'ઘૂંઘટ'માં ઈશા દેઓલનું અલગ રૂપ દેખાશે:'માય ફ્રેન્ડ ગણેશા' ફેમ રાજીવ રુઈયા આ હૉરર-કોમેડી ફિલ્મનું ડિરેક્શન કરશે; વાર્તા જૂની માન્યતાઓને પડકારશે
દિવંગત એક્ટર ધર્મેન્દ્ર અને દિગ્ગજ એક્ટ્રેસ હેમા માલિનીની દીકરી ઈશા દેઓલ કરિયરમાં પહેલીવાર હૉરર-કોમેડી ફિલ્મમાં જોવા મળશે. તેની આ આગામી ફિલ્મનું નામ ‘ઘૂંઘટ’ છે. આ ફિલ્મનું ડિરેક્શન ‘માય ફ્રેન્ડ ગણેશા’ ફેમ ડિરેક્ટર રાજીવ એસ. રુઈયા કરી રહ્યા છે. ફિલ્મનું નિર્માણ બેંગલુરુના પ્રોડ્યુસર દેવેશ કુમાર નેટિવ સિનેમાઝના બેનર હેઠળ કરી રહ્યા છે. ઈશાએ જણાવ્યું કે, ‘આ ફિલ્મ મનોરંજનની સાથે-સાથે સમાજની જૂની માન્યતાઓને પડકારવા અને મહિલા સશક્તિકરણનો એક મજબૂત સંદેશ આપશે.’ ફિલ્મમાં ઈશાનો બિલકુલ અલગ અંદાજ જોવા મળશે. સ્ક્રિપ્ટ અને જોનરે આકર્ષિત કર્યા
ઈશા દેઓલે ફિલ્મ સાથે જોડાવાના પોતાના નિર્ણય વિશે વાત કરી. તેણે કહ્યું કે, ‘હૉરર-કોમેડી જોનર મારા માટે મુખ્ય આકર્ષણ હતું. આ પ્રકારની ફિલ્મોમાં રોમાંચ અને હાસ્યનું સારું મિશ્રણ હોય છે, જેને આજના સમયમાં દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે.’ ઈશાના મતે, ‘જોનર ઉપરાંત ફિલ્મની સ્ક્રિપ્ટ અને મારું અનોખું પાત્ર જ મુખ્ય કારણ હતા, જેમણે મને આ પ્રોજેક્ટનો ભાગ બનવા માટે પ્રેરિત કરી.’ ફિલ્મ જૂની માન્યતાઓ પર પ્રશ્ન ઉઠાવશે
એક્ટ્રેસે જણાવ્યું કે, ‘ઘૂંઘટ’ માત્ર લોકોને ડરાવવા કે હસાવવા પૂરતી સીમિત નથી. તેમાં એક મહત્વપૂર્ણ સામાજિક સંદેશ છુપાયેલો છે. આ વાર્તા લોકોને વર્ષોથી ચાલી આવતી જૂની રીતિઓ અને માન્યતાઓ પર પ્રશ્ન ઉઠાવવાનું સાહસ આપશે. ફિલ્મમાં ભરપૂર ડ્રામા, લાગણીઓ અને કોમેડી હશે, પરંતુ તેનું મુખ્ય ધ્યાન વ્યક્તિગત ઓળખ અને પોતાની વાત પર મજબૂતીથી ટકી રહેવાના મહત્વને દર્શાવવાનું છે. ‘માય ફ્રેન્ડ ગણેશા’ના ડિરેક્ટર સંભાળી રહ્યા છે કમાન
ફિલ્મનું ડિરેક્શન કરી રહેલા રાજીવ એસ. રુઇયાને અલગ-અલગ શૈલીની ફિલ્મો બનાવવા માટે ઓળખવામાં આવે છે. તેમને બાળકો અને પરિવારો વચ્ચે ખૂબ જ લોકપ્રિય રહેલી ‘માય ફ્રેન્ડ ગણેશા’ ફ્રેન્ચાઇઝીથી ઓળખ મળી હતી. આ ઉપરાંત તેમણે ‘મૈં કૃષ્ણા હૂં’, ‘ડાયરેક્ટ ઇશ્ક’ અને હોરર-થ્રિલર ફિલ્મ ‘સાંસેં’નું પણ ડિરેક્શન કર્યું છે. મેકર્સનું માનવું છે કે, પારિવારિક મનોરંજન અને હોરર વિષયો પર તેમની સારી પકડ આ ફિલ્મને વધુ સારી બનાવશે. દરેક ઉંમરના દર્શકો માટે હશે ફિલ્મ
પ્રોડ્યુસર દેવેશ કુમાર આ ફિલ્મને એવા વિઝન સાથે તૈયાર કરી રહ્યા છે, જેથી દરેક ઉંમરના દર્શકો જોડાણ અનુભવી શકે. મેકર્સના મતે, ફિલ્મમાં મનોરંજન અને સાર્થકતા વચ્ચે એક સંતુલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હોરર-કોમેડી ફિલ્મોની વધતી લોકપ્રિયતા વચ્ચે ઈશા દેઓલના આ નવા પ્રોજેક્ટે ફિલ્મ જગત અને દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

