ડાન્સ…મ્યૂઝિક… જશ્ન અને અચાનક ફાયરિંગ…:કેનેડામાં ફેસ્ટિવલ ચાલતો હતો ત્યાં ગોળીબાર થયો, 2નાં મોત; હુમલાખોર ભાગી ગયો
કેનેડાના ટોરોન્ટોમાં સૌથી મોટા લેટિન સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન ગોળીબારની ઘટના સામે આવી છે. આ હુમલામાં બે લોકોના મોત થયા છે, જ્યારે અંદાજે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, તેમણે ઘાયલોને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડ્યા છે. આ ઘટનાને અંજામ આપનારા શંકાસ્પદ વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે. હુમલો કર્યા બાદ તેઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. પોલીસે હજી સુધી એ વાતની પુષ્ટિ નથી કરી કે કેટલા લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, લોકો ત્યાં ‘સાલ્સા ફેસ્ટિવલ’ ઉજવવા માટે એકઠા થયા હતા. છેલ્લાં 22 વર્ષથી લોકો અહીં એકઠા થઈને ‘સાલ્સા ઑન સેન્ટ ક્લેર’ ફેસ્ટિવલનું આયોજન કરે છે, જેમાં સેંકડો લોકો ભાગ લે છે. શનિવારે પણ લોકો અહીં એકઠા થયા હતા ત્યારે જ અચાનક ગોળીબાર શરૂ થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતા જ તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને ઘાયલોને સારવાર માટે લઈ ગયા હતા. આ પછી સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરી લેવામાં આવ્યો છે. જોકે, હજી સુધી હુમલાખોરોની કોઈ ભાળ મળી નથી, તેથી લોકોને સુરક્ષિત રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઓન્ટેરિયોના પ્રીમિયરે દુઃખ વ્યક્ત કર્યું ઓન્ટેરિયોના પ્રીમિયર ડગ ફોર્ડે આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું, “સેન્ટ ક્લેર સાલ્સા ફેસ્ટિવલ દરમિયાન થયેલા ગોળીબારથી અત્યંત દુઃખી છું. આ નિરર્થક હિંસાનો કોઈ અર્થ નહોતો. આ હુમલામાં બે લોકોના મોત થયા છે અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ છે.” કેનેડામાં હુમલાની સૌથી મોટી ઘટના નોંધનીય છે કે કેનેડામાં આ ઘટનાક્રમ છેલ્લા કેટલાક દિવસોની બીજી સૌથી મોટી ઘટના છે. થોડા અઠવાડિયા પહેલા જ અહીં મોન્ટ્રિયલમાં એક બંદૂકધારીએ ગોળીબાર કરીને લોકોને ડરાવી દીધા હતા. ત્યારબાદ પોલીસ સાથે થયેલી અથડામણમાં ધોળા દિવસે બે લોકોના મોત થયા હતા. છેલ્લા બે દાયકામાં આ પ્રથમ વખત હતું જ્યારે મોન્ટ્રિયલમાં કોઈ અધિકારીનું ડ્યુટી દરમિયાન મોત થયું હોય. તમને જણાવી દઈએ કે, છેલ્લી વાર વર્ષ 2020માં કેનેડાના નોવા સ્કોટીયામાં તાજેતરના સમયનો સૌથી ઘાતક ગોળીબાર થયો હતો. આ ઘટનામાં અંદાજે 22 લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ સરકારે બંદૂકના કાયદામાં સુધારો કરીને ‘એસોલ્ટ સ્ટાઇલ’ના હથિયારો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એક તરફ અમેરિકામાં બંદૂકો સામાન્ય બાબત છે, પરંતુ કેનેડામાં એવું નથી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

