રશિયાનો યુક્રેન પર પ્રલયકારી હુમલો:પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ ઓરેશ્નિક મિસાઈલ છોડી, આખી રાતમાં 690 હુમલા; શાળા-બજાર ખાખ; ભયાનક તસવીરો

Last Updated: May 24, 2026By

રશિયાએ રવિવારે યુક્રેન પર અનેક મિસાઈલો અને ડ્રોન વડે હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા હતા અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. હુમલાનું નિશાન યુક્રેનની રાજધાની કિવની આસપાસના વિસ્તારો હતા. રશિયાએ કહ્યું કે આ હુમલો યુક્રેનિયન હુમલાઓના જવાબમાં કરવામાં આવ્યો હતો. રશિયન સંરક્ષણ મંત્રાલય અનુસાર, હુમલામાં ઓરેશનિક હાઇપરસોનિક મિસાઇલનો પણ ઉપયોગ થયો હતો. આ મિસાઇલ પરમાણુ હથિયારો લઈ જવામાં પણ સક્ષમ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયા પર જાણી જોઈને નાગરિક વિસ્તારોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ટેલિગ્રામ પર લખ્યું કે રશિયન હુમલાઓમાં પાણી પુરવઠાની એક સુવિધાને નુકસાન થયું, એક બજાર બળી ગયું અને અનેક ઘરો અને શાળાઓ પર હુમલો થયો. ઝેલેન્સકીએ કહ્યું કે રશિયા દ્વારા છોડવામાં આવેલી ઓરેશ્નિક મિસાઇલ બિલા ત્સેરક્વા શહેર નજીક પડી હતી. તેમણે કહ્યું, “તેઓ ખરેખર પાગલ થઈ ગયા છે. રશિયાને તેની સજા મળવી જરૂરી છે.” યુક્રેનના વિદેશ મંત્રી આન્દ્રી સિબીહાએ કહ્યું કે મિસાઇલમાં ડમી વોરહેડ લગાવવામાં આવ્યું હતું. રશિયાના હુમલા સંબંધિત 7 તસવીરો રશિયાએ અત્યાર સુધી માત્ર 3 વખત ઓરેશ્નિકનો ઉપયોગ કર્યો અમેરિકા ઓરેશ્નિકને મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઈલ માને છે. આ મિસાઈલ પરંપરાગત અથવા પરમાણુ વોરહેડ લઈ જવામાં સક્ષમ છે. તેની ગતિ અને ઉડાનની રીત એવી છે કે યુક્રેનની વર્તમાન એર ડિફેન્સ સિસ્ટમ માટે તેને રોકવું લગભગ અશક્ય માનવામાં આવે છે. રશિયાએ અત્યાર સુધી માત્ર ત્રીજી વખત આ મિસાઈલનો ઉપયોગ કર્યો છે. રશિયાએ ઓરેશનિક મિસાઈલનો પહેલીવાર ઉપયોગ 21 નવેમ્બર 2024ના રોજ કર્યો હતો. તે સમયે આ મિસાઈલથી યુક્રેનના દ્નીપ્રો શહેરમાં આવેલા પિવદેનમાશ એરોસ્પેસ પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. તે સમયે શરૂઆતમાં યુક્રેનને લાગ્યું હતું કે રશિયાએ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ છોડી છે, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે તે ઓરેશનિક મિસાઈલ હતી. બીજી વાર રશિયાએ જાન્યુઆરી 2026માં ઓરેશનિકનો ઉપયોગ કર્યો. આ હુમલો પશ્ચિમી યુક્રેનના લ્વીવ ક્ષેત્ર પર કરવામાં આવ્યો હતો. રશિયાએ કહ્યું હતું કે નિશાન લ્વીવ સ્ટેટ એવિએશન રિપેર પ્લાન્ટ હતું. ઓરેશ્નિક પર ડમી વોરહેડ લગાવીને છોડી યુક્રેનના વિદેશ મંત્રી આન્દ્રી સિબિહાએ કહ્યું કે ઓરેશ્નિક મિસાઈલમાં ડમી વોરહેડ લગાવવામાં આવ્યું હતું. યુરોપિયન યુનિયનના વિદેશ નીતિ પ્રમુખ કાજા કાલસે X પર લખ્યું કે “ઓરેશ્નિક જેવી પરમાણુ વોરહેડ લઈ જતી મિસાઈલનો ઉપયોગ રાજકીય ભય પેદા કરવા અને અત્યંત ખતરનાક પરમાણુ શક્તિ પ્રદર્શનનો પ્રયાસ છે.” ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ રશિયાના રાતભર ચાલેલા હુમલાની નિંદા કરી. તેમણે કહ્યું કે ઓરેશ્નિક મિસાઈલનો ઉપયોગ રશિયાના “આક્રમક યુદ્ધ”માં વધુ મોટો ઉશ્કેરણીજનક કૃત્ય છે. જર્મનીના ચાન્સેલર ફ્રીડરિચ મર્ઝે તેને “અત્યંત બેજવાબદાર વૃદ્ધિ” ગણાવી અને કહ્યું કે જર્મની યુક્રેન સાથે મજબૂતીથી ઊભું રહેશે. રશિયાએ યુક્રેન પર 700 હુમલા કર્યા યુક્રેનિયન વાયુસેના અનુસાર રશિયાએ રાતભરમાં 600 ડ્રોન અને 90 મિસાઈલો છોડી. એર ડિફેન્સ સિસ્ટમે તેમાંથી 604 હથિયારોને તોડી પાડ્યા. વિદેશ મંત્રી સિબિહાએ તેને રાજધાની પર થયેલા સૌથી મોટા હુમલાઓમાંથી એક ગણાવ્યો. ઝેલેન્સકીએ કહ્યું, “દુર્ભાગ્યે, તમામ બેલિસ્ટિક મિસાઈલો રોકી શકાઈ નહીં. સૌથી વધુ નુકસાન કિવને થયું અને આ જ આ રશિયન હુમલાનું મુખ્ય નિશાન હતું.” ઝેલેન્સકીએ પુતિન પર નિશાન સાધતા કહ્યું કે “અમેરિકા, યુરોપ અને બાકીના દેશોએ નિર્ણયો લેવા પડશે જેથી મોસ્કોમાં બેઠેલા વૃદ્ધ વ્યક્તિ પર એટલું દબાણ બને કે તેમને આખરે યુદ્ધ રોકવું પડે અને શાંતિની વાત કરવી પડે. રાજધાની પર આ હુમલો તે સમયે થયો જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના એક હુમલાના જવાબમાં કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. યુક્રેને રશિયાના કબજા હેઠળના વિસ્તારમાં હુમલો કર્યો હતો, જેમાં ઘણા લોકોના મોત થયા હતા. પુતિને યુક્રેન પર આતંકી હુમલો કરવાનો આરોપ લગાવ્યો બીજી તરફ પુતિને યુક્રેન પર આતંકી હુમલો કરવાનો આરોપ લગાવ્યો. તેમનો દાવો છે કે યુક્રેનિયન ડ્રોને શુક્રવારે પૂર્વીય લુહાન્સ્ક ક્ષેત્રના રશિયા-નિયંત્રિત સ્ટારોબિલ્સ્ક શહેરમાં એક કોલેજ હોસ્ટેલને નિશાન બનાવ્યું. રશિયન સરકારી સમાચાર એજન્સી ટાસ મુજબ આ ડ્રોન હુમલામાં માર્યા ગયેલા બાળકોની સંખ્યા વધીને 18 થઈ ગઈ છે. રશિયાના કટોકટી મંત્રાલયે કહ્યું કે કાટમાળ નીચે હજુ પણ ત્રણ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, ઓરેશનિક અને અન્ય બેલેસ્ટિક મિસાઈલોનો ઉપયોગ રશિયન ક્ષેત્રમાં નાગરિક લક્ષ્યો પર યુક્રેનના આતંકવાદી હુમલાઓના જવાબમાં કરવામાં આવ્યો હતો. જોકે, યુક્રેનિયન સેનાએ પુતિનના આરોપોને નકારી કાઢ્યા હતા. તેણે કહ્યું કે તે ફક્ત લશ્કરી માળખા અને લશ્કરી ઉપયોગ માટેના સ્થળોને નિશાન બનાવે છે.

Leave A Comment