Smriti Mandhana RCB; WPL 2026 | Royal Challengers Bengaluru | શું RCB વુમન્સ 2024ની જેમ ટાઇટલ જીતી શકશે?: કેપ્ટન મંધાના લગ્ન તૂટ્યા પછી પ્રથમ ટુર્નામેન્ટ રમશે; પેરી-ડિવાઇનની ખોટ કેવી રીતે પૂરી થશે?

Last Updated: January 11, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક3 દિવસ પેહલા

  • કૉપી લિંક

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની વુમન્સ ટીમે 2024 માં મેન્સ ટીમ પહેલા ટ્રોફી જીતી લીધી હતી. ત્યારે સ્મૃતિ મંધાનાની આગેવાનીની RCB એ દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં હરાવી હતી. એલિસ પેરી અને સોફી ડિવાઇન ટુર્નામેન્ટમાં ટીમની મોટી કરોડરજ્જુ સાબિત થઈ હતી, પરંતુ બંને આ વખતે ટીમનો ભાગ નથી. વળી, કેપ્ટન મંધાના પણ લગ્ન તૂટ્યા પછી પહેલી જ ટુર્નામેન્ટ રમવા જઈ રહી છે.

શું RCB 2024નો દબદબો ફરી હાંસલ કરી શકશે?

2025માં કઈ પોઝિશન પર રહી?

2024માં ટાઇટલ જીત્યા પછી RCB પાસેથી 2025માં પણ પ્લેઓફ સુધી પહોંચવાની અપેક્ષાઓ હતી, પરંતુ ટીમ ચોથા સ્થાન સુધી જ પહોંચી શકી. ટીમ 8માંથી 3 મેચ જ જીતી શકી. RCBએ ગુજરાત અને દિલ્હીને હરાવીને પોતાની સીઝનની શરૂઆત કરી હતી, પરંતુ છેલ્લી 6માંથી 5 મેચ હારીને ટીમ પ્લેઓફમાં સ્થાન પણ બનાવી શકી નહીં.

2026માં શું નવું છે?

મેગા ઓક્શન પહેલા રિટેન કરાયેલી એલિસ પેરી અંગત કારણોસર ટુર્નામેન્ટ રમી શકશે નહીં. પેરી ટીમની ટૉપ રન સ્કોરર અને ચોથી ટૉપ વિકેટ ટેકર છે. પેરીના રિપ્લેસમેન્ટ તરીકે ટીમે સયાલી સાતઘરેને પસંદ કરી, પરંતુ તેનું પ્લેઇંગ-11માં સામેલ થવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે.

ઓક્શનમાં RCBએ પૂજા વસ્ત્રાકર, ગ્રેસ હેરિસ, અરુંધતિ રેડ્ડી, નદીન ડી ક્લાર્ક અને રાધા યાદવ જેવી ઓલરાઉન્ડર્સ સાથે ઇંગ્લેન્ડની ફાસ્ટ બોલર લૌરેન બેલને પણ ખરીદી લીધી. ઓપનિંગ પોઝિશન માટે ટીમમાં ઓસ્ટ્રેલિયાની જ્યોર્જિયા વોલ અને અનકેપ્ડ ગૌતમી નાયકને સામેલ કરવામાં આવી.

શું લગ્ન તૂટવાની અસર મંધાના પર થશે?

2 નવેમ્બર 2025ના રોજ વુમન્સ વન-ડે વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતની વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના લગ્ન કરવાની હતી. 23 નવેમ્બરના રોજ તેના લગ્ન થવાના હતા, પરંતુ કેટલાક કારણોસર તે તૂટી ગયા. 15 દિવસ સુધી તે ક્રિકેટના મેદાનથી દૂર રહી, પછી ડિસેમ્બરમાં શ્રીલંકા સામે T20 સિરીઝની તૈયારી શરૂ કરી દીધી.

શ્રીલંકા સામે 5 T20 મેચ 21 ડિસેમ્બરથી શરૂ થઈ. મંધાના શરૂઆતની 3 મેચમાં એક પણ ફિફ્ટી લગાવી શકી નહીં, ચોથી T20થી તેણે વાપસી કરી અને 80 રન બનાવ્યા. તેણે શેફાલી વર્મા સાથે 162 રનની રેકોર્ડ ઓપનિંગ પાર્ટનરશિપ પણ કરી. આગામી મેચમાં તેને આરામ આપવામાં આવ્યો.

લગ્ન તૂટ્યા પછી મંધાના હવે પહેલીવાર કોઈ ટુર્નામેન્ટમાં ઉતરવા જઈ રહી છે. તે બેંગલુરુની કેપ્ટનશિપ પણ કરશે. તેની સામે મોટા ખેલાડીઓની કમી પૂરી કરવાનો પડકાર તો રહેશે જ, પોતાના બેટિંગ ફોર્મને જાળવી રાખીને ટીમને પ્લેઓફ સુધી પહોંચાડવાનો પડકાર પણ રહેશે. મંધાના WPLની 3 સીઝનમાં માત્ર 4 જ ફિફ્ટી ફટકારી શકી છે.

પેરી, ડિવાઇનની કમી કેવી રીતે પૂરી થશે?

એલિસ પેરી ટુર્નામેન્ટ રમી શકશે નહીં. જ્યારે ડિવાઇન અને રેણુકાને ટીમ રિટેન કરી શકી નહીં. બંનેએ જ ટીમના ટાઇટલ વિનિંગ કેમ્પેઇનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ડિવાઇને કેપ્ટન સ્મૃતિ મંધાના સાથે ઓપનિંગ સંભાળી અને ઝડપથી રન બનાવ્યા. જ્યારે રેણુકા નવી બોલથી વિકેટ લેતી હતી. બંને હવે ગુજરાત તરફથી રમતા જોવા મળશે.

પેરીને રિપ્લેસ કરવા માટે ટીમમાં ગ્રેસ હેરિસ અને નદીન ડી ક્લાર્ક જેવી ઓલરાઉન્ડર્સ છે. જ્યારે ડિવાઇનની જગ્યાએ જ્યોર્જિયા વોલ ઓપનિંગ કરી શકે છે. લોરેન બેલ નવી બોલ સંભાળતી જોવા મળી શકે છે. તેનો સાથ આપવા માટે અરુંધતિ રેડ્ડી પણ હાજર રહેશે.

કયા ખેલાડીઓ પર નજર?

વસ્ત્રાકર, રાધા યાદવ અને ગૌતમી નાયક પર નજર રહી શકે છે. વસ્ત્રાકર ઇજાના કારણે ક્રિકેટના મેદાનથી મોટાભાગનો સમય દૂર જ રહે છે. તેણે ઓક્ટોબર 2024માં છેલ્લી વાર ક્રિકેટ રમી હતી. ત્યારથી તે બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિહેબ કરી રહી છે.

રાધા આ પહેલા 3 સીઝન સુધી દિલ્હી કેપિટલ્સનો ભાગ રહી હતી, પરંતુ તેને મોટાભાગના પ્રસંગોએ બોલિંગ કરાવવામાં આવી ન હતી. બેંગલુરુમાં તેની પાસેથી બોલિંગની સાથે બેટિંગની પણ અપેક્ષા રહેશે.

ગૌતમીએ નાગાલેન્ડ, બરોડા અને મહારાષ્ટ્ર માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી. તેને હવે WPLમાં તક મળી. 2025ની મહારાષ્ટ્ર પ્રીમિયર લીગમાં તે ત્રીજી ટૉપ રન સ્કોરર રહી. RCB પણ તેને ટૉપ ઓર્ડરમાં બેટિંગ માટે મોકલી શકે છે.

સ્ટ્રેન્થ અને વીકનેસ

સ્ટ્રેન્થ: મિડલ અને લોઅર ઓર્ડરમાં હેરિસ, રિચા અને ડી ક્લાર્ક સાથે વસ્ત્રાકર અને રાધા પણ છે. ટીમની ફિનિશિંગ ખૂબ જ મજબૂત છે, જો શરૂઆત મજબૂત રહે તો ટીમ મોટા સ્કોર સુધી પહોંચી શકે છે. રાધા, શ્રેયંકા અને ડી ક્લાર્કની હાજરીથી ટીમની સ્પિન બોલિંગ પણ મજબૂત છે.

વીકનેસ: ટૉપ ઓર્ડરમાં મંધાનાને સાથ આપવા માટે મજબૂત ખેલાડીઓ નથી. વોલ અને ગૌતમીને WPLનો અનુભવ નથી, બંને પર ડિવાઇન અને પેરીની કમી પૂરી કરવાની જવાબદારી રહેશે. ઝડપી બોલિંગમાં બેલને સપોર્ટ કરવા માટે મજબૂત વિકલ્પ પણ નથી.

સંભવિત પ્લેઇંગ-11 સ્મૃતિ મંધાના (કેપ્ટન), જ્યોર્જિયા વોલ, ગૌતમી નાયક, ગ્રેસ હેરિસ, રિચા ઘોષ (વિકેટકીપર), નદીન ડી ક્લાર્ક, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, અરુંધતી રેડ્ડી, લોરેન બેલ.

એક્સ્ટ્રા પ્લેયર્સ: દયાલન હેમલતા, સયાલી સતઘરે, પ્રેમા રાવત, લિન્સી સ્મિથ, પ્રત્યુષા કુમાર.