TRAI New Rules: AI to Detect Spam Calls and Robocalls in India | Gujarati News

Last Updated: September 19, 2026By

જો તમે પણ દિવસ-રાત આવતા અનિચ્છનીય સ્પામ અને ફેક કોલ્સથી પરેશાન છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. ભારતીય ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)એ સ્પામ કોલ્સ અને મેસેજ પર રોક લગાવવા માટે નિયમોને વધુ કડક બનાવ્યા છે. નવા નિયમો હેઠળ શંકાસ્પદ નંબર અને રોબોકોલ્સ પર નજર રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની મદદ લેવામાં આવશે.

ટ્રાઈના સુધારેલા નિયમો મુજબ સોફ્ટવેર અથવા ઓટો-ડાયલિંગ દ્વારા કરવામાં આવતા એપ્લિકેશન-ટુ-પર્સન એટલે કે A2P કોલ્સ અને રોબોકોલ્સની કડક દેખરેખ રાખવામાં આવશે. આવી કોલ્સ માટે ટેલિકોમ કંપનીઓએ અગાઉથી માહિતી આપવી પડશે. જો જરૂરી જાહેરાત કર્યા વગર આવી કોલ્સ કરવામાં આવશે તો તેને સ્પામ તરીકે ગણવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં સંબંધિત કોલ્સ પર પ્રતિ મિનિટ પાંચ પૈસા સુધીનો ટર્મિનેશન ચાર્જ લગાવવામાં આવી શકે છે.

AIથી થશે શંકાસ્પદ સ્પામર્સની ઓળખ

નવા નિયમોમાં સ્પામ કોલ્સની ઓળખ માટે ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવશે. જો કોઈ નંબર સામે દસ દિવસની અંદર ત્રણ કે તેથી વધુ ફરિયાદો મળે અને ટેલિકોમ કંપનીની AI સિસ્ટમ પણ તેને શંકાસ્પદ માને, તો તેના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી થઈ શકે છે.

જો દસ દિવસની અંદર પાંચ કે તેથી વધુ શંકાસ્પદ નંબર મળી આવે તો રી-કેવાયસી અને ભૌતિક ચકાસણી કરાવવામાં આવી શકે છે. વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનારા ગ્રાહકોના કનેક્શન સંપૂર્ણપણે બંધ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારા ટેલિમાર્કેટર્સને એક વર્ષ સુધી બ્લેકલિસ્ટ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

ગ્રાહકો અને જરૂરી કોલ્સનું પણ ધ્યાન

નવા નિયમોમાં જરૂરી સેવાઓ અને ગ્રાહકોની સુવિધાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. 1600, 1601 અને 140 નંબર સિરીઝને કોલ મેનેજમેન્ટ એપ્સ પોતાની રીતે સીધી રીતે બ્લોક કરી શકશે નહીં. જોકે, ગ્રાહક પોતાની જરૂરિયાત મુજબ આવા નંબરોને ફિલ્ટર કરી શકશે.

જો કોઈ ગ્રાહકે કોઈ પ્રોડક્ટ અથવા સેવા અંગે કંપની પાસે પૂછપરછ કરી હોય, તો કંપની મહત્તમ સાત દિવસ સુધી તે ગ્રાહકનો સંપર્ક કરી શકશે. આવા સંપર્કનો રેકોર્ડ રાખવો પણ ફરજિયાત રહેશે.

સ્પામ અંગે કરેલી ફરિયાદના નિરાકરણથી જો ગ્રાહક સંતુષ્ટ ન હોય, તો તેને અપીલ કરવાની તક પણ આપવામાં આવી છે. ફરિયાદના ઉકેલથી અસંતોષ હોય તો ગ્રાહક પંદર દિવસની અંદર અપીલ કરી શકે છે.

ટ્રાઈના જણાવ્યા મુજબ, આ કડક નિયમોનો મુખ્ય હેતુ ગ્રાહકોને સતત આવતા અનિચ્છનીય કોલ્સ અને મેસેજથી થતી પરેશાની ઘટાડવાનો છે. સાથે જ ટેલિકોમ વ્યવસ્થામાં પારદર્શિતા વધારવા અને લોકોનો વિશ્વાસ મજબૂત કરવાનો પણ પ્રયાસ છે. નવી વ્યવસ્થામાં AI અને ML જેવી ટેક્નોલોજીની મદદથી શંકાસ્પદ પ્રવૃત્તિઓની ઓળખ કરીને સ્પામર્સ સામે ઝડપી કાર્યવાહી કરવાની દિશામાં પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો: Weather Update: ચોમાસાની વિદાય પહેલાં ફરી તોફાની માહોલ, અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ