ગુજરાતના આ ધૂરંધરોએ આ વર્ષે ધૂમ મચાવી:જાડેજા-પંડ્યાએ દમદાર પરફોર્મન્સ આપ્યું, ઉર્વિલે ફેન્સના દિલ જીત્યા; બુમરાહ-હાર્દિક માટે આંચકારૂપ સીઝન રહી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની રોમાંચક સીઝન પૂરી થઈ છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ઇતિહાસ રચીને સતત બીજીવાર ટ્રોફી પોતાના નામે કરી છે. ક્રિકેટના આ સૌથી મોટા મહાકુંભમાં દર વખતની જેમ આ વર્ષે પણ ગુજરાતના ખેલાડીઓ પર ફેન્સની ખાસ નજર હતી. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની નવી પિંક જર્સીના લુકથી લઈને RCBને ચેમ્પિયન બનાવવામાં સિંહફાળો આપનારા કૃણાલ પંડ્યા સુધી, મેદાન પર આપણા પ્લેયર્સની કરિયરમાં ઘણા મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. જોકે, આ સીઝન જેટલી રોમાંચક રહી, તેટલી જ કેટલાક સ્ટાર ખેલાડીઓ માટે ચોંકાવનારી પણ સાબિત થઈ છે. એક તરફ જ્યાં હાર્ડ-હિટર ઉર્વિલ પટેલે પોતાની આક્રમક બેટિંગથી ચેન્નઈના ફેન્સના દિલ જીત્યા, તો બીજી તરફ જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજ સ્પીડસ્ટર્સ માટે આ વર્ષના આંકડા અત્યંત પડકારજનક અને મુશ્કેલ રહ્યા હતા. એટલું જ નહીં, આ આખી સીઝન દરમિયાન ક્રેઇન્સ ફુલેત્રા અને રુચિત આહીર જેવા ગુજરાતના યુવા ટેલેન્ટને પણ વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટરો સાથે ડ્રેસિંગ રૂમ શેર કરીને ઘણું નવું શીખવાની સોનેરી તકો મળી. તો ચાલો, ઑફિશિયલ આંકડા સાથે જોઈએ કે આ સીઝનમાં કયા ગુજરાતી ખેલાડીએ મેદાન માર્યું અને કોનો સૂરજ થોડો ઝાંખો રહ્યો હતો… 1. રવીન્દ્ર જાડેજા (રાજસ્થાન રોયલ્સ) રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમતા રવીન્દ્ર જાડેજા માટે આ સીઝન ઓલરાઉન્ડર તરીકે શાનદાર રહી છે. મિડલ ઓર્ડરમાં સંકટસમયે આવીને તેણે ઉપયોગી રન બનાવ્યા હતા. બોલિંગમાં પણ પોતાની સ્પિન જાળથી પીચ પર બેટર્સને જકડી રાખીને મહત્વની વિકેટો ઝડપી હતી. આ વર્ષે તે RR માટે સિનિયર પ્લેયરની ભૂમિકામાં રહીને ઘણી વખત રિયાન પરાગ કે યશસ્વી જયસ્વાલને ટિપ્સ આપતો જોવા પણ મળ્યો. 2. હાર્દિક પંડ્યા (મુંબઈ ઈન્ડિયન્સ) મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા માટે ટીમ કેપ્ટન તરીકે આ સીઝન પડકારજનક રહી હતી, છતાં ઓલરાઉન્ડર તરીકે તેણે મિડલ ઓર્ડરમાં અમુક વખતે ઉપયોગી રન બનાવ્યા હતા. આક્રમક સ્ટ્રાઈક રેટથી રન ફટકાર્યા હતા અને બોલિંગમાં મર્યાદિત ઓવરો ફેંકી હતી. તે બોલિંગમાં આ વખતે નિષ્ફળ રહ્યો હતો. આ સીઝન હાર્દિક માટે ખૂબ જ ચેલેન્જિંગ રહી. ત્યારે અમુક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આવતી સીઝનમાં હાર્દિક મુંબઈ તરફથી રમતો પણ જોવા નહીં મળે.
3. જસપ્રીત બુમરાહ (મુંબઈ ઈન્ડિયન્સ) વિશ્વના સૌથી ઘાતક ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ માટે IPL 2026 બોલિંગ આંકડાની દ્રષ્ટિએ ખૂબ જ પડકારજનક રહી હતી. વર્લ્ડ કપ પછી સતત ક્રિકેટ અને ફિટનેસ ઇશ્યૂના કારણે તેની સ્પીડમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, જેના લીધે 13 મેચમાં તેને માત્ર 4 જ સફળતા મળી હતી. વિરોધી બેટર્સ પણ તેની ઓવરોમાં વધુ જોખમ લઈને વિસ્ફોટક બેટિંગ કરતા હતા. 4. કૃણાલ પંડ્યા (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ) કૃણાલ પંડ્યા માટે IPL 2026 કરિયરની સૌથી યાદગાર સીઝન સાબિત થઈ છે. બેંગલુરુ (RCB)ને તેને સતત બીજીવાર ટાઇટલ જિતાડવામાં તેણે બોલિંગ અને બેટિંગ બંનેમાં મેચ-વિનિંગ પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટમાં શાનદાર રનની સાથે ધારદાર સ્પિનથી વિકેટો પણ ઝડપી હતી. કૃણાલના બાઉન્સર્સ આ વખતે RCBને ઘણા કામ આવ્યા છે. તેનાથી બેટર્સને રન બનાવવામાં મુશ્કેલી પડી રહી હતી. 5. અક્ષર પટેલ (દિલ્હી કેપિટલ્સ) દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે અક્ષર પટેલે આ વર્ષે સારું પ્રદર્શન કર્યું. જોકે તેની ટીમ આ વર્ષે પણ પ્લેઑફ માટે ક્વોલિફાય કરી શકી નહોતી. એટલે એવી વાતો તો ચાલે છે કે આવતા વર્ષે ટીમ તેને કેપ્ટનપદેથી મુક્ત કરી શકે છે. જોકે T20ના આ આક્રમક યુગમાં પણ તેણે શાનદાર ઇકોનોમી સાથે રન રોકી રાખ્યા હતા અને વિરોધી ટીમની મહત્વની વિકેટો ચટકાવી હતી, જ્યારે બેટિંગમાં પણ 50+ ઇનિંગ રમી હતી. 6. ઉર્વિલ પટેલ (ચેન્નાઈ સુપર કિંગ્સ) ગુજરાતના યુવા વિકેટકીપર બેટર ઉર્વિલ પટેલને આ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) તરફથી ટૉપ ઓર્ડરમાં રમવાની શાનદાર તકો મળી હતી. તેણે પાવર-હિટિંગ ક્ષમતા સાબિત કરતા ધમાકેદાર સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા, જેમાં લખનઉ (LSG) સામેની ઇનિંગ સૌથી બેસ્ટ હાઇલાઇટ રહી હતી. 7. જયદેવ ઉનડકટ (સનરાઇઝર્સ હૈદરાબાદ) સૌરાષ્ટ્રના અનુભવી ડાબોડી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ આ સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની પેસ બોલિંગ લાઇન-અપમાં મર્યાદિત તકો સાથે સામેલ હતા. રન રોકવાના પ્રેશર વચ્ચે તેણે પાવરપ્લે અને મિડલ ઓવર્સમાં પોતાની કટર વેરિએશન્સનો ઉપયોગ કરીને ટીમ માટે વિકેટો ઝડપી હતી. 8. હર્ષલ પટેલ (સનરાઇઝર્સ હૈદરાબાદ) સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી રમતા ફાસ્ટ બોલર હર્ષલ પટેલ માટે આ સીઝન મર્યાદિત તકો વાળી રહી હતી. ટીમ કોમ્બિનેશનના કારણે તેને આ સીઝનમાં માત્ર 5 મેચમાં જ રમવાની તક મળી હતી, જેમાં તેણે ડેથ ઓવર્સમાં રન રોકવા માટે પોતાના વેરિએશન્સ અજમાવ્યા હતા. આ ગુજરાતી પ્લેયર્સ તો ઘણા વર્ષોથી IPL રમે છે અને ઇન્ટરનેશનલમાં પણ ટીમ ઈન્ડિયાને રિપ્રેઝન્ટ કરે છે. ત્યારે હવે ગુજરાતના બે અન્ય એવા ક્રિકેટર્સ કે, જેઓને રમવાની તક મળી નથી. પણ આ સીઝનમાંથી તેઓ સિનિયર પ્લેયર્સ પાસેથી ઘણું શીખવાની તક મળી છે… એ બેન નામો છે..ક્રેઇન્સ ફુલેત્રા અને રુચિત આહીર… 9. ક્રેઇન્સ ફુલેત્રા (સનરાઇઝર્સ હૈદરાબાદ) સૌરાષ્ટ્ર ડોમેસ્ટિક ટીમના ચાઇનામેન બોલરને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ પોતાની સ્ક્વોડમાં આખી સીઝન સાથે રાખ્યો હતો. જોકે, ટીમ કોમ્બિનેશન અને વિદેશી ઓલરાઉન્ડર્સના દબદબાને કારણે તેને પ્લેઇંગ-11માં ડેબ્યૂ કરવાની તક ન મળી. પરંતુ આખી સીઝન પેટ કમિન્સ જેવા વર્લ્ડ ક્લાસ કેપ્ટન, ક્લાસેન અને ડેનિયલ વેટોરી જેવા દિગ્ગજ કોચિંગ સ્ટાફ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાનો અનુભવ તેના માટે અમૂલ્ય ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે. પ્રેશર સિચ્યુએશન હેન્ડલ કરવી અને હાઈ-ઇન્ટેન્સિટી ટ્રેનિંગ સેશન્સમાંથી તે આ સીઝનમાં ઘણું શીખ્યો હશે. 10. રુચિત આહીર (મુંબઈ ઈન્ડિયન્સ) સૌરાષ્ટ્રના આ ટેલેન્ટેડ વિકેટકીપર-બેટર રુચિત આહીર માટે આ સીઝનનો અંત એક આશ્ચર્યજનક વળાંક સમાન રહ્યો. ટુર્નામેન્ટની છેલ્લી મેચમાં જ્યારે મુંબઈની ટીમનો ખેલાડી ઇન્જર્ડ થયો, ત્યારે રુચિતને તાત્કાલિક ઑફિશિયલ રિપ્લેસમેન્ટ તરીકે સ્ક્વોડમાં બોલાવ્યો હતો. જોકે તેને મેચ રમવાની તક ન મળી, પણ ડોમેસ્ટિક ક્રિકેટમાંથી સીધા જ IPLના આટલા મોટા સ્ટેજ પર અચાનક એન્ટ્રી થવી એ તેના કોન્ફિડન્સ માટે બુસ્ટર સમાન છે. મુંબઈના ડ્રેસિંગ રૂમમાં રોહિત શર્મા, કોચ મહેલા જયવર્દને, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા સાથે વાત કરીને તે ઘણું શીખ્યો હશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

