Tech News: પાસવર્ડ હવે ભૂતકાળ બનશે, જાણો શું છે નવી સિસ્ટમ?

Last Updated: January 12, 2026By

વર્તમાન સમયમાં દુનિયા ડિજિટલ બની છે. જેમાં તમે હવે તમામ સેવાનો ઉપયોગ ઓનલાઇન કરી શકો છે. પૈસાથી લઈને સરકારી દસ્તાવેજ સુધી તમામ બાબતોમાં ઓનલાઈન કામગીરી થઈ શકે છે. આવામાં લોકો પોતાની અંગત માહિતી સુરક્ષિત રાખવા માટે પાસવર્ડનો ઉપયોગ કરે છે. જોકે, હવે પાસવર્ડ એક ભૂતકાળ બનવા જઈ રહ્યો છે. આ વાંચીને થોડો આઈડિયા હશે તો ચોંક્યા નહીં હોય કેમ કે પાસવર્ડનો વિકલ્પો વિશે ઘણા લોકો જાણે છે. પાસવર્ડની જગ્યા ધીરે ધીરે પાસકી(passKey) લઈ રહી છે. Passkey એ એક લોગ-ઇન સિસ્ટમ છે.

વિશ્વની મોટાભાગની ટેક કંપનીઓ હવે પાસવર્ડને અસુરક્ષિત માને છે. આ સાથે હવે પાસવર્ડ યુઝરને સુરક્ષાનો અનુભવ આપવા સક્ષમ રહ્યા નથી. જે કારણે હાલ Passkey અને FIDEO બેઈઝ્ડ પાસવર્ડલેસ લોગ-ઇન સિસ્ટમને ઝડપથી આવકારી રહ્યા છે. જેમાં ગૂગલ અને માઈક્રોસોફ્ટ જેવા મોટી ટેક કંપનીઓ સહિતના મોટા પ્લેટફોર્મ હવે Passkeyને એક સુરક્ષિત અને ફિશિંગ પ્રૂફના વિકલ્પ રૂપે પ્રમોટ કરી રહ્યા છે.

FIDEO એલાયન્સના જણાવ્યા અનુસાર, ગત બે વર્ષના સમયગાળામાં Passkey સપોર્ટ કરનારા એકાઉન્ટ સંખ્યા કરોડો સુધી પહોંચી છે. ગૂગલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, Passkeyને તે પોતાનું ડિફોલ્ટ લોગ-ઇન તરીકે માને છે. જ્યારે માઈક્રોસોફ્ટ પાસવર્ડ વગર અકાઉન્ટ બનાવવા માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કરી રહ્યું છે.

શું છે આ Passkey અને તે કેવી રીતે કામ કરે છે?

ટેક ઈન્ડસ્ટ્રીમાં આ એક મોટો બદલાવ છે. કારણ કે, પહેલીવાર પાસવર્ડને હટાવવાના પ્રયાસો મોટા પાયે થઈ રહ્યા છે. Passkey એ એક એવી લોગ-ઇન સિસ્ટમ છે, જેમાં તમારે કોઈ જટિલ પાસવર્ડ યાદ રાખવાની કે ટાઈપ કરવાની જરૂર રહેતી નથી. તમારો સ્માર્ટફોન જ તમારો પાસવર્ડ બની જશે. આ સિસ્ટમ તમારા ડિવાઈસના બાયોમેટ્રિક (ફિંગરપ્રિન્ટ અથવા ફેસ આઈડી) પર આધારિત છે. સુરક્ષા નિષ્ણાતોના મતે, આ અત્યાર સુધીની સૌથી સુરક્ષિત પદ્ધતિ છે કારણ કે તે ‘ફિશિંગ પ્રૂફ’ છે, એટલે કે કોઈ તમારી લોગઈન વિગતો ચોરી શકશે નહીં.

ભારત માટે કેમ છે આ મોટો પડકાર?

પશ્ચિમી દેશોમાં જ્યાં દરેક વ્યક્તિ પાસે પર્સનલ ફોન છે, ત્યાં આ સિસ્ટમ સરળ છે, પરંતુ ભારતમાં સ્થિતિ અલગ છે. ભારતમાં એક જ ફોન પરિવારના અનેક સભ્યો વાપરતા હોય છે. આવા કિસ્સામાં Passkey દ્વારા પ્રાઈવસી જાળવવી મુશ્કેલ બની શકે છે. Passkey સિસ્ટમ ફોન સાથે જોડાયેલી હોય છે. જો ફોન ખોવાઈ જાય, ચોરી થાય કે ખરાબ થઈ જાય, તો અકાઉન્ટ પાછું મેળવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. હાલમાં તમામ પ્લેટફોર્મ પર રિકવરી માટે કોઈ એક સમાન સરળ રીત ઉપલબ્ધ નથી. સેકન્ડ હેન્ડ ફોન વાપરનારા કે વારંવાર સિમ બદલનારા યુઝર્સ માટે આ સિસ્ટમ સુવિધાને બદલે પરેશાનીનું કારણ બની શકે છે.

તમારે શું કરવું જોઈએ?

જો તમે તમારો ફોન કોઈની સાથે શેર નથી કરતા, તો Passkey તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે તમારા Gmail એકાઉન્ટમાં જઈને આ ફીચર એક્ટિવેટ કરી શકો છો. જો તમારે હજુ પણ પાસવર્ડ મેનેજ કરવા હોય, તો તમે 1Password જેવી પેઈડ એપ્સનો ઉપયોગ કરી શકો છો. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે, જ્યાં સુધી એકાઉન્ટ રિકવરી અને ઓફલાઈન બેકઅપના સરળ ઉકેલો નહીં મળે, ત્યાં સુધી ભારતમાં પાસવર્ડલેસ સિસ્ટમ સંપૂર્ણપણે લાગુ કરવી મુશ્કેલ રહેશે.

આ પણ વાંચો – AI દ્વારા બદલાયેલો અવાજ અને એક જ મિનિટમાં બેંક ખાતુ સાવ ખાલી ખામ, જાણો કેવી રીતે કર્યુ ફ્રોડ?