Technology News: મોબાઇલ હેક થયો છે ! કેવી રીતે ખબર પડશે ? અને શું છે બચવાના ઉપાયો, વાંચો Inside Story

Last Updated: February 8, 2026By

વર્તમાન સમયમાં સાયબર ફ્રોડની ઘટનાઓ અવારનવાર સાંભળવા મળતી હોય છે. આવા કિસ્સાઓને ધ્યાને રાખી પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચ તો કામ કરે જ છે. સાથોસાથ નાગરિકોએ પણ પોતાની ડિજિટલ સુરક્ષા માટે જાગૃત રહેવું જરૂરી છે. ત્યારે ચાલો, જાણીએ કે કેવી રીતે ખબર પડશે કે મોબાઇલ ‘હૅક’ થયો છે!, તેમાં ‘અદૃશ્ય જાસૂસ’ જેવો કોઈ સ્પાયવેર છે કે કેમ? અને તેનાથી કેવી રીતે બચવું?

સ્પાયવેર એ જોખમી સોફ્ટવેર છે

સ્પાયવેર એ એક એવું જોખમી સોફ્ટવેર છે જે વપરાશકર્તાની જાણ બહાર મોબાઈલ કે કોમ્પ્યૂટરમાં ઇન્સ્ટોલ થઈ તમારી અંગત વિગતો ચોરી શકે છે. આ એક પ્રકારનું જાસૂસી સોફ્ટવેર છે. જે એકવાર સિસ્ટમમાં ઘૂસી ગયા બાદ યુઝરની ઈન્ટરનેટ ગતિવિધિ, કીબોર્ડ ટેક્સ્ટ (પાસવર્ડ વગેરે), લાઈવ લોકેશન, સોશિયલ મીડિયાની માહિતી અને સૌથી જોખમી એવી બૅંક ડિટેલ્સ પણ જાણી લે છે. જેનાથી કોઈ પણ વ્યક્તિની ગોપનીયતા જોખમાઈ શકે છે. સ્પાયવેરના મુખ્ય પ્રકારોમાં એડવેર, ટ્રોજન, ટ્રેકિંગ કૂકીઝ અને સિસ્ટમ મોનિટરનો સમાવેશ થાય છે.

ઓનલાઇન છેતરપિંડીના કિસ્સામાં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન છે

મોબાઈલમાં રહેલા સ્પાયવેરને શોધવા માટે ‘Anti Spy Detector’ અને ‘M-Kavach 2’ જેવી વિશ્વસનીય એપ્લિકેશન્સનો ઉપયોગ કરવાની સલાહ પણ સાયબર તજ્જ્ઞો આપે છે.આમ છતાં, જ્યારે એવું લાગે કે ફોન હૅક થયો છે, કોમ્પ્યૂટરમાં સ્પાયવેર છે અથવા કોઈ પણ ઓનલાઇન છેતરપિંડીના કિસ્સામાં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ‘1930’ અથવા www.cybercrime.gov.in પર ઓનલાઇન ફરિયાદ કરી શકાય છે.

કેવી રીતે ખબર પડે કે ફોન હેક થયો છે?

* ફોનનું સામાન્ય કરતાં વધુ ગરમ થવું.

* બેટરી ઝડપથી ઊતરી જવી.

* કોલ દરમિયાન વિચિત્ર અવાજો સંભળાવા.

* ફોન અચાનક રિ-સ્ટાર્ટ (Restart) થવો.

* અજાણ્યા અને વિચિત્ર લખાણવાળા મેસેજ આવવા.

* ડેટાનો વપરાશ અચાનક વધી જવો.

* વારંવાર પોપ-અપ વિન્ડોઝ ખૂલવી.

* એપ્લિકેશન્સ આપમેળે ઇન્સ્ટોલ કે ડિલીટ થવી.

ડિજિટલ સુરક્ષા માટે આ સુવર્ણ નિયમો જાણી લો

* ફોનમાં કે કોમ્પ્યૂટરમાં હંમેશાં ઑથેન્ટિક એન્ટિ-સ્પાયવેર સોફ્ટવેર વાપરો અને સોફ્ટવેર અપડેટ રાખો.

* અજાણી લિંક્સ, શોર્ટ URL (bitly) કે શંકાસ્પદ પોપ-અપ કે જાહેરાતો પર ક્લિક ન કરો.

* દર છ મહિનામાં એકવાર ફોન ફેક્ટરી રિસેટ કરવો હિતાવહ છે.

* માત્ર પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી જ એપ્સ ડાઉનલોડ કરો.

* એકાઉન્ટ સુરક્ષા માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન અનિવાર્યપણે સક્રીય કરો.

* બિનજરૂરી બ્લૂટૂથ, વાઇફાઇ અને ડેટા ચાલુ ન રાખવો.

આ પણ વાંચો : Banaskantha News : બનાસકાંઠામાં ફિલ્મી ગીતોના તાલે અને નોટોના વરસાદ સાથે લગ્નમાં ફાયરિંગનો વીડિયો વાયરલ