Trump Renames AI as Super Intelligence: Know Why | Gujarati News

Last Updated: September 30, 2026By

અમેરિકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરીને સંઘીય સરકારના સત્તાવાર કામકાજમાં Artificial Intelligence અને AIના બદલે Super Intelligence અને SI શબ્દનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ 30 સપ્ટેમ્બર 2026ના રોજ સામે આવ્યો હતો.

ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે આજની AI ટેક્નોલોજી જૂના સંદર્ભથી ઘણી આગળ વધી ગઈ છે. લગભગ 70 વર્ષ પહેલાં પ્રચલિત થયેલો Artificial Intelligence શબ્દ આજની અત્યાધુનિક ટેક્નોલોજીની ક્ષમતાઓને સંપૂર્ણ રીતે દર્શાવતો નથી. નવા આદેશ અનુસાર અદ્યતન પ્રણાલીઓ માનવીની ક્ષમતાઓ વધારવામાં, નવી પ્રકારની સર્જનાત્મકતાને સક્ષમ બનાવવામાં તેમજ વિજ્ઞાન અને તબીબી ક્ષેત્ર સહિત અનેક ક્ષેત્રોમાં એવા કામ કરવામાં મદદ કરી રહી છે, જે અગાઉ મુશ્કેલ માનવામાં આવતા હતા.

ટ્રમ્પે પોતે Artificial શબ્દ સામે સવાલ ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે આ શબ્દથી બુદ્ધિમત્તા કંઈક બનાવટી જેવી લાગે છે, જ્યારે તેમના મતે આ ટેક્નોલોજી વાસ્તવિક અને અત્યંત શક્તિશાળી છે. સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના સંબોધન દરમિયાન પણ તેમણે આ જ તર્કના આધારે Super Intelligence નામનો ઉપયોગ કરવાની વાત કરી હતી.

ટ્રમ્પે AIને ઇન્ટરનેટ કરતાં પણ મોટી ટેક્નોલોજી ગણાવી

ટ્રમ્પે AI એટલે કે હવે SIને ભવિષ્યની અત્યંત પ્રભાવશાળી ટેક્નોલોજી ગણાવી છે. તેમણે કહ્યું છે કે આ ટેક્નોલોજી ઇન્ટરનેટ અને ઔદ્યોગિક ક્રાંતિ કરતાં પણ મોટી સાબિત થઈ શકે છે. તેમના મતે જે દેશ આ ટેક્નોલોજીમાં આગળ રહેશે, તેને વૈશ્વિક સ્તરે વ્યૂહાત્મક લાભ મળી શકે છે.

વ્હાઇટ હાઉસમાં ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણી લોકો સાથે યોજાયેલી બેઠક બાદ પણ ટ્રમ્પે તેને અમેરિકા માટે ખૂબ મોટી તક ગણાવી હતી. આ બેઠકમાં એલન મસ્ક, માર્ક ઝકરબર્ગ, સુંદર પિચાઈ અને NVIDIAના જેન્સન હુઆંગ સહિત ટેક્નોલોજી ક્ષેત્રના અનેક અગ્રણી લોકો હાજર રહ્યા હતા.

શું હવે સમગ્ર દુનિયા AIને SI કહેશે?

હાલમાં એવું નથી. આ ફેરફાર મુખ્યત્વે અમેરિકાની સંઘીય સરકારના સત્તાવાર કામકાજ પૂરતો મર્યાદિત છે. આદેશ અનુસાર સરકારી પત્રવ્યવહાર, વેબસાઇટ, અહેવાલો, જાહેર સંચાર અને વહીવટી દસ્તાવેજોમાં Super Intelligence અને SI શબ્દનો ઉપયોગ કરવાનો રહેશે.

જોકે, જૂના નિયમો, સરકારી કરારો, અનુદાનો અને ઐતિહાસિક દસ્તાવેજોમાં અગાઉથી કરવામાં આવેલા ફેરફાર કરવાનો કોઈ નિર્દેશ આપવામાં આવ્યો નથી.

અમેરિકન પ્રશાસને હાલ Super Intelligence માટે AIની વર્તમાન કાયદાકીય વ્યાખ્યાને જ લાગુ કરી છે. સાથે જ વિજ્ઞાન અને ટેક્નોલોજી અંગેના રાષ્ટ્રપતિના સલાહકારને 60 દિવસની અંદર કોંગ્રેસ સમક્ષ નવી કાયદાકીય વ્યાખ્યા અને તેના સંબંધિત ફેરફારોનો પ્રસ્તાવ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.

Leave A Comment