Vadodara News: મુખ્યમંત્રીને પત્ર લખનારા ભાજપના 5 ધારાસભ્યો કરતાં સાંસદ હેમાંગ જોશીનો મત અલગ

Last Updated: January 9, 2026By

વડોદરામાં ભાજપના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને અધિકારીઓ કોઈનું સાંભળતા નથી. લોકોની રજૂઆતો સાંભળવામાં આવતી નથી તેવી રજૂઆત કરી હતી. આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતાં. ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો કે અધિકારીઓ જમીન પરની હકીકતથી વિપરીત પરિસ્થિતિનું ગુલાબી ચિત્ર સરકાર સમક્ષ રજૂ કરે છે. ભાજપના આ ધારાસભ્યો કરતાં સાંસદ હેમાંગ જોશીનો મત કંઈક જુદો જ છે.

અમારે ત્યાં બધી જ યોજનાઓના કેમ્પ ચાલે છે

વડોદરાના ભાજપના જ સાંસદ હેમાંગ જોશીએ કહ્યું હતું કે, જનતાના કામ થાય જ છે. ધારાસભ્યોએ શું રજૂઆત કરી છે તે મને ખ્યાલ નથી. તમામ લોકો એકબીજાને સહયોગ કરે છે. મારી ઓફિસ જ કલેક્ટર કચેરીના સંકુલમાં છે.અમારે ત્યાં બધી જ યોજનાઓના કેમ્પ ચાલે છે. કલેક્ટર સહિત તમામ અધિકારીઓ અમારા સંકલનમાં રહે છે. અમને હજુ કોઈ કડવો અનુભવ થયો નથી. ધારાસભ્યોએ મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો છે આ પત્ર મને મળશે તો તેની તપાસ કરીશ.

ભાજપમા જ મતભેદ હોય તેવા ભણકારા

વડોદરામાં ધારાસભ્યો અને સાંસદ સામ સામે હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને અધિકારીઓની ફરિયાદ કરી અને તે જગજાહેર થઈ તે છતાંય સાંસદ એવું કહે છે કે આ પત્ર અંગે મને ખબર નથી. સાંસદના આ પ્રકારના નિવેદનથી ભાજપમા જ મતભેદ હોય તેવા ભણકારા વાગી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ડભોઈના ધારાસભ્ય શૈલેશ સોટ્ટા, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કરજણના અક્ષય પટેલ અને પાદરાના ચૈતન્યસિંહ ઝાલાએ એક પત્ર લખી મુખ્યમંત્રીને અધિકારીઓ કામ નથી કરતા તે અંગે રજૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ Weather News : ગુજરાતમાં હજુ 48 કલાક હાડ થીજવતી ઠંડી પડશે, હવામાન વિભાગની મહત્વની આગાહી