ભારતીયોની આવક વધવા સાથે હવે તેઓ ભોજન પર ઓછો અને હાઉસિંગ તથા અન્ય સેવાઓ પર વધુ ખર્ચ કરી રહ્યા છે.

  • શું દૂર કરાયું: હવે જૂના થઈ ગયેલા રેડિયો, વીસીઆર (VCR) અને તાંગા-ગાડીના ભાડાને ઇન્ડેક્સમાંથી બહાર કરી દેવામાં આવ્યું છે.
  • શું ઉમેરાયું: તેની જગ્યાએ હવે હવાઈ ભાડું, ઓનલાઈન સબ્સ્ક્રિપ્શન, ઈ-કોમર્સ શોપિંગ, ગ્રામીણ હાઉસિંગ રેન્ટ અને વીજળીની કિંમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બેઝ યર શું હોય છે?

બેઝ યર એ વર્ષ હોય છે જેની કિંમતોને આધાર (બેઝ) માનવામાં આવે છે. એટલે કે, તે જ વર્ષની વસ્તુઓની સરેરાશ કિંમતને 100નું મૂલ્ય આપવામાં આવે છે. પછી, બીજા વર્ષોની કિંમતોની સરખામણી આ જ બેઝ યર સાથે કરવામાં આવે છે. આનાથી ખબર પડે છે કે મોંઘવારી કેટલી વધી કે ઘટી છે.

ઉદાહરણ: ધારો કે 2020 બેઝ યર છે. તે વર્ષે એક કિલો ટામેટાં ₹50 ના હતા. હવે 2025માં તે ₹80ના થઈ ગયા. તો મોંઘવારી = (80 – 50) / 50 × 100 = 60% વધી. આ જ ફોર્મ્યુલા CPIમાં વપરાય છે, પરંતુ તે આખા બજારની વસ્તુઓ પર લાગુ પડે છે.

બેઝ યર કેવી રીતે પસંદ કરવામાં આવે છે અને કેવી રીતે કામ કરે છે?

સરકાર સામાન્ય રીતે દર 5-10 વર્ષે નવું બેઝ યર પસંદ કરે છે. આ એવું વર્ષ હોય છે જે સામાન્ય હોય, ન તો વધુ દુષ્કાળ હોય, ન તો મહામારી, ન તો વધુ મોંઘવારી.

ઓક્ટોબરમાં 14 વર્ષના નીચલા સ્તરે હતી રિટેલ મોંઘવારી

ઓક્ટોબરમાં રિટેલ મોંઘવારી 0.25%ના રેકોર્ડ નીચલા સ્તરે આવી ગઈ હતી. તેનું કારણ ખાવા-પીવાની વસ્તુઓની કિંમતોમાં ઘટાડો હતો. આ વર્તમાન CPI સિરીઝમાં અત્યાર સુધીની સૌથી ઓછી મોંઘવારી હતી. એટલે કે, આ લગભગ 14 વર્ષનું નીચલું સ્તર રહ્યું હતું. આ પહેલા સપ્ટેમ્બરમાં તે 1.44% પર હતી.

મોંઘવારી કેવી રીતે વધે-ઘટે છે?

મોંઘવારી વધવી અને ઘટવી પ્રોડક્ટની માગ અને પુરવઠા પર આધાર રાખે છે. જો લોકો પાસે પૈસા વધુ હશે તો તેઓ વધુ વસ્તુઓ ખરીદશે. વધુ વસ્તુઓ ખરીદવાથી વસ્તુઓની માગ વધશે અને માગ મુજબ પુરવઠો ન હોવાને કારણે આ વસ્તુઓની કિંમત વધશે. જ્યારે જો માંગ ઓછી હશે અને પુરવઠો વધુ હશે તો મોંઘવારી ઓછી થશે.