WPLના એલિમિનેટરમાં પહોંચી ગુજરાત જાયન્ટ્સ:મુંબઈને ઇતિહાસમાં પ્રથમ વખત હરાવ્યું; ઓસ્ટ્રેલિયાની જ્યોર્જિયા વેરહેમે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું
ગુજરાત જાયન્ટ્સ (GG) એ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ના એલિમિનેટરમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે WPL ઇતિહાસમાં પહેલીવાર મુંબઈ ઇન્ડિયન્સને હરાવી અને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો. વડોદરામાં શુક્રવારે ગુજરાતે 11 રનથી મુકાબલો જીત્યો. ટીમ તરફથી લેગ સ્પિનર જ્યોર્જિયા વેરહેમે બેટિંગમાં 44 રન બનાવ્યા બાદ બોલિંગમાં 2 વિકેટ પણ લીધી. ગાર્ડનર-વેરહેમે ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી કોટામ્બી સ્ટેડિયમમાં ગુજરાતે બેટિંગ પસંદ કરી. ટીમે ત્રીજી ઓવરમાં બેથ મૂનીની વિકેટ ગુમાવી દીધી, તે માત્ર 5 રન જ બનાવી શકી. સોફી ડિવાઇને પછી અનુષ્કા શર્મા સાથે ટીમને 50 રન પાર પહોંચાડી. અનુષ્કા 33 અને ડિવાઇન 25 રન બનાવીને આઉટ થઈ. કેપ્ટન એશ્લે ગાર્ડનરે પછી જ્યોર્જિયા વેરહેમ સાથે ટીમને 167 રન સુધી પહોંચાડી. ગાર્ડનરે 46 અને વેરહેમે 44 રન બનાવ્યા. મુંબઈ તરફથી અમિલિયા કરએ 2 વિકેટ લીધી. શબનિમ ઇસ્માઇલ અને નેટ સિવર-બ્રન્ટને 1-1 વિકેટ મળી. મુંબઈની ખરાબ શરૂઆત 168 રનના ટાર્ગેટ સામે મુંબઈએ 37 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી. હેલી મેથ્યુઝ 6, નેટ સિવર-બ્રન્ટ 2 અને સજીવન સાજના 26 રન બનાવીને આઉટ થઈ ગઈ. કેપ્ટન હરમનપ્રીત કૌરે ફરી એમેલિયા કર સાથે ટીમને 80 રન પાર પહોંચાડી. એમેલિયા 20 રન બનાવીને આઉટ થઈ. તેમના પછી અમનજોત કૌર 13 અને સંસ્કૃતિ ગુપ્તા ખાતું ખોલ્યા વગર આઉટ થઈ ગઈ. હરમનપ્રીતે ફિફ્ટી ફટકારીને ટીમને જીત અપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ ન થઈ શકી. કેપ્ટન 82 રન બનાવીને નોટઆઉટ રહી અને ટીમે 11 રનથી મેચ ગુમાવી દીધી. ગુજરાત તરફથી સોફી ડિવાઇન અને વેરહેમે 2-2 વિકેટ લીધી. કાશવી ગૌતમ, એશ્લે ગાર્ડનર અને રાજેશ્વરી ગાયકવાડને 1-1 વિકેટ મળી. ગુજરાતની મુંબઈ પર પ્રથમ જીત મુંબઈ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં 8 મેચ રમાઈ હતી, જેમાં તમામમાં મુંબઈએ જ બાજી મારી હતી. ગુજરાતને 9મી મેચમાં સફળતા મળી અને ટીમે ઇતિહાસ પલટીને પ્લેઓફમાં પણ એન્ટ્રી કરી લીધી. હવે મુંબઈની પ્લેઓફની આશાઓ યુપી વોરિયર્ઝની જીત પર ટકેલી છે. ગુજરાત એલિમિનેટરમાં પહોંચી ગુજરાત જાયન્ટ્સે ગ્રુપ સ્ટેજમાં પોતાની છેલ્લી મેચ જીતીને એલિમિનેટરમાં પ્રવેશ કર્યો. ટીમે 8 માંથી 5 મેચ જીતી અને 3 હારી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 6 મેચ જીતીને સીધી ફાઇનલમાં પહોંચી. હવે એલિમિનેટરની છેલ્લી ટીમનો નિર્ણય 1 ફેબ્રુઆરીએ દિલ્હી અને યુપી વચ્ચે રમાનારી મેચથી થશે. જો દિલ્હી છેલ્લી મેચ જીતી જશે તો ટીમ એલિમિનેટરમાં ગુજરાત સામે ટકરાશે. જો યુપી જીતશે તો તેમને પોતાનો રન રેટ મુંબઈ કરતા સારો રાખવો પડશે, તો જ ટીમ એલિમિનેટરમાં જશે. જો છેલ્લી મેચ જીતીને પણ યુપીનો રન રેટ ખરાબ રહ્યો તો મુંબઈની ટીમ એલિમિનેટરમાં પહોંચી જશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

