Trump & PM Modi Phone Call; India-US Relations Discussed

Last Updated: February 2, 2026By

નવી દિલ્હી23 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અમેરિકાએ ભારત પર લગાવેલા 25% રેસિપ્રોકલ (જેવા સાથે તેવા) ટેરિફને 7% ઘટાડીને 18% કરી દીધો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે સોશિયલ મીડિયા ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને આ વિશે જાણકારી આપી હતી.

હવે ભારત પર કુલ 43% ટેરિફ લાગશે. આ અગાઉ ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ટ્વિટ કરીને પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે વાતચીત થઈ હોવાની જાણકારી આપી હતી. જોકે, રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ભારત પર જે વધારાનો 25% ટેરિફ લગાવવામાં આવ્યો હતો, તેને હટાવવા અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

અમેરિકાએ ઓગસ્ટ 2025માં ભારત પર બે વાર ટેરિફ લગાવ્યો હતો. પહેલીવાર 1 ઓગસ્ટે વ્યાપાર ખાધને લઈને 25% ટેરિફ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 27 ઓગસ્ટે રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે 25% એક્સ્ટ્રા ટેરિફ લગાવ્યો હતો. આ રીતે ભારત પર કુલ 50% ટેરિફ લાગી રહ્યો હતો, જે હવે ઘટીને 43% થઈ ગયો છે.

ટ્રમ્પ બોલ્યા- ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે અને અમેરિકા પાસેથી ખરીદશે

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું- આજે સવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવી મારા માટે સન્માનની વાત હતી. તેઓ મારા ખૂબ જ સારા મિત્ર છે અને પોતાના દેશના એક મજબૂત અને સન્માનિત નેતા છે.

ટ્રમ્પે લખ્યું-

QuoteImage

અમારી વાતચીત અનેક મુદ્દાઓ પર થઈ, જેમાં વ્યાપાર અને રશિયા-યુક્રેન યુદ્ધને ખતમ કરવાના વિષયનો પણ સમાવેશ થાય છે. તેમણે રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા અને અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદવા પર સંમતિ દર્શાવી છે. જરૂર પડશે તો તેઓ વેનેઝુએલા પાસેથી પણ તેલ ખરીદશે. આનાથી યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવામાં મદદ મળશે, જ્યાં દર અઠવાડિયે હજારો લોકો માર્યા જઈ રહ્યા છે.

QuoteImage

અમેરિકી રાષ્ટ્રપતિએ આગળ લખ્યું- વડાપ્રધાન મોદી સાથેની મિત્રતા અને સન્માનના નાતે, અને તેમની વિનંતી પર, અમેરિકા અને ભારત વચ્ચે તરત જ એક વ્યાપાર સમજૂતી થઈ છે.

આ અંતર્ગત અમેરિકા ભારત પર લાગતો રેસિપ્રોકલ ટેરિફ 25%થી ઘટાડીને 18% કરશે. બીજી તરફ ભારત અમેરિકા સામેના પોતાના ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને શૂન્ય કરવાની દિશામાં આગળ વધશે.

વડાપ્રધાન મોદીએ “બાય અમેરિકન” એટલે કે અમેરિકા પાસેથી વધુ ખરીદી કરવાનું પણ વચન આપ્યું છે. આ ઉપરાંત ભારત અમેરિકા પાસેથી 500 અબજ ડોલરથી વધુની ઉર્જા, ટેકનોલોજી, કૃષિ, કોલસો અને અન્ય ઉત્પાદનો ખરીદશે.

ભારત સાથેના અમારા સંબંધો આગળ જતાં વધુ મજબૂત થશે. વડાપ્રધાન મોદી અને હું બંને એવા લોકો છીએ જે કામ કરીને બતાવે છે. આ વિષય પર ધ્યાન આપવા બદલ આભાર.

ટ્રમ્પે ઈન્ડિયા ગેટ અને મોદી સાથેનો ફોટો શેર કર્યો

ટ્રમ્પે આજે જ પોતાના સોશિયલ મીડિયા ‘ટ્રુથ સોશિયલ’ પર ભારત સાથે જોડાયેલી બે તસવીરો પોસ્ટ કરી હતી. એકમાં તેમણે ઈન્ડિયા ગેટનો ફોટો શેર કર્યો હતો, જ્યારે બીજામાં પીએમ મોદી સાથે એક મેગેઝિનનું કવર શેર કર્યું હતું.

ઈન્ડિયા ગેટ સુંદર છે, અમારો ગેટ સૌથી શ્રેષ્ઠ હશે

ટ્રમ્પે ઈન્ડિયા ગેટની તસવીર શેર કરતા લખ્યું કે ભારતનો ટ્રાયમ્ફલ આર્ચ (ઈન્ડિયા ગેટ) ખૂબ સુંદર છે. અમારો ગેટ આ બધામાં સૌથી શાનદાર હશે!

ખરેખર, ટ્રમ્પ રાજધાની વોશિંગ્ટન ડીસીમાં પોતાના નામથી એક વિશાળ દરવાજો બનાવવાનું આયોજન કરી રહ્યા છે. આ સ્મારકને ‘આર્ક ડી ટ્રમ્પ’ નામ આપવામાં આવ્યું છે. તેનો ઉપયોગ વર્જિનિયા રાજ્યમાંથી રાજધાનીમાં પ્રવેશ માટે કરવામાં આવશે.

તેની ડિઝાઇન પેરિસના આર્ક ડી ટ્રાયમ્ફ જેવી જ છે. વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ થોડા મહિના પહેલા CNNને જણાવ્યું હતું કે આ આર્કનો વિચાર ખુદ ટ્રમ્પનો હતો. ટ્રમ્પ આ આર્કની ડિઝાઇન બનાવવાની પ્રક્રિયામાં પણ સામેલ રહ્યા હતા.

ટ્રમ્પે પીએમ મોદી સાથેની જે મેગેઝિન કવરની તસવીર શેર કરી છે, તે ‘ઈન્ડિયા ટુડે’ મેગેઝિનનું સ્પેશિયલ એડિશન છે.

ટ્રમ્પે પીએમ મોદી સાથેની જે મેગેઝિન કવરની તસવીર શેર કરી છે, તે ‘ઈન્ડિયા ટુડે’ મેગેઝિનનું સ્પેશિયલ એડિશન છે.

ટ્રમ્પ અને મોદીએ 13 મહિનામાં 7 વખત ફોન પર વાત કરી

પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે આજ પહેલા ડિસેમ્બરમાં ફોન પર વાતચીત થઈ હતી. ત્યારે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી શેર કરી હતી. મોદીએ કહ્યું હતું કે તેમની વાતચીત ઉષ્માભરી અને સકારાત્મક રહી હતી.

તેમણે જણાવ્યું હતું કે બંને નેતાઓએ બંને દેશોના સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. સાથે જ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકા વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મળીને કામ કરતા રહેશે.

વાતચીતમાં બંને દેશો વચ્ચે વેપાર વધારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ મહત્વની ટેકનોલોજી, ઉર્જા, સંરક્ષણ અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં ભાગીદારીને આગળ વધારવા પર પણ સહમતિ બની હતી.

ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી તેમની અને પીએમ મોદીની અત્યાર સુધીમાં 7 વખત ફોન પર વાતચીત થઈ ચૂકી છે. સૌથી પહેલા 27 જાન્યુઆરી 2025ના રોજ પીએમ મોદીએ ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો.

22 એપ્રિલે ટ્રમ્પે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ મોદીને ફોન કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. ત્યારબાદ 17 જૂને ટ્રમ્પે મોદીને આમંત્રણ આપવા માટે, 17 સપ્ટેમ્બરે જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે અને 21 ઓક્ટોબરે દિવાળીની શુભકામનાઓ આપવા માટે ફોન કર્યો હતો. ત્યારબાદ 11 ડિસેમ્બરે બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી.

ટ્રમ્પે ગઈકાલે કહ્યું હતું- ભારત ઈરાનની જગ્યાએ વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે

ટ્રમ્પે ગઈકાલે જ ભારતને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત હવે ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાને બદલે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારતે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાનો સોદો કરી લીધો છે.

આ નિવેદન ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીથી એર ફોર્સ વનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન આપ્યું હતું. જોકે, ભારત સરકાર તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.

ટ્રમ્પે ગઈકાલે કહ્યું હતું, “અમે પહેલાથી જ એક ડીલ કરી લીધી છે. ભારત વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે, ઈરાન પાસેથી નહીં.”

તેમણે એમ પણ કહ્યું કે ભારત સાથે આ સોદાનો કોન્સેપ્ટ નક્કી થઈ ચૂક્યો છે. ટ્રમ્પના મતે, ચીન પણ જો ઈચ્છે તો વેનેઝુએલા પાસેથી તેલ ખરીદી શકે છે. વાંચો પૂરા સમાચાર…

—————–

આ સમાચાર પણ વાંચો…

‘મોદી મારા સારા મિત્ર છે, પણ મારાથી ખુશ નથી’:ટ્રમ્પ બોલ્યા- ભારત પર 50% ટેરિફ આનું કારણ; દાવો- મોદી મળવા આવ્યા, પૂછ્યું- સર શું હું તમને મળી શકું?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદી તેમનાથી વધારે ખુશ નથી, કારણ કે વોશિંગ્ટને રશિયન તેલ ખરીદવાને કારણે દિલ્હી પર 50% ટેરિફ લગાવ્યો છે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, ટ્રમ્પે આ વાત મંગળવારે વોશિંગ્ટનમાં હાઉસ રિપબ્લિકન પાર્ટીના સભ્યોની બેઠકમાં કહી. વાંચો પૂરા સમાચાર…

Leave A Comment