US Allow India Buy Venezuela Oil Update; Trump Administration Permit Crude Trade | અમેરિકા વેનેઝુએલાનું તેલ ભારતને વેચશે: ટ્રમ્પની મોટી ઓઈલ કંપનીઓના અધિકારીઓ સાથે મુલાકાત, રિલાયન્સ પણ તેલ ખરીદવા કતારમાં લાગી
વોશિંગ્ટન ડીસી13 કલાક પેહલા
- કૉપી લિંક
ટ્રમ્પ વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારી અનુસાર, અમેરિકા ભારતને તેની દેખરેખ હેઠળ વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાની મંજૂરી આપવા તૈયાર છે. મીડિયા રિપોર્ટ અનુસાર, એેનાથી અમેરિકી પ્રતિબંધોને કારણે અટકેલો વેપાર ફરી શરૂ થઈ શકે છે.
તેમણે જણાવ્યું હતું કે અમેરિકા ભારતની વિશાળ અને વધતી ઊર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ફરી શરૂ કરવાની મંજૂરી આપવા તૈયાર છે. બાકીની વિગતો પર હજુ કામ ચાલી રહ્યું છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, ભારતની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ અમેરિકા પાસેથી વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની મંજૂરી માગવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.
બીજી તરફ ટ્રમ્પે શુક્રવારે વ્હાઇટ હાઉસમાં વિશ્વની મોટી તેલ કંપનીઓના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી. અહીં તેમણે વેનેઝુએલાના તેલક્ષેત્રમાં લગભગ 9 લાખ કરોડ રૂપિયાના રોકાણની વાત કરી.
અમેરિકી ઊર્જામંત્રી- વેનેઝુએલાનું તેલ તમામ દેશોને વેચવા માટે તૈયાર છે
અમેરિકી ઊર્જામંત્રી ક્રિસ્ટોફર રાઈટે તાજેતરમાં કહ્યું હતું કે અમેરિકા હવે વેનેઝુએલાનું તેલ લગભગ તમામ દેશોને વેચવા માટે તૈયાર છે, પરંતુ આ બધું અમેરિકી સરકારના નિયંત્રણમાં રહેશે. તેમણે ફોક્સ બિઝનેસને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘અમે તેલને ફરીથી દુનિયા માટે ખોલી રહ્યા છીએ, પરંતુ એને અમેરિકી સરકાર વેચશે અને તેનો નફો અમેરિકી સરકારના ખાતામાં આવશે.’
અમેરિકા નક્કી કરશે કઈ કંપનીઓ વેનેઝુએલા જશે
ટ્રમ્પે એક્સોન મોબીલ, કોનોકોફિલિપ્સ, શેવરોન જેવી મોટી અમેરિકી કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક કરી. તેમણે કહ્યું હતું કે અમેરિકા નક્કી કરશે કે કઈ કંપનીઓ વેનેઝુએલામાં જશે અને રોકાણ કરશે.
શેવરોનના વાઇસ-ચેરમેન માર્ક નેલ્સને કહ્યું હતું કે તેમની કંપની વેનેઝુએલામાં રોકાણ કરવા પ્રતિબદ્ધ છે અને એ હજુ પણ ત્યાં કામ કરી રહી છે. ઘણી નાની કંપનીઓ અને રોકાણકારો પણ બેઠકમાં સામેલ થયા, જેમણે ટ્રમ્પની નીતિઓની પ્રશંસા કરી અને રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી.
ટ્રમ્પ બોલ્યા- તેલના નફાને વેનેઝુએલા, અમેરિકા અને કંપનીઓ વચ્ચે વહેંચવામાં આવશે
ટ્રમ્પે કહ્યું, ‘કંપનીઓએ રોકાણ કરવું પડશે અને તેમના પૈસા ઝડપથી પાછા પણ મળવા જોઈએ, પછી નફાને વેનેઝુએલા, અમેરિકા અને કંપનીઓ વચ્ચે વહેંચવામાં આવશે. મને લાગે છે કે આ સરળ છે. મને લાગે છે કે એેની ફોર્મ્યુલા મારી પાસે છે.’ આ યોજના પર હજુ વાતચીત ચાલી રહી છે.
એક્સોન મોબીલના CEO ડેરેન વુડ્સે બેઠકમાં જણાવ્યું હતું કે હાલમાં વેનેઝુએલામાં “રોકાણ કરવા યોગ્ય નથી” કારણ કે કંપનીની ત્યાંની સંપત્તિઓ બેવાર જપ્ત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ટ્રમ્પ પ્રશાસન અને વેનેઝુએલા સરકાર સાથે મળીને મોટા ફેરફારો લાવવાથી કંપની પાછી આવી શકે છે.

ટ્રમ્પે શુક્રવારે વ્હાઇટ હાઉસમાં દુનિયાની મોટી તેલ કંપનીઓના અધિકારીઓને વેનેઝુએલાના તેલ ક્ષેત્રમાં લગભગ 9 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવા જણાવ્યું.
અમેરિકાને 3 થી 5 કરોડ બેરલ પ્રતિબંધિત તેલ આપશે વેનેઝુએલા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ અમેરિકાને 3થી 5 કરોડ બેરલ પ્રતિબંધિત તેલ સોંપશે. ટ્રમ્પે જણાવ્યું કે આ તેલ બજાર ભાવે વેચવામાં આવશે. એેનાથી મળનારી રકમ પર ટ્રમ્પનું નિયંત્રણ રહેશે.
5 કરોડ બેરલ ક્રૂડ ઓઇલની કિંમત હાલમાં લગભગ 25 હજાર કરોડ રૂપિયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ અનુસાર એનો ઉપયોગ વેનેઝુએલા અને અમેરિકાના લોકોના હિતમાં કરવામાં આવશે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે તેમણે ઊર્જામંત્રી ક્રિસ રાઈટને આ યોજનાને તરત જ લાગુ કરવાના નિર્દેશ આપ્યા છે. તેલને સ્ટોરેજ જહાજો દ્વારા સીધા અમેરિકાનાં બંદરો સુધી લાવવામાં આવશે.

ટ્રમ્પે તેલ કંપનીઓના મોટા રોકાણથી માળખાકીય સુવિધાઓને ફરીથી તૈયાર કરવાની વાત કરી.
વેનેઝુએલામાં વિશ્વનો સૌથી મોટો ભંડાર છતાં 1% સપ્લાય
વેનેઝુએલા પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC)નો સભ્ય છે. તેની પાસે વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર છે, પરંતુ તે વૈશ્વિક સપ્લાયનો માત્ર લગભગ 1% જ આપે છે. 1970ના દાયકામાં ત્યાં ઉત્પાદન 35 લાખ બેરલ પ્રતિદિન સુધી પહોંચી ગયું હતું, જે વર્તમાન સ્તરથી ત્રણ ગણાથી વધુ છે.
અમેરિકાએ 2019માં વેનેઝુએલા પર ખૂબ કડક આર્થિક પ્રતિબંધો લગાવી દીધા હતા. આ પ્રતિબંધોનો ટાર્ગેટ વેનેઝુએલાની તેલ કંપની PDVSA પર હતો, જેનાથી વેનેઝુએલાની તેલ નિકાસ લગભગ અટકી ગઈ. અમેરિકાએ સેકન્ડરી સેંક્શન્સ પણ લગાવ્યા, એટલે કે જે પણ દેશ કે કંપની વેનેઝુએલા પાસેથી તેલ ખરીદે છે તેને અમેરિકી બજારમાં વેપાર કરવા કે બેંકિંગ સુવિધાઓથી વંચિત કરી શકાય છે.
સેકન્ડરી સેંક્શન્સના કારણે ભારતે વેનેઝુએલા પાસેથી તેલની ખરીદી ઘટાડી
સેકન્ડરી સેંક્શન્સના કારણે ભારત જેવા દેશોને વેનેઝુએલા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદવું ખૂબ મુશ્કેલ બન્યું. પહેલાં (2010ના દાયકામાં) ભારત વેનેઝુએલાનો મોટો ગ્રાહક હતો. એે સમયે ભારત દરરોજ લાખો બેરલ વેનેઝુએલાનું હેવી ક્રૂડ ખરીદતું હતું, જે રિલાયન્સ અને અન્ય ભારતીય રિફાઇનરીઓ માટે ખૂબ જ યોગ્ય હતું.
2018માં વેનેઝુએલા ભારતના કુલ ક્રૂડ આયાતનો લગભગ 6.7% હિસ્સો હતો, જે ટોચના 6 સપ્લાયર્સમાં સામેલ હતો. પરંતુ 2019 પછી સેંક્શન્સના કારણે આયાત ઝડપથી ઘટી. 2021માં આ હિસ્સો માત્ર 1.1% રહ્યો અને 2022-2023માં લગભગ શૂન્ય થઈ ગયો.
ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ ઉપભોક્તા
ભારતીય કંપનીઓ, જેવી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ખરીદી બંધ કરી દીધી, કારણ કે કમ્પ્લાયન્સ રિસ્ક, પેમેન્ટની સમસ્યા, શિપિંગની મુશ્કેલીઓ અને અમેરિકી ટેક્સનો ખતરો ખૂબ વધી ગયો હતો. થોડા સમય માટે (2023-2024માં) અમેરિકાએ આંશિક રીતે પ્રતિબંધો હળવા કર્યા, જેનાથી ભારતે ફરીથી થોડું તેલ ખરીદ્યું.
2024માં સરેરાશ 63,000થી 100,000 બેરલ પ્રતિદિન સુધી પહોંચ્યો અને 2025માં આયાત વધીને 1.41 બિલિયન ડોલર સુધી પહોંચી, પરંતુ 2025ના મધ્યમાં ફરીથી કડકાઈ આવી જેનાથી આયાત ફરી અટકી ગઈ.
2025ના અંત અને 2026ની શરૂઆતમાં વેનેઝુએલાથી ભારતની ક્રૂડ આયાત માત્ર 0.3% રહી ગઈ, એટલે કે કુલ આયાતનો ખૂબ નાનો હિસ્સો. હવે ભારત તેની વધતી ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે તેલના અન્ય વિકલ્પો શોધી રહ્યું છે.
ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ ઉપભોક્તા છે અને તેની 88-89% તેલની જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે. 2025માં ભારતનો તેલનો વપરાશ આશરે 5.74 મિલિયન બેરલ પ્રતિદિન છે, જે 2026માં વધીને 5.99 મિલિયન બેરલ થવાનો અંદાજ છે.
રિપોર્ટ- રિલાયન્સ માટે વેનેઝુએલાથી તેલ ખરીદવું રશિયન તેલનો વિકલ્પ હોઈ શકે છે
ટ્રમ્પે ભારતને રશિયન તેલ ખરીદવાથી રોકવા માટે દબાણ વધાર્યું છે, જેના કારણે ભારતની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ મહિને કોઈ રશિયન તેલનું જહાજ ન લેવાનો નિર્ણય કર્યો છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, આવી સ્થિતિમાં વેનેઝુએલાથી તેલ ખરીદવું રિલાયન્સ માટે રશિયન તેલનો વિકલ્પ હોઈ શકે છે.
રિલાયન્સે અગાઉ પણ અમેરિકા પાસેથી લાઇસન્સ લઈને વેનેઝુએલા પાસેથી તેલ ખરીદ્યું હતું. કંપની પાસે વિશ્વનો સૌથી મોટું રિફાઇનરી કોમ્પ્લેક્સ છે. એ ગુજરાતમાં આવેલો છે અને એની કુલ ક્ષમતા લગભગ 14 લાખ બેરલ પ્રતિદિન છે.
2025ના પ્રથમ ચાર મહિનામાં વેનેઝુએલાની કંપની PDVSAએ રિલાયન્સને ચાર જહાજો દ્વારા તેલ મોકલ્યું હતું, જે દરરોજ લગભગ 63,000 બેરલ જેટલું હતું, પરંતુ માર્ચ-એપ્રિલ 2025માં અમેરિકાએ મોટા ભાગનાં લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધાં અને વેનેઝુએલા પાસેથી તેલ ખરીદનારા દેશો પર ટેરિફની ધમકી આપી, જેના પછી મે 2025માં રિલાયન્સનું છેલ્લું વેનેઝુએલન તેલનું જહાજ ભારત પહોંચ્યું હતું.
રિલાયન્સે ગુરુવારે કહ્યું હતું કે જો અમેરિકી નિયમો હેઠળ બિન-અમેરિકી ખરીદદારોને વેનેઝુએલા પાસેથી તેલ વેચવાની મંજૂરી મળે છે, તો એે ફરીથી ખરીદી પર વિચાર કરશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

