દિગ્ગજ ગાયિકા સુમન કલ્યાણપુરનું નિધન:'આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે' જેવા ગીતો માટે જાણીતા; મરાઠી, આસામી, બંગાળી અને ઉડિયામાં પણ ગીતો ગાયા
જાણીતા અને દિગ્ગજ ગાયિકા સુમન કલ્યાણપુરનું રવિવારે સાંજે મુંબઈમાં 89 વર્ષની વયે તેમના નિવાસસ્થાને નિધન થયું. રિપોર્ટ્સ અનુસાર, તેમના મૃત્યુનું કારણ ઉંમર સંબંધિત સમસ્યાઓ હતી. તેમના નજીકના મિત્ર મંગલા ખાડિલકરે જણાવ્યું કે સુમનજીએ રાત્રે લગભગ 8 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના જ ગાયેલા ગીતો સાંભળી રહ્યા હતા અને તેમણે ખૂબ શાંતિથી દુનિયાને અલવિદા કહ્યું. સોમવારે સવારે લગભગ 11:30 થી 12 વાગ્યાની વચ્ચે પવન હંસ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પરિવારમાં તેમની પુત્રી ચારુ છે. તેમને 2023માં ‘પદ્મ ભૂષણ’ મળ્યો હતો. 1960 અને 1970ના દાયકામાં ખાસ ઓળખ બનાવી સુમન કલ્યાણપુરે 1960 અને 1970ના દાયકામાં પોતાના સુરીલા અવાજથી સંગીત જગતમાં એક ખાસ ઓળખ બનાવી હતી. તે સમયે લતા મંગેશકર જેવી મહાન ગાયિકા હોવા છતાં તેમણે પોતાની અલગ જગ્યા બનાવી. તેમના ગાયેલા ‘આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે’, ‘ના ના કરતે પ્યાર તુમ્હીં સે’ અને ‘તુમને પુકારા ઔર હમ ચલે આયે’ જેવા ગીતો આજે પણ લોકપ્રિય છે. તેમણે હિન્દી ઉપરાંત મરાઠી, અસમિયા, કન્નડ, બંગાળી અને ઉડિયા સહિત અનેક ભાષાઓમાં ગીતો ગાયા. જોકે લોકો અવારનવાર તેમના અવાજની સરખામણી લતા મંગેશકર સાથે કરતા હતા, પરંતુ સુમનજી હંમેશા આ સરખામણીને નકારતા હતા. વર્ષ 2022ના એક ઇન્ટરવ્યુમાં તેમણે લતાજીને પોતાની ખૂબ જ નજીકની મિત્ર ગણાવતા કહ્યું હતું કે તેમને મળવું હંમેશા એક સહેલીને મળવા જેવો અહેસાસ કરાવતું હતું. 45 વર્ષ સુધી અમીન સયાનીને રાહ જોવડાવી જાણીતા રેડિયો અનાઉન્સર અમીન સયાની 45 વર્ષ સુધી સુમનજી પાસે એક ઇન્ટરવ્યૂ માટે સમય માંગતા રહ્યા. પરંતુ સુમનજી દર વખતે વાત ટાળી દેતા હતા. આખરે 45 વર્ષ પછી અમીન સાહેબની પ્રતીક્ષા 2005માં પૂરી થઈ, જ્યારે સુમનજી એક કલાકના ઇન્ટરવ્યૂ માટે સંમત થયા. જોકે, તેમણે ઇન્ટરવ્યૂની મંજૂરી માત્ર એ શરતે આપી હતી કે કોઈ તેમનો ફોટો નહીં ખેંચે અને જો કોઈ સવાલ તેમને અસહજ લાગશે તો તેઓ તેનો જવાબ નહીં આપે. પડોશીએ પિતાને સંગીત શીખવવાનું કહ્યું સુમનનું વલણ બાળપણથી જ પેઇન્ટિંગ અને મ્યુઝિક તરફ હતું. જેના કારણે શાળા પછી ગ્રેજ્યુએશન પણ આર્ટ્સમાં કર્યું. તેઓ પેઇન્ટર બનવા માંગતા હતા પરંતુ સુમનના અવાજની પરખ તેમના પડોશી અને પિતાના મિત્ર પંડિત કેશવ રાવ ભોલેને થઈ ગઈ હતી. તેમણે સુમનના પિતાને સુમનને સંગીત શીખવવાની વાત કહી. શરૂઆતમાં તો સુમન માત્ર શોખ ખાતર જ સંગીત શીખી રહ્યા હતા પરંતુ સમયની સાથે-સાથે તેમાં તેમનો રસ વધવા લાગ્યો. સંગીતને તેઓ વધુ ગંભીરતાથી શીખવા લાગ્યા. આવનારા વર્ષોમાં સુમનને ઉસ્તાદ ખાન, અબ્દુલ રહમાન ખાન અને ગુરુજી માસ્ટર નવરંગ જેવા દિગ્ગજો પાસેથી પણ સંગીતની બારીકાઈઓ શીખવા મળી.
–
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

