યુદ્ધ 2.0થી દુનિયા ફરી ધ્રૂજી:અમેરિકાનો ઇરાન પર ભીષણ હુમલો, હોર્મુઝનાં બે ફાડિયાં, રશિયાનાં વોર મશિનનું સિક્રેટ ખુલ્યું, પુતિનને મોદીના ઠપકાથી પશ્ચિમ મલકાયું

Last Updated: September 2, 2026By

શું તમને પણ એવું લાગે છે કે યુક્રેન સામે લડી-લડીને રશિયા પાસે હથિયારો ખુટી ગયા છે? જો તમે આવું ક્યાંય વાંચ્યું કે સાંભળ્યું હોય તો તમે પશ્ચિમી દેશોની ભૂલનો કે નેરેટિવનો શિકાર થઈ ગયા છો. હકિકત એ છે કે રશિયા પાસે હથિયારોની કોઈ કમી નથી જો કે પૈસાની કિલ્લત છે એ માની શકાય. આજે આપણે વાત કરીશું યુદ્ધના ખપ્પરમાં હોમાતી દુનિયાની સાથે જ જાણીશું કે અમેરિકાએ ઈરાન પર ફરી મોટો હુમલો કર્યો તેનાથી હવે આગળ શું થશે? નમસ્કાર… સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે આ વાતની ચર્ચા અત્યારે કેમ થઈ રહી છે. તો વાત એવી છે કે અમેરિકા અને યુરોપને લાગતું હતું કે રશિયા પર મસમોટા પ્રતિબંધો લગાવી દઈશું એટલે રશિયાની ઈકોનોમી તાશના પત્તાની જેમ ધડામ થઈ જશે. પણ સપ્ટેમ્બર 2026માં આ દાવો ખોટો ઠર્યો. રશિયા ખાલી ટકી જ ન રહ્યું, પણ એ નાટો દેશો કરતાં પણ વધુ સ્પીડથી પોતાના હથિયારોનું પ્રોડક્શન કરવા લાગ્યું. ઈસ્લામિક દેશોમાં ફૂટ્યો જ્વાળામુખી! એક બાજુ રશિયા અને યુક્રેન યુદ્ધ એના પાંચમા વર્ષમાં એન્ટ્રી મારી ચૂક્યું છે તો બીજી બાજુ ઈસ્લામિક દેશોના ભાગોમાં એક નવો જ જ્વાળામુખી ફાટી નીકળ્યો. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીવાર મોટું યુદ્ધ ફાટી નીકળ્યું છે. આપણને એવું થાય કે ઈરાન અને અમેરિકાના ઝઘડામાં રશિયાને શું લેવાદેવા? તો એ જ જવાબમાં મોટી જિયોપોલિટિકલ ગેમ છૂપાાઈ છે. ટ્રમ્પે મરતા રશિયાને બચાવી લીધું વાર્તા એવી છે કે તેના કારણે ઓઈલ માર્કેટના ભાવ આસમાને છે. આ જ ક્રુડ ઓઈલના વધતા ભાવોએ રશિયાની ઈકોનોમીને મરતાં-મરતાં બચાવી લીધી. ટૂંકમાં અમેરિકાને ઈરાન સાથે યુદ્ધ કરીને ઈરાનને ખતમ કરી દેવું હતું ટ્રમ્પના તે જ નિર્ણયે રશિયાને બચાવી લીધું અને રશિયાના ભંડારો છલકાવી દીધા. ચીન કેવી રીતે રશિયાની છૂપી મદદ કરે છે? અને રશિયા આ પૈસા ક્યાં વાપરી રહ્યું છે? તો જવાબ છે મોટાપાયે હથિયારો બનાવવા માટે. રશિયાએ પ્રાઈવેટ કંપનીઓ અને ટેક્નિકલ વોલિન્ટિયર્સને હથિયારો બનાવવા કામે લગાડી દીધા છે. દુનિયાના પ્રતિબંધોથી બચવા રશિયાએ શેલ કંપનીઓનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. ચીનની અલીબાબા જેવી ઈકોમર્સ કંપની પણ ખુલ્લેઆમ રશિયા પાસેથી વસ્તુઓ ખરીદીને તેમને મદદ કરી રહ્યું છે. 24 કલાક કારખાના ચાલુ, 42 લાખ તોપ ગોળાનો વરસાદ હવે થોડી ગેમ ચેન્જિંગ આંકડાઓની પણ વાત કરી લઈએ. રશિયાએ દર વર્ષે 42 લાખ તોપના ગોળા બનાવવાનું શરૂ કર્યું છે. આપણે બદા નાટો દેશોની પ્રોડક્શન ક્વોન્ટીટીની આ આંકડા સામે કમ્પેરિઝન કરીએને તો નાટો દેશો ક્યાંય પાછળ છૂટી જાય. રશિયા આ બધાથી ચાર ગણી ઝડપે હથિયારોનું પ્રોડક્શન કરી રહ્યું છે. પુતિને પોતાની ડિફેન્સ ફેક્ટરીઓને 24 કલાક એટલે કે રાત-દિવસ ચાલુ રાખવા હુકુમ કરી દીધો છે. રશિયાનો મોટા ભાગનો માલ ભંગાર? જે કરવા માટે રશિયાએ એક સ્માર્ટ ગેમ રમી. રશિયાએ એ 1500થી વદુ ટેન્ક અને હથિયારોના વાહનો મેદાને ઉતાર્યા છે ને… એમાંથી 80 વસ્તુઓ જૂની નથી. રશિયાએ પોતાના જૂના અને કાટ ખાઈ ગયેલા સ્ટોકને ફેંદી માર્યો અને જૂની ટેન્કોને ફરી અપગ્રેડ કરી દીધી છે. આમ તો આ સ્ટોક અને વાહનો જૂના જ છે પણ અપગ્રેડ કરેલા છે. જે અત્યારે યુક્રેનને ભારે પડી રહ્યા છે. રશિયાની ખતરનાક ડ્રોન ક્રાંતિ હવે વાત કરીએ રશિયાની ડ્રોન ક્રાંતિની. રશિયાના તાતારસ્તાનમાં આવેલી અલાબુગા નામની ફેક્ટરીમાં રસિયાએ ડ્રોન બનાવવા માટેનું એક સામ્રાજ્ય પાથરી દીધું છે. દર મહિને અહીં પાંચથી સાડા પાંચ હજાર ગેરાન નામના ડ્રોન બની રહ્યા છે, આ તેમની પ્રોડક્શન ક્વોન્ટિટીમાં નવ ગણો વધારો છે. હમણાના જ રિપોર્ટ બહાર આવ્યા તેમાં એ વાત પરથી પડદો ઉઠ્યો છે કે રશિયાએ આ વર્ષ માટે 73 લાખ FPV એટલે કે ફર્સ્ટ પર્સન વ્યૂ ડ્રોન બનાવવાનો ટારગેટ રાખ્યો છે. આ સિવાય યુક્રેનનું કોમ્યુનિકેશન નેટવર્ક ઠપ્પ પાડી દેવા માટે 1 લાખ 30 હજારથી વધુ સિસ્ટમ રશિયાએ ગયા વર્ષે જ મેદાનમાં ઉતારી દીધી હતી. રશિયાને કોણ કરી રહ્યું છે મદદ? પણ સવાલ થાય કે આટલી મોટી સંખ્યામાં ડ્રોન બનાવવા માટે ઢગલા બંધ વસ્તુઓ જોઈએ, એ ક્યાંથી આવે છે? રશિયા ઉપર તો મોટા ભાગના દેશોએ બેન લગાવી દીધો છે ને? તો અહીં મેદાનમાં આવે છે ચાલાક ચીન. જે રશિયાને હથિયારો જ નથી આપતું પણ હોંગકોંગમાં રહેલી બોગસ શેલ કંપનીઓની મદદથી રશિયાને ડ્રોન બનાવવા માટે સેન્સર, માઈક્રો ચિપ્સ વગેરે પહોંચાડી રહ્યું છે. અધૂરામાં પૂરું ઈરાને પોતાની શાહેદ ડ્રોન ટેક્નોલોજી રસિયાને પધરાવી દીધી છે. આ ડ્રોન ઈરાનના શાહેદ ડ્રોન જેટલા હવે ધીમા નથી અને એમાં જેટ એન્જિન પણ લગાવી દેવાયા છે. આ ડ્રોન 900 કિલોમીટરની ઝડપે યુક્રેન પર તબાહી મચાવે છે. જે નાટો કરતાં તો ક્યાંય વધુ છે. ભારત સાથે રશિયાની હથિયાર ડીલ હથિયારોનો વરસાદ કરી દેવા માટે રશિયાએ ઈન્ટરનેશનલ કરારો પણ કરી રહ્યું છે. 2026માં રસિયાની કલાશ્નિકોવ નામની ફેમસ કંપનીએ ભારતના એક ભાગીદાર સાથે સિવિલિયન યુએવી સપ્લાય કરવાનો મોટો કરાર કર્યો છે. આવા તો અનેક કરારો છે પણ આપણે ભારતીય છીએ એટલે આપણી વાત રાખી. સામેની બાજુ યુક્રેન સામે હમણા સાત લાખથી વધુ રશિયન સૈનિકો તહેનાત કરવામાં આવ્યા છે પણ રશિયાનો પાવર હથિયારોના પ્રોડક્શનમાં છે. રશિયા સામે યુક્રેન પણ તૈયાર પણ રશિયા ભલે તોપના ગોળા બનાવીને મેદાન મારી રહ્યું હોય પણ અસલી રમત તો બીજે જ ચાલે છે. વાત એવી છે કે યુક્રેન હવે સમજી ગયું છે કે જો મેદાનમાં રશિયા સામે સીધી લડાઈ કરીશું તો હારી જઈશું, એટલે તેણે ગેમ બદલી નાખી છે. યુક્રેને પોતાની પાલ્યાનિત્સ્યા અને પેકલો નામના ભયાનક હાઈબ્રિડ રોકેટ ડ્રોન બનાવ્યા છે. આ ખતરનાક હથિયારો 650-700 કિલોમીટર સુધી એટેક કરી શકે છે. અધૂરામાં પૂરું બ્રિટને મદદ કરી છે તો યુક્રેન હવે રશિયાની ઓઈલ રિફાઈનરીઓ અને પાવર ગ્રીડ સિસ્ટમ પર હુમલા કરે છે. એટલે રશિયામાં અંધારુ છવાઈ જાય અને વેચવા માટે તેલ જ ન વધે. હોર્મુઝ સ્ટ્રેટના બે ફાડિયાં જ્યારે યુદ્ધની વાત કરી રહ્યા હોઈએ અને ઈરાનની વાત ન કરીએ તો માહિતી અધૂરી ગણાશે. તો હવે અમેરિકા-ઈરાનની પણ વાત કરીએ કારણ કે અમેરિકા હમણા થોડા દિવસથી ઈરાન પર દે-ઠોક હુમલાઓ કરી રહ્યું છે. હમણાં જ અમેરિકાએ ઈરાનના સિરિક, ખુજસ્તાન, કેશ્મ દ્વીપ અને બંદર અબ્બાસ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા હતા. જેનો જવાબ આપવામાં ઈરાન પણ પાછળ ન હટ્યું અને તેણે પણ જોર્ડન અને બહેરિનમાં અમેરિકાની સેનાના ઠેકાણા છે ત્યાં ધડાધડ હુમલાઓ કર્યા. ઈરાની સેનાનું કહેવું છે કે આ હુમલામાં અનેક અમેરિકન સૈનિકો માર્યા ગયા છે પણ અમેરિકાએ આ વાત ફગાવી દીધી છે. આ બધા હુમલાની શરૂઆત થઈ હોર્મુઝ સ્ટ્રેટના કારણે. અમેરિકાનું કહેવું છે કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં બારૂદી સુરંગો પાથરી રહ્યું છે. આ રોકવા માટે અમેરિકાએ કહ્યું પણ ઈરાન થોડી વાત માને? તેણે તો કામ ચાલુ જ રાખ્યું અને બંનેના ઈગોના કારણે અનેક લોકોનો ભોગ લેવાયો. છેલ્લા એક મહિનાથી આ યુદ્ધ રોકાયેલું હતું પણ હવે ફરીથી જ્વાળામુખી ફાટ્યો છે. જેના લીધે હોર્મુઝ સ્ટ્રેટ બે ફાટામાં વહેંચાઈ ગયું છે. પુતિનને મોદીના ઠપકાથી યુરોપમાં હરખની હેલી તો આખી વાતનો સાર કંઈક એવો છે કે, એકબાજુ ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી બાજુ રશિયા અને ઈરાન વચ્ચે ધમાચકડી ચાલી રહી છે. ભારતની સંતુલિત રાજનીતિ કઈ રીતે પોતાની વિદેશનીતિ ઘડશે તે જોવાનું રહેશે. પણ હમણાં કંઈક અલગ જ ઘટના જોવા મળી. એસસીઓ બેઠકમાં મોદી અને પુતિન મળ્યા હતા અને બંનેએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી. પુતિને પોતાની વાત મુકી અને ભારતે પોતાની વાત મુકી. પણ મોદીએ પોતાની વાતમાં કંઈક એવું કહી દીધું જેણે પુતિનને એકદમ ભૌચક્કા રાખી દીધા. મોદીએ પુતિનની આંખમાં આંખ નાખીને કહ્યું કે હવે આ અનંત યુદ્ધ બંધ કરો. જ્યારે તેમણે આ કહ્યું ત્યારે પુતિનની બોડી લેંગ્વેજ જોવા જેવી હતી. મોદીની આ વાતથી પશ્ચિમી દેશોને મજા પડી ગઈ છે કે કોઈ પુતિન મોઢા પર સંભળાવી ગયું. વોશિંગ્ટન પોસ્ટે તો ત્યાં સુધી લખી નાખ્યું કે મોદીએ પુતિનને જાહેરમાં ઠપકો આપ્યો. પણ ભારત હંમેશા શાંતિની વાત કરે છે અને ત્યારે પણ બુદ્ધ અને ગાંધીની ધરતીનો પુતિનને શાંતિનો જ સંદેશ મળ્યો હતો. તેનાથી વિશેષ કંઈ નહીં. અને છેલ્લે… ઈન્ટરનેશનલ મીડિયામાં સમાચાર ફરી રહ્યા છે કે છેલ્લા 9 મહિનાથી ઈરાનમાં રહેલું અમેરિકાનું USS અબ્રાહમ લિંકન જહાજ વેકેશન માણવા થાઈલેન્ડ પહોંચ્યું છે. BBCનું કહેવું છે કે કોઈ પણ જવાનને રેડ લાઈટ એરિયામાં નથી જવાનું. આવું ન થાય તેના માટે થાઈલેન્ડે 50 દેહવેપારમાં જોડાયેલા વર્કર્સની પણ અટકાયત કરી દીધી છે. આ અમેરિકાનું કોઈ સિક્રેટ મિશન હોય કે જવાનો મોજ મજા માટે ગયા હોય પણ વેપારીઓને બખ્ખાં બોલશે તે નક્કી છે. કારણ કે એ ખર્ચો અમેરિકા સરકાર ભોગવવાની છે. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar)

Leave A Comment