'ટોક્સિક' ફેમ રુક્મિણીના પિતાને મળ્યો હતો અશોક ચક્ર:કર્નલ વસંત વેણુગોપાલ ઉરીમાં 8 આતંકવાદીઓ સામે લડતાં લડતાં શહીદ થયા હતા
એક્ટ્રેસ રુક્મિણી વસંત હાલમાં યશની ફિલ્મ ‘ટોક્સિક: એ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ સિવાય રુક્મિણીના જીવનની વાર્તા પણ પ્રેરણાદાયક છે. જ્યારે તે માત્ર 10 વર્ષની હતી, ત્યારે તેના પિતા કર્નલ વસંત વેણુગોપાલ જમ્મુ-કાશ્મીરના ઉરીમાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન શહીદ થયા હતા. કહેવાય છે કે ઓપરેશનમાં લગભગ 8 આતંકવાદીઓ સામેલ હતા. કર્નલ વસંતે આતંકવાદીઓનો બહાદુરીપૂર્વક સામનો કર્યો અને બાદમાં તેમને દેશના સર્વોચ્ચ શાંતિકાળ વીરતા પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. તેમના પત્ની અને દીકરીઓએ પણ સૈનિક પરિવારોને મદદ કરવાનું કાર્ય આગળ વધાર્યું. કોણ હતા કર્નલ વસંત વેણુગોપાલ? રુક્મિણી વસંતના પિતા કર્નલ વસંત વેણુગોપાલ ભારતીય સેનામાં અધિકારી હતા. તેઓ 9મી બટાલિયન, મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના કમાન્ડિંગ ઓફિસર હતા. 31 જુલાઈ 2007ના રોજ તેઓ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા હતા. આતંકવાદીઓનું એક જૂથ લાઇન ઓફ કંટ્રોલના રસ્તે ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. રુક્મિણીએ પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આ ઓપરેશનમાં લગભગ 8 આતંકવાદીઓ સામેલ હતા. સેનાએ તમામ આતંકવાદીઓને ઠાર કર્યા, પરંતુ અથડામણમાં કર્નલ વસંત અને તેમના રેડિયો ઓપરેટર શહીદ થયા. તેમની બહાદુરી માટે તેમને મરણોત્તર અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. રુક્મિણીના મતે, કર્નલ વસંત કર્ણાટકમાંથી અશોક ચક્ર મેળવનાર પ્રથમ સેના અધિકારી હતા. પિતાની યાદો હજુ પણ રુક્મિણી સાથે રુક્મિણીએ પોતાના પિતાને યાદ કરતા અનેક પ્રસંગોએ તેમના વિશે વાત કરી છે. તેમણે જણાવ્યું કે, પિતા ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ હતા, પરંતુ એક સૈનિક તરીકે પણ સંપૂર્ણપણે સમર્પિત હતા. કર્નલ વસંતનું માનવું હતું કે એક અધિકારીએ પોતાના જવાનોનું નેતૃત્વ સૌથી આગળ રહીને કરવું જોઈએ. આ જ વિચાર સાથે તેઓ ઓપરેશનમાં પણ પોતાની ટીમનું નેતૃત્વ કરતા હતા. રુક્મિણી તે સમયે માત્ર 10 વર્ષની હતી. આટલી નાની ઉંમરે પિતાને ગુમાવવાનો તેમના જીવન પર ઊંડો પ્રભાવ પડ્યો. તેમણે જણાવ્યું છે કે, બાળપણમાં બનેલી આ ઘટનાની દરેક વાત તેમને યાદ નથી, પરંતુ પિતાની યાદો આજે પણ તેમની સાથે છે. પતિની શહાદત પછી એકલા દીકરીઓને ઉછેરી કર્નલ વસંતની શહાદત પછી તેમના પત્ની સુભાષિની વસંત સામે બે દીકરીઓની જવાબદારી આવી ગઈ. સુભાષિની ભરતનાટ્યમ ડાન્સર છે. પતિની શહાદતના લગભગ છ મહિના પછી તેમણે ‘વસંતરત્ન ફાઉન્ડેશન ફોર આર્ટ’ની શરૂઆત કરી. તેનો ઉદ્દેશ્ય શહીદ સૈનિકોના પરિવારો અને તેમની વિધવાઓને મદદ કરવાનો છે. રુક્મિણીએ જણાવ્યું હતું કે, તેમના પિતા શહીદ સૈનિકોના પરિવારોને સતત મળતા હતા. તેઓ તેમના ઘરે જતા, પરિવાર સાથે સમય વિતાવતા અને તેમની મુશ્કેલીઓને સમજવાનો પ્રયાસ કરતા હતા. ઘણી વાર સુભાષિની પણ તેમની સાથે જતાં હતાં. પતિના મૃત્યુ પછી સુભાષિનીએ આ જ કામને આગળ વધારવાનો નિર્ણય કર્યો. અશોક ચક્ર પછી વળતર માટે પણ સંઘર્ષ કરવો પડ્યો કર્નલ વસંતની શહાદત પછી પરિવારને વધુ એક સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું. અશોક ચક્ર વિજેતાના પરિવારને વળતર તરીકે જમીન આપવાની જોગવાઈ હતી, પરંતુ તેને મેળવવા માટે સુભાષિનીને ઘણી વખત સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડ્યા. 1971ના કર્ણાટક સરકારના આદેશ હેઠળ અશોક ચક્ર પ્રાપ્ત કરનાર વ્યક્તિના પરિવારને 1.25 લાખ રૂપિયા અથવા બે એકર સિંચાઈવાળી જમીન આપવાની જોગવાઈ હતી. ઘણા વર્ષો પછી સુભાષિનીએ આ નિયમ પર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, વધતી મોંઘવારીના સમયમાં આ રકમ ખૂબ ઓછી હતી અને નિયમમાં ફેરફાર કરવાની જરૂર હતી. 2016માં ‘ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ’ને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે પોતાના અધિકાર માટે સરકારી અધિકારીઓ પાસે વારંવાર જવું તેમના માટે ખૂબ મુશ્કેલ અનુભવ હતો. પિતાના વારસાને આગળ વધારી રહી છે રુક્મિણી કર્નલ વસંતની શહાદત પછી તેમના પરિવારે સૈનિકો અને તેમના પરિવારોને મદદ કરવાનું કામ ચાલુ રાખ્યું. જ્યારે રુક્મિણીએ અભિનયની દુનિયામાં પોતાની ઓળખ બનાવી. આજે તે કન્નડ સિનેમાની જાણીતી એક્ટ્રેસિસમાં સામેલ છે અને યશની ફિલ્મ ‘ટોક્સિક: એ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’માં જોવા મળી રહી છે. રુક્મિણીની વાર્તા માત્ર એક એક્ટ્રેસના સંઘર્ષ અને સફળતાની નથી. તેની પાછળ એક શહીદ પિતાનો વારસો, માતાની જવાબદારી અને સૈનિક પરિવારોને મદદ કરવાની વિચારસરણી પણ છે, જેને તેમનો પરિવાર આજ સુધી આગળ વધારી રહ્યો છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

