UPI Transaction MDR & GST Rules Explained

Last Updated: September 20, 2026By

નવી દિલ્હી4 કલાક પેહલા

  • કૉપી લિંક

હાઈ-વેલ્યુ UPI ટ્રાન્ઝેક્શન પર 15 ઓક્ટોબર 2026થી નવો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR લાગુ થવા જઈ રહ્યો છે. સરકારના આ પગલા બાદ દુકાનદારો અને વેપારીઓના મનમાં ફી અને તેના પર લાગતા GSTને લઈને ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે.

જેમ કે- શું ગ્રાહકોના ખિસ્સા પર અસર પડશે? નાના દુકાનદારોનું શું થશે અને GSTની ગણતરી કેવી રીતે કરવામાં આવશે?

તમારા આવા તમામ સવાલોના જવાબ મેળવો…

સવાલ: 15 ઓક્ટોબરથી UPI પેમેન્ટના નિયમોમાં શું ફેરફાર થવા જઈ રહ્યો છે?

જવાબ: 15 ઓક્ટોબરથી ₹2,000થી વધુના પસંદગીના UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થશે. જોકે, આ ચાર્જ માત્ર વેપારીઓ એટલે કે મર્ચન્ટ્સે જ ચૂકવવો પડશે.

મોટાભાગના કિસ્સાઓમાં MDRનો દર 0.4% રાખવામાં આવ્યો છે, જેની મહત્તમ મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹300 નક્કી કરવામાં આવી છે. કેટલાક ખાસ સેક્ટર્સ માટે આ ફ્લેટ ₹5 અને કેપિટલ માર્કેટ ટ્રાન્ઝેક્શન માટે 0.02% રહેશે.

સવાલ: શું સામાન્ય ગ્રાહકોને UPIથી ચુકવણી કરવા પર કોઈ ચાર્જ ચૂકવવો પડશે?

જવાબ: ના, ગ્રાહકોએ કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. સામાન્ય લોકો વચ્ચે થતી પર્સન-ટુ-પર્સન (P2P) ચુકવણીઓ પહેલાંની જેમ સંપૂર્ણપણે મફત રહેશે. આ ઉપરાંત કોઈ દુકાન અથવા વેપારીને ₹2,000 સુધીની UPI ચુકવણી કરવા પર પણ કોઈ ચાર્જ લાગશે નહીં. સરકાર અનુસાર, લગભગ 96% પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) ટ્રાન્ઝેક્શન પર તેની કોઈ અસર નહીં પડે.

સવાલ: શું ₹2,000 અથવા સમગ્ર UPI ટ્રાન્ઝેક્શનની રકમ પર 18% GST લાગશે?

જવાબ: ના, 18% GST સમગ્ર UPI ચુકવણીની રકમ પર નહીં, પરંતુ માત્ર MDR તરીકે લેવામાં આવતી સર્વિસ ફી પર લાગશે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહક કોઈ મર્ચન્ટને ₹10,000ની ચુકવણી કરે અને તેના પર 0.4% એટલે કે ₹40નું MDR બને, તો 18% GST માત્ર આ ₹40 પર લાગશે (જે ₹7.20 થાય છે). આ રીતે વેપારીને કુલ ₹47.20નો પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડશે.

સવાલ: જો MDR ₹5ના ફ્લેટ દરે લાગતો હોય, તો GST કેટલો થશે?

જવાબ: જે ટ્રાન્ઝેક્શનમાં MDR ફ્લેટ ₹5 રાખવામાં આવ્યો છે, ત્યાં 18% GST મુજબ 90 પૈસાનો ટેક્સ થશે. આવા કિસ્સામાં વેપારીએ MDR અને GST મળીને કુલ ₹5.90ની ચુકવણી કરવી પડશે.

સવાલ: શું વેપારીઓ આ GSTનો ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરી શકે છે?

જવાબ: હા, જે બિઝનેસ GST હેઠળ રજિસ્ટર્ડ છે, તેઓ નિયમો અને શરતો અનુસાર MDR પર ચૂકવવામાં આવેલા GSTનો ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ક્લેમ કરી શકે છે. નિષ્ણાતોના મતે, રજિસ્ટર્ડ વેપારીઓ માટે આ GST કોઈ કાયમી કે વધારાનો ખર્ચ નહીં બને. જોકે, જે વ્યવસાયો GSTમાં રજિસ્ટર્ડ નથી, તેમના માટે આ એક વધારાનો ખર્ચ બની જશે.

સવાલ: નાના દુકાનદારો અને વેપારીઓ પર તેની શું અસર પડશે?

જવાબ: મોટા ભાગના નાના વેપારીઓ પર તેની કોઈ ખાસ અસર નહીં પડે. ઝીરો-MDR ફ્રેમવર્ક હેઠળ, જે નાના વેપારીઓ UPI QR કોડ દ્વારા મહિને ₹1 લાખ સુધીની ચુકવણી મેળવે છે, તેમના માટે MDR શૂન્ય જ રહેશે.

નાણાં મંત્રાલય અનુસાર, ₹40 લાખથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા 99% વેપારીઓના UPI ટ્રાન્ઝેક્શન ₹2,000થી ઓછા હોય છે અથવા તેઓ મહિને ₹1 લાખની મુક્તિ મર્યાદામાં આવે છે.

સવાલ: શું ₹40 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા કોઈ વેપારી પર પણ MDR લાગી શકે છે?

જવાબ: હા, કેટલાક કિસ્સામાં હોઈ શકે છે. જો કોઈ અનરજિસ્ટર્ડ વેપારીનું વાર્ષિક ટર્નઓવર ભલે ₹40 લાખથી ઓછું હોય, પરંતુ તેને મહિને ₹1 લાખથી વધુની UPI ચુકવણી મળી રહી હોય, તો તેને સ્મોલ મર્ચન્ટની છૂટ મળશે નહીં.

આવી સ્થિતિમાં ₹2,000થી વધુની ચુકવણી પર તેને MDR અને GST ચૂકવવો પડશે. અધિકારીઓનું કહેવું છે કે આવા વેપારીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે અને આ મુદ્દો GST કાઉન્સિલ સમક્ષ પણ ઉઠાવવામાં આવી શકે છે.

સવાલ: શું દુકાનો અથવા વેપારીઓ MDRનો ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલ કરી શકે છે?

જવાબ: બિલકુલ નહીં. સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે મર્ચન્ટ આ MDR ચાર્જ ગ્રાહકો પર ટ્રાન્સફર કરી શકતા નથી. બેંકો અને પેમેન્ટ પ્રોવાઇડર્સને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ સુનિશ્ચિત કરે કે વેપારીઓ ગ્રાહકો પાસેથી અલગથી કોઈ વધારાનો ચાર્જ વસૂલ ન કરે.

સવાલ: કંપનીઓ અને દુકાનદારોએ પોતાના ખાતાઓમાં તેની એન્ટ્રી કેવી રીતે કરવી જોઈએ?

જવાબ: નિષ્ણાતોની સલાહ છે કે બિઝનેસોએ પોતાના UPI પેમેન્ટ્સનો હિસાબ રાખતી વખતે ચાર બાબતોને અલગ-અલગ જાળવવી જોઈએ…

  • ગ્રાહક પાસેથી મળેલી કુલ રકમ
  • MDRનો ખર્ચ
  • GST ઇનપુટ ક્રેડિટ
  • બેન્કમાંથી સેટલ થઈને આવેલી ચોખ્ખી રકમ

આ ઉપરાંત, બેન્કોના સેટલમેન્ટ રિપોર્ટને પોતાના બેન્ક સ્ટેટમેન્ટ અને GST પોર્ટલ્સ (GSTR-2B) સાથે નિયમિત રીતે મેળવતા રહેવું જોઈએ.

જાણો શું છે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ

મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR, આ તે ફી છે જે કોઈ વેપારી અથવા દુકાનદાર ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા ડિજિટલ પેમેન્ટની સુવિધા (પોઈન્ટ ઓફ સેલ મશીન અથવા પેમેન્ટ ગેટવે)નો ઉપયોગ કરવા બદલ બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને આપે છે.

———————————-

આ સમાચાર પણ વાંચો:

સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચ પહેલાં સારા સમાચાર:CGHS સ્કીમના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર, જાણો કેવી રીતે મળશે લાભ

8મા પગાર પંચની ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે મોટા અને રાહતભર્યા સમાચાર આવ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ (CGHS)ના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કરતા 5 કિલોમીટરની ભૌગોલિક મર્યાદાની શરત સંપૂર્ણપણે દૂર કરી દીધી છે.

મંત્રાલયના EHS વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ, હવે કેન્દ્રીય કર્મચારીઓ દેશમાં ક્યાંય પણ નિયુક્ત હોય અથવા રહેતા હોય, તેઓ CGHS હેલ્થ સુવિધાનો લાભ લઈ શકશે. સરકારનો આ નવો નિયમ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર…