નીરજ નહીં, તો આ વખતે કયો ભારતીય અરશદ નદીમને પછાડશે?:રોહિતનો થ્રો PAK જેવલિન થ્રોઅરને બહાર ફેંકી શકે; 'ગોલ્ડન બોય' એશિયન ગેમ્સમાંથી ઈજાના કારણે બહાર

Last Updated: August 29, 2026By

નીરજ ચોપરા સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગયો છે. તેણે શનિવારે સોશિયલ મીડિયામાં પોસ્ટથી આ માહિતી આપી હતી. નીરજે પોસ્ટમાં લખ્યું, લોઝેન ડાયમંડ લીગમાં સીઝનનો બેસ્ટ થ્રો કર્યાના થોડા સમય બાદ ટ્રેનિંગ દરમિયાન એંકલમાં ઈજા થઈ હતી. આનાથી લિગામેન્ટ ફાટી ગયું છે. આ ઈજાના કારણે નીરજ 5 સપ્ટેમ્બરે બ્રસેલ્સમાં યોજાનાર ડાયમંડ લીગ ફાઇનલમાં પણ ભાગ લઈ શકશે નહીં. આ સિવાય 11થી 13 સપ્ટેમ્બર સુધી બુડાપેસ્ટમાં યોજાનાર પ્રથમ વર્લ્ડ એથલેટિક્સ અલ્ટીમેટ ચેમ્પિયનશીપમાંથી પણ બહાર રહેશે. એવામાં હવે એક મોટો સવાલ એ ઊભો થયો છે કે પાકિસ્તાનના સ્ટાર જેવલિન થ્રોઅર અરશદ નદીમને કોણ પડકાર આપશે. આ પરિસ્થિતિમાં ભારતીય એથ્લીટ રોહિત યાદવ પર સૌની નજર રહેશે. રોહિત અને અરશદ આ પહેલા કેટલીય મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં આમને-સામને આવી ચૂક્યા છે. બંનેના હેડ-ટુ-હેડ રેકોર્ડ પર નજર કરીએ તો આંકડા એક રસપ્રદ ચિત્ર રજૂ કરે છે. રોહિત યાદવની પ્રોફાઇલ રોહિત યાદવ ભારતના પ્રમુખ જેવલિન થ્રોઅર્સમાં સામેલ છે અને કેટલીય મોટી આંતરરાષ્ટ્રીય મંચો પર દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. તેણે 2022 વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ અને કોમનવેલ્થ ગેમ્સમાં અરશદ નદીમનો સામનો કર્યો હતો. આ પછી બંને 2025 વર્લ્ડ ચેમ્પિયનશીપ અને 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પણ આમને-સામને આવ્યા હતા. રોહિત યાદવે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં 81.56 મીટરના થ્રો સાથે અરશદ નદીમથી ઉપર ફિનિશ કર્યું હતું. નીરજ ચોપરાની ગેરહાજરીમાં રોહિત ભારત તરફથી મોટી સ્પર્ધાઓમાં એક મહત્વપૂર્ણ પડકાર બની શકે છે. અરશદ નદીમની પ્રોફાઇલ હકીકતમાં, અરશદ નદીમના તાજેતરના કેટલાક પ્રદર્શનોને છોડી દેવામાં આવે તો આ એથ્લીટ પાકિસ્તાનનો સૌથી સફળ જેવલિન થ્રોઅર છે. તેણે પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીતીને પાકિસ્તાનનો પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક ચેમ્પિયન બનવાનો ઇતિહાસ રચ્યો હતો. તેના નામે 92.97 મીટરનો ઓલિમ્પિક અને એશિયાઈ રેકોર્ડ છે. તે 2023 વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ પાકિસ્તાની એથ્લીટ બન્યો હતો. અરશદ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં 90.18 મીટર ફેંકીને 90 મીટર પાર કરનાર પહેલો સાઉથ એશિયાઈ ખેલાડી બન્યો હતો. તેના નામે કોમનવેલ્થ, એશિયન ગેમ્સ, સાઉથ એશિયન ગેમ્સ અને એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં પણ મેડલ છે. રેકોર્ડમાં રોહિત યાદવ અને અરશદ નદીમમાંથી કોણ કોના પર ભારે? રોહિત યાદવ અને અરશદ નદીમ વચ્ચે અત્યાર સુધીના છ અલગ-અલગ મુકાબલાના રેકોર્ડને જોઈએ તો અરશદ નદીમનું પલડું વધારે ભારે દેખાય છે. 2022 વર્લ્ડ ચેમ્પિયનશીપની ક્વોલિફિકેશનમાં અરશદ 81.71 મીટર સાથે ચોથા અને રોહિત 80.42 મીટર સાથે છઠ્ઠા સ્થાને રહ્યો હતો. ફાઇનલમાં પણ અરશદે 86.16 મીટર સાથે પાંચમું સ્થાન મેળવ્યું, જ્યારે રોહિત 78.72 મીટર સાથે 10મા સ્થાને રહ્યો. 2022 કોમનવેલ્થ ગેમ્સમાં અરશદે 90.18 મીટરનો ઐતિહાસિક થ્રો કરીને ગોલ્ડ જીત્યો, જ્યારે રોહિત 82.22 મીટર સાથે છઠ્ઠા સ્થાને રહ્યો. 2026 કોમનવેલ્થ ગેમ્સમાં બદલાઈ ગયું ચિત્ર? 2025 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ અરશદે રોહિતને પાછળ છોડ્યાો હતો. જોકે, 2026 કોમનવેલ્થ ગેમ્સના ક્વોલિફિકેશનમાં અરશદ 78.63 મીટર અને રોહિત 78.37 મીટર સાથે આગળ રહ્યો. પરંતુ ફાઇનલમાં ચિત્ર બદલાઈ ગયું. રોહિત યાદવે 81.56 મીટરનો થ્રો કરીને સાતમું સ્થાન મેળવ્યું, જ્યારે અરશદ નદીમ 77.41 મીટર સાથે નવમા સ્થાને રહ્યો. એટલે કે આમને-સામનેના મોટાભાગના મુકાબલામાં અરશદ નદીમ રોહિત યાદવથી આગળ રહ્યો છે, પરંતુ 2026 કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલ સાબિત કરે છે કે રોહિત તેને પડકાર આપવાની ક્ષમતા ધરાવે છે. નીરજે લખ્યું- લય મેળવવાની નજીક હતો, હવે રિકવરી પર ધ્યાન નીરજે કહ્યું કે ભારે મહેનત પછી તેને લાગી રહ્યું હતું કે તે પોતાની લય મેળવી રહ્યો છે. લોઝેનમાં 88.05 મીટરનો થ્રો પણ આ જ વાતનો સંકેત હતો. ડાયમંડ લીગ ફાઇનલ માટે ક્વોલિફાય કરી ચૂક્યો હતો નીરજ લોઝેન ડાયમંડ લીગમાં બીજા સ્થાને રહ્યો હતો. તેણે શુક્રવારે જ ડાયમંડ લીગ ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. તેણે આ સીઝનમાં બે ડાયમંડ લીગ સ્પર્ધાઓ રમી અને બંનેમાં બીજા સ્થાને રહ્યો. 19 જૂને દોહા અને 21 ઓગસ્ટે લોઝેનમાં બીજા સ્થાને રહેવાથી તેને કુલ 12 પોઇન્ટ મળ્યા. તે સ્ટેન્ડિંગમાં છઠ્ઠા સ્થાને રહ્યો અને 5 સપ્ટેમ્બરે બ્રસેલ્સમાં યોજાનાર ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું. હવે ઘૂંટણ/એંકલની ઈજાના કારણે તે આ ફાઇનલમાં ભાગ લઈ શકશે નહીં. પીઠની ઈજામાંથી કમબેક કરી રહ્યો હતો નીરજ ગયા વર્ષે સપ્ટેમ્બરથી પીઠના નીચલા ભાગની ઈજા (લોઅર બેક ઇન્જરી)થી પરેશાન હતો. આ જ કારણે તેની 2026ની સીઝન પણ મોડી શરૂ થઈ હતી. તેણે દોહા ડાયમંડ લીગથી વાપસી કરી હતી. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પણ તે પૂરી રીતે ફિટ નહોતો. આમ છતાં તેણે 85.83 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. શ્રીલંકાના રૂમેશ થરાંગાએ 89.75 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં બે વાર ગોલ્ડ જીતી ચૂક્યો છે નીરજ નીરજ ચોપરાએ 2018 જકાર્તા અને 2023 હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિકમાં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે ટોકિયો 2021માં ગોલ્ડ અને પેરિસ 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. 2023 બુડાપેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતીને નીરજ એથલેટિક્સમાં વર્લ્ડ ચેમ્પિયનશીપનો ગોલ્ડ જીતનારા પ્રથમ ભારતીય બન્યો હતો.

Leave A Comment