Typhoid Diseas : જાણો ટાઈફોઇડ બીમારીમાં કયો ખોરાક લેવો જોઈએ

Last Updated: January 10, 2026By

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં હોસ્પિટલમાં ટાઈફોઈડના દર્દી વધ્યા છે. વધારે તાવ આવતો હોય, માથામાં સતત દુખાવો રહેતો અથવા શરીરમાં નબળાઈ લાગતી હોય તો સાવધાન થઈ જાવ. શરીરમાં દેખાતો આ લક્ષણો ટાઈફોઈડ બીમારીનો સંકેત છે. આ ઉપરાંત દર્દીને ભૂખ ઓછી લાગે છે અને પેટમાં દુખાવો, કબજિયાત અથવા ઝાડા થવાની સમસ્યા થાય છે. ટાઈફોઈડમાં પાચનતંત્ર નબળું પડી જાય છે. તેથી આ દર્દીએ એવો ખોરાક લેવો જોઈએ જે પચવામાં હલકો હોય અને શરીરને પૂરતી શક્તિ આપે.

ટાઈફોઈડના દર્દીએ આ ખોરાક ખાવો જોઈએ

આરોગ્ય નિષ્ણાતના મતે ટાઈફોઈડના દર્દીએ ખોરાકમાં ધ્યાન રાખવું જોઈએ. શરીરમાં પાણીની ઉણપ ન થાય તે માટે પુષ્કળ પ્રવાહી લેવું જોઈએ. પાણીને ઉકાળીને ઠંડુ કરીને જ પીવું. લીંબુ શરબત અને મોસંબી કે સંતરા જેવા ફળોનો તાજો રસ પીવો. તાવને કારણે શરીરમાં નબળાઈ આવે છે. ચોખા અને મગની દાળની નરમ ખીચડી ખાવાથી શરીરને જરૂરી કાર્બોહાઇડ્રેટ્સ મળશે અને શક્તિ વધશે. સાબુદાણાની કાંજી પચવામાં સરળ હોવાથી રાત્રિના સમયમાં તે ખાઈ શકો છો. દૂધી, તુરિયા કે ટીંડોળા જેવા શાકભાજીને બાફીને અથવા સૂપ બનાવીને પણ લઈ શકો છો. ફળોનો જયુસ પી શકતા ના હોવ તો સાંજના નાસ્તામાં કેળા, પપૈયું, સફરજન અને ચીકુનું સેવન કરી શકો છો. 

ટાઈફોઈડના દર્દીએ આટલું ધ્યાન રાખવું

દર્દીએ પોતાના આહારમાં આ બીમારી દરમિયાન મરચું, મસાલા અને તેલવાળો ખોરાક બિલકુલ ન લેવો. વધારે ફાઈબરવાળો ખોરાક ખાવાનું ટાળવું. કાચા શાકભાજી (સલાડ) અને આખા અનાજ પચવામાં ભારે પડે છે. એટલે તેનું સેવન કરવું જોઈએ નહીં. બહાર લારી-ગલ્લાનો ખોરાક કે વાસી ખોરાક બિલકુલ ના ખાવો જોઈએ. દેશી કે કાબુલી ચણા, વાલ કે વટાણા જેવા ભારે કઠોળ ન લેવા. થોડા-થોડા અંતરે નાનું ભોજન લેવું અને ડોક્ટર દ્વારા આપવામાં આવેલી દવાનો કોર્સ અધૂરો ન છોડવો.

આ પણ વાંચો : Lifestyle: કારમાં રાખેલી પાણીની બોટલની મુદત પૂર્ણ થયા બાદ પણ શું પાણી પીવું છે સલામત?

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )