Tech News: મોબાઇલ કે સિસ્ટમ હેક થાય તો તરત કરો આ 5 કામ: તમારો ડેટા અને બેંક બેલેન્સ બચાવવાની ટિપ્સ
ડિજિટલ દુનિયામાં આજે બધું જ ઓનલાઈન થઈ ગયું છે, જેની સાથે હેકિંગ અને સાયબર એટેકનો ખતરો પણ અનેકગણો વધી ગયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના આગમન પછી સાયબર એટેકથી બચવું વધુ મુશ્કેલ બની ગયું છે. દુનિયાભરમાં રોજેરોજ હજારોની સંખ્યામાં સાયબર એટેક થાય છે, જેમાં લોકોના અંગત ડેટા અને કમાણીના પૈસાની ચોરી થઈ જાય છે. તમામ સાવધાનીઓ રાખવા છતાં જો ક્યારેય તમારું એકાઉન્ટ કે સિસ્ટમ હેક થઈ જાય, તો ગભરાવાના બદલે તુરંત કેટલાક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવા જરૂરી છે.
1. ઇન્ટરનેટ કનેક્શન તરત બંધ કરો
જો તમને સહેજ પણ શંકા જાય કે તમારું ડિવાઇસ હેક થયું છે, તો સૌથી પહેલું કામ તેને ઇન્ટરનેટથી ડિસ્કનેક્ટ કરવાનું કરો. જ્યાં સુધી તમારું ડિવાઇસ ઇન્ટરનેટ સાથે જોડાયેલું રહેશે, ત્યાં સુધી તે હેકર્સને તમારો ડેટા મોકલતું રહેશે. વાઇ-ફાઇ, મોબાઇલ ડેટા અને બ્લૂટૂથ બંધ કરી દો અથવા ડિવાઇસને સીધું ‘એરપ્લેન મોડ’ પર મૂકી દો.
2. બેંક કાર્ડ્સ તુરંત બ્લોક કરાવો
હેકર્સનો મુખ્ય ટાર્ગેટ તમારા પૈસા હોય છે. હેકિંગની શંકા જતા જ તમારું બેંક એકાઉન્ટ ચેક કરો. જો કોઈ અજાણ્યો કે શંકાસ્પદ વ્યવહાર થયેલો દેખાય, તો વિલંબ કર્યા વગર તમારા ક્રેડિટ અને ડેબિટ કાર્ડને બ્લોક કરાવી દો અને બેંકને આ અંગેની જાણ કરો.
3. તમામ એકાઉન્ટના પાસવર્ડ બદલી નાખો
હેકર્સ તમારી અંગત માહિતી ચોરવા માંગતા હોય છે. તેથી, તમારા ઈમેલ, સોશિયલ મીડિયા અને બેંકિંગ એકાઉન્ટ્સના પાસવર્ડ તાત્કાલિક બદલી લો. પરંતુ અહીં એક ખાસ ધ્યાન રાખવું કે, પાસવર્ડ બદલવાનું આ કામ ‘હેક થયેલા ડિવાઇસ’ માંથી ક્યારેય ન કરવું. આ માટે અન્ય કોઈ સુરક્ષિત કોમ્પ્યુટર કે સ્માર્ટફોનનો ઉપયોગ કરો.
4. ડિવાઇસને એન્ટી-વાયરસથી સ્કેન કરો
તમારા એકાઉન્ટ્સ સુરક્ષિત કર્યા પછી, તમારા ફોન કે કોમ્પ્યુટરમાં છુપાયેલા માલવેર કે વાયરસને શોધવા માટે ડિવાઇસને સ્કેન કરો. આ માટે તમે માઇક્રોસોફ્ટ ડિફેન્ડર અથવા બજારમાં ઉપલબ્ધ અન્ય કોઈ ભરોસાપાત્ર એન્ટી-વાયરસ સોફ્ટવેરની મદદ લઈ શકો છો.
5. છેલ્લો ઉપાય: ફેક્ટરી રિસેટ કરો
ઘણી વખત એન્ટી-વાયરસથી સ્કેન કર્યા પછી પણ કેટલાક ખતરનાક વાયરસ સિસ્ટમમાં રહી જાય છે. જો તમને તમારા ડિવાઇસમાં કોઈ અજાણી એપ્લિકેશન વારંવાર દેખાતી હોય અથવા સિસ્ટમ વિચિત્ર રીતે કામ કરતી હોય, તો ડિવાઇસને ‘ફેક્ટરી રિસેટ’ કરી દેવું એ સૌથી સચોટ અને અસરકારક રસ્તો છે. આનાથી સિસ્ટમમાંથી તમામ માલવેર કાયમ માટે દૂર થઈ જશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

