Vijay Hazare Trophy 2026: Saurashtra & Karnataka Enter Semi-Finals | વિજય હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સેમિફાઈનલમાં: ઉત્તરપ્રદેશને હરાવ્યું, કેપ્ટન હાર્વિક દેસાઈની સદી; બીજી મેચમાં કર્ણાટક સામે મુંબઈ 55 રનથી હાર્યું
સ્પોર્ટ્સ ડેસ્ક11 કલાક પેહલા
- કૉપી લિંક
વિજય હઝારે ટ્રોફીમાં સોમવારે શરૂઆતની 2 ક્વાર્ટર ફાઇનલ રમાઈ. સૌરાષ્ટ્રે પ્રથમ મુકાબલામાં ઉત્તર પ્રદેશને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો. ટીમ તરફથી હાર્વિક દેસાઈએ સદી ફટકારી. જ્યારે બીજી ક્વાર્ટર ફાઇનલમાં કર્ણાટકની ટીમે મુંબઈને 55 રનથી હરાવી દીધું.
મંગળવારે બાકીની 2 ક્વાર્ટર ફાઇનલ રમાશે. પંજાબ સામે મધ્ય પ્રદેશ ટકરાશે. જ્યારે છેલ્લી ક્વાર્ટર ફાઇનલ દિલ્હી અને વિદર્ભ વચ્ચે થશે. બંને મુકાબલા બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ સ્ટેડિયમમાં રમાશે.
પડિક્કલ-કરુણની ફિફ્ટીથી કર્ણાટક જીત્યું
બેંગલુરુના COE ગ્રાઉન્ડ-1માં મુંબઈની ટીમે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી શમ્સ મુલાનીએ 86 રનની શાનદાર ઈનિંગ રમી હતી. અન્ય ખેલાડીઓમાં અંગકૃષ રઘુવંશીએ 27, ઈશાન મુલચંદાનીએ 20, કેપ્ટન સિદ્ધેશ લાડે 38 અને સાઈરાજ પાટીલે 33 રનનું યોગદાન આપ્યું હતું. કર્ણાટક તરફથી વિદ્યાધર પાટીલે 3 વિકેટ ઝડપી હતી, જ્યારે વિધ્વત કાવેરપ્પા અને અભિલાષ શેટ્ટીને 2-2 વિકેટ મળી હતી. વિજયકુમાર વૈશાખે અંગકૃષને બોલ્ડ કર્યો હતો.
255 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કર્ણાટકની ટીમે પાવરપ્લેની છેલ્લી ઓવરમાં કેપ્ટન મયંક અગ્રવાલની વિકેટ ગુમાવી દીધી હતી, જે માત્ર 12 રન બનાવી શક્યો હતો. ત્યારબાદ દેવદત્ત પડિક્કલ અને કરુણ નાયરે ટીમની કમાન સંભાળી હતી. આ બંને બેટ્સમેનોએ સદીની ભાગીદારી કરી અને 33 ઓવરમાં ટીમને 187 રન સુધી પહોંચાડી દીધી હતી. તે સમયે ખરાબ રોશનીના કારણે રમત અટકાવવામાં આવી હતી અને વી જયદેવન મેથડ દ્વારા કર્ણાટકને 55 રનથી વિજયી જાહેર કરવામાં આવ્યું હતું.
મોટો સ્કોર બનાવીને પણ ઉત્તર પ્રદેશ હાર્યું
બેંગલુરુના COE ગ્રાઉન્ડ-2માં ઉત્તર પ્રદેશે પ્રથમ બેટિંગ કરતા 310 રન બનાવ્યા હતા. ટીમ તરફથી અભિષેક ગોસ્વામી અને સમીર રિઝવીએ 88-88 રનની ઈનિંગ્સ રમી હતી. પ્રિયમ ગર્ગ 35, પ્રશાંત વીર 30 અને ઝીશાન અન્સારી 20 રન બનાવી આઉટ થયા હતા. સૌરાષ્ટ્ર તરફથી ચેતન સાકરિયાએ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે અંકુર પંવાર અને પ્રેરક માંકડને 2-2 વિકેટ મળી હતી. એક વિકેટ પાર્શ્વરાજ રાણાને પણ મળી હતી.
કેપ્ટન હાર્વિકે સદી ફટકારી
મોટા ટાર્ગેટ સામે સૌરાષ્ટ્રે પાવરપ્લેમાં વિશ્વરાજસિંહ જાડેજાની વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ કેપ્ટન હાર્વિક દેસાઈ એક છેડો સાચવીને ઉભો રહ્યો હતો. તેણે પ્રેરક માંકડ સાથે 133 રનની ભાગીદારી કરી હતી. માંકડ 67 રન બનાવી આઉટ થયો, ત્યારબાદ ગજ્જર સંમ્માર પણ માત્ર 14 રન જ બનાવી શક્યો હતો.
ચિરાગ જાનીએ ત્યારબાદ કેપ્ટન હાર્વિક સાથે મળીને ઈનિંગ સંભાળી હતી. બંનેએ 40.1 ઓવરમાં ટીમને 238 રન સુધી પહોંચાડી, ત્યારે જ ખરાબ રોશનીના કારણે રમત રોકી દેવામાં આવી હતી. મેચ ફરી શરૂ થઈ શકી નહીં અને વી જયદેવન મેથડથી સૌરાષ્ટ્રને 17 રનથી જીત મળી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

