Trump Iran Hormuz Strait Controversy; Map Post Sparks Misunderstanding
વોશિંગ્ટન ડીસી4 કલાક પેહલા
- કૉપી લિંક
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને અમેરિકાનો ભાગ ગણાવતા સોશિયલ મીડિયા પર મેપ પોસ્ટ કર્યો છે. ટ્રમ્પની પોસ્ટ બાદ ઈરાનના ઉપ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને અમેરિકાનો ભાગ ગણાવવો માત્ર એક ગેરસમજ છે.
તેમણે કટાક્ષ કરતા કહ્યું કે ટ્રમ્પને જલ્દી જ સમજાઈ જશે કે આ સમુદ્રી માર્ગ પર અમેરિકાનો કોઈ અધિકાર નથી.
ટ્રમ્પે નકશામાં શું દર્શાવ્યું?
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક ગ્રાફિક પોસ્ટ કર્યું, જેના પર ‘નવું અમેરિકી ક્ષેત્ર’ લખેલું હતું. આ નકશામાં હોર્મુઝ સ્ટ્રેટ અને તેની આસપાસનો દરિયાઈ વિસ્તાર દર્શાવવામાં આવ્યો હતો. તેમાં ઈરાન, ઓમાન અને UAEના ભાગો પણ દેખાઈ રહ્યા હતા.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ મેપ શેર કર્યો.
ટ્રમ્પના કહેવાથી હોર્મુઝ અમેરિકાનો ભાગ બની જશે?
સીધો જવાબ છે- ના. હોર્મુઝ સ્ટ્રેટ ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો એક આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ છે. આ માર્ગ પરથી દુનિયાના અનેક દેશોના ઓઈલ અને ગેસ ભરેલા જહાજો પસાર થાય છે. તેથી, તેના પર ફક્ત કોઈ એક દેશનો અધિકાર નથી હોતો.
આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ, તમામ દેશોના જહાજોને આ માર્ગ પરથી અવરજવર કરવાનો અધિકાર છે. આ જ કારણોસર, કોઈ પણ દેશ ફક્ત પોતાના દમ પર આ દરિયાઈ માર્ગ પર કબજાનો દાવો કરી શકતો નથી.
તેથી ટ્રમ્પનો નકશો રાજકીય દાવો અથવા સંદેશ માની શકાય છે, પરંતુ તેનાથી અમેરિકાને હોર્મુઝ સ્ટ્રેટ પર આપમેળે કોઈ નવો કાનૂની અધિકાર મળી જતો નથી.
ઈરાની મંત્રીએ ટ્રમ્પને જૂના નિવેદનની યાદ અપાવી
ગરીબાબાદીએ ટ્રમ્પને તેમના જૂના નિવેદનની પણ યાદ અપાવી. થોડા મહિના પહેલા ટ્રમ્પે ‘પર્શિયન ગલ્ફ’નું નામ બદલીને ‘અરબ ગલ્ફ’ રાખવાનું સૂચન કર્યું હતું. તેના પર ઈરાને સખત વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ નામ સદીઓથી ‘પર્શિયન ગલ્ફ’ જ છે.
હવે ટ્રમ્પે પોતાની પોસ્ટમાં ‘પર્શિયન ગલ્ફ’ શબ્દનો ઉપયોગ કર્યો. તેના પર કટાક્ષ કરતા ગરીબાબાદીએ કહ્યું કે જ્યારે ટ્રમ્પે આ વખતે સાચા નામનો ઉપયોગ કર્યો છે, તો આશા છે કે તેમને એ પણ સમજાઈ જશે કે હોર્મુઝ સ્ટ્રેટ અમેરિકાનો વિસ્તાર નથી.
ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ (2017)માં ઈરાન પર ભાષણ આપતી વખતે પહેલીવાર પર્શિયન ગલ્ફને અરબ ગલ્ફ કહ્યું હતું. ઈરાનમાં તેને રાષ્ટ્રીય ઓળખનો મુદ્દો માનવામાં આવે છે, તેથી તેના પર ઘણો વિવાદ થયો હતો.
70 વર્ષ પહેલાં ‘ફારસનો અખાત’ નામને લઈને વિવાદ શરૂ થયો
ઈરાન અને સાઉદી વચ્ચેના અખાતને અઢી હજાર વર્ષથી પણ વધુ સમયથી ‘ફારસના અખાત’ના નામથી ઓળખવામાં આવે છે. પ્રાચીન ગ્રીક ખગોળશાસ્ત્રી ટોલેમીના લેખોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. રોમન સામ્રાજ્ય, આરબ ઇતિહાસકારોના લેખો અને યુરોપિયન નકશાઓમાં પણ સદીઓ સુધી આ જ નામનો ઉપયોગ થતો રહ્યો.
1950ના દાયકામાં આ નામ વિવાદનો વિષય બન્યું. 1955માં બહેરીનમાં બ્રિટિશ સલાહકાર સર ચાર્લ્સ બેલગ્રેવે પ્રથમ વખત તેમના લેખોમાં ‘અરેબિયન ગલ્ફ’ (અરબનો અખાત) શબ્દનો ઉપયોગ કર્યો.
1960ના દાયકામાં આરબ રાષ્ટ્રવાદ (પાન-અરબિઝમ)ના ઉદય સાથે આ વિવાદ વધુ વકર્યો. ઇજિપ્તના રાષ્ટ્રપતિ ગમાલ અબ્દેલ નાસિર અને ઘણા આરબ દેશોએ રાજકીય અને સાંસ્કૃતિક કારણોસર ‘ફારસના અખાત’ને બદલે ‘અરેબિયન ગલ્ફ’ કહેવાનું શરૂ કર્યું.
રસપ્રદ વાત એ છે કે આ પહેલાં ઘણા આરબ દેશોના સરકારી દસ્તાવેજો, શાળાના પુસ્તકો અને નકશાઓમાં પણ ‘ફારસનો અખાત’ જ લખવામાં આવતો હતો.
1970ના દાયકા પછી સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), કુવૈત, બહેરીન, કતારમાં ‘અરેબિયન ગલ્ફ’નો ઉપયોગ સામાન્ય બની ગયો. ઈરાન ત્યારથી તેનો વિરોધ કરી રહ્યું છે. ઈરાનનું કહેવું છે કે આ નામ ઇતિહાસ અને આંતરરાષ્ટ્રીય ધોરણોની વિરુદ્ધ છે.
UNએ કહ્યું અરબની ખાડી નામ યોગ્ય નથી
સંયુક્ત રાષ્ટ્ર સહિત મોટાભાગની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આજે પણ આ જ નામને સત્તાવાર માને છે. 2002માં સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું હતું કે અરબની ખાડી નામ યોગ્ય નથી. આંતરરાષ્ટ્રીય જળ સર્વેક્ષણ સંગઠન (IHO) અને વિશ્વના મોટાભાગના એટલાસ અને નકશા પણ આ જ નામને માન્યતા આપે છે.
આ વિવાદ 2017માં ફરીથી ચર્ચામાં આવ્યો, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પોતાની નીતિની જાહેરાત કરતા પ્રથમ વખત ‘ફારસની ખાડી’ના બદલે ‘અરબની ખાડી’ શબ્દનો ઉપયોગ કર્યો.
ઈરાનમાં તેને રાષ્ટ્રીય ઓળખનો મુદ્દો માનવામાં આવે છે, તેથી તેના પર ખૂબ વિવાદ થયો હતો. તત્કાલીન રાષ્ટ્રપતિ હસન રુહાનીએ ટ્રમ્પને કહ્યું હતું કે તેમણે ભૂગોળનો અભ્યાસ કરવો જોઈએ.
ઈરાન બોલ્યું- શરતો પૂરી ન થાય ત્યાં સુધી હોર્મુઝ નહીં ખુલે
ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફે મંગળવારે જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ ત્યાં સુધી બંધ રહેશે, જ્યાં સુધી અમેરિકા તેની નૌકાદળની નાકાબંધી હટાવતું નથી અને સમજૂતી કરારમાં કરાયેલા વચનોનો અમલ કરતું નથી.
સરકારી ટેલિવિઝન પર પ્રસારિત પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે તેહરાન પોતાના વલણથી પીછેહઠ નહીં કરે અને અમેરિકી શરતોને બદલે પોતાના દેશના હિતો મુજબ નિર્ણય લેશે.

ઓમાનને પણ આપી ચૂક્યા છે ધમકી
આ પહેલા ટ્રમ્પે સોમવારે ઓમાન પર બોમ્બમારો કરવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે જો ઓમાન, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં અવરોધ બનશે, તો અમેરિકા તેના પર ‘બોમ્બમારો કરશે’.
જોકે, ટ્રમ્પે એ જણાવ્યું ન હતું કે ઓમાને એવું શું કર્યું હતું જેને તેઓ અવરોધ માની રહ્યા છે. ઓમાન લાંબા સમયથી પોતાને આ સંઘર્ષમાં તટસ્થ દેશ ગણાવતો રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતમાં પણ તે મધ્યસ્થીની ભૂમિકા ભજવતો રહ્યો છે.
ટ્રમ્પનું નિવેદન એટલા માટે પણ મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ પહેલીવાર છે જ્યારે તેમણે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહેલા ઓમાનને સીધી સૈન્ય કાર્યવાહીની ધમકી આપી છે.
——————————-
આ સમાચાર પણ વાંચો:
ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી, માત્ર 33% લોકોની જ પસંદ:ઈરાન યુદ્ધના કારણે ઘટાડો આવ્યો; 80% અમેરિકી બોલ્યા- યુદ્ધ હજુ લાંબુ ચાલશે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા ઈરાન યુદ્ધ વચ્ચે સતત ઘટી રહી છે. રોયટર્સ/ઇપસોસના તાજા સર્વેમાં માત્ર 33% અમેરિકનોએ ટ્રમ્પના કામકાજને મંજૂરી આપી. જ્યારે 64% લોકોએ તેમના કામકાજને નાપસંદ કર્યું. આ ટ્રમ્પના વર્તમાન રાષ્ટ્રપતિ કાર્યકાળની સૌથી ઓછી એપ્રુવલ રેટિંગ છે.
આ પહેલા આ જ મહિને થયેલા સર્વેમાં ટ્રમ્પની એપ્રુવલ રેટિંગ 35% હતી. વર્તમાન 33%ની રેટિંગ તેમના પહેલા કાર્યકાળના ડિસેમ્બર 2017માં નોંધાયેલા સૌથી નીચલા સ્તર બરાબર છે. સર્વેમાં 80% અમેરિકનોએ કહ્યું કે ઈરાન સાથે અમેરિકાનું યુદ્ધ લાંબા સમય સુધી ચાલી શકે છે. આમાં 87% ડેમોક્રેટ અને 71% રિપબ્લિકન શામેલ છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



