રહસ્ય, રોમાંચ અને લોહીયાળ ખેલ!:ગુજરાતી સિનેમામાં સસ્પેન્સનો ડબલ ડોઝ, 'પાતકી' અને 'બ્લેક બર્થડે'ના ટ્રેલર રિલીઝ

Last Updated: January 18, 2026By

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે માત્ર કોમેડી કે ડ્રામા પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ સસ્પેન્સ અને થ્રિલર ક્ષેત્રે પણ નવા આયામો સર કરી રહી છે. વર્ષ 2026ની શરૂઆતમાં જ દર્શકોને રહસ્ય અને રોમાંચનો ડબલ ડોઝ મળવાનો છે. તાજેતરમાં જ બે મોટી ફિલ્મો ‘પાતકી’ અને ‘બ્લેક બર્થડે’ના દમદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યા છે, જેણે દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાડી છે. ‘પાતકી’: સુખી લગ્નજીવનમાં લોહીયાળ વળાંક શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા સ્ટારર ફિલ્મ ‘પાતકી’ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે. વાર્તાની વાત કરીએ તો, એક માણસ જ્યાં સુધી દોષિત સાબિત ન થાય, ત્યાં સુધી નિર્દોષ છે, પરંતુ જો તે ખરેખર દોષિત હોય અને તેમ છતાં નિર્દોષ સાબિત થાય તો? માનવ (ગૌરવ પાસવાલા) એક મહત્વાકાંક્ષી છતાં જમીન સાથે જોડાયેલો કોર્પોરેટ પ્રોફેશનલ છે, જેનું જીવન દેખીતી રીતે આદર્શ લાગે છે. તેની પત્ની નિત્યા (શ્રદ્ધા ડાંગર) તેની તાકાત છે અને તેમનું લગ્નજીવન એકદમ સુખી છે. પરંતુ અચાનક જ માનવની આ સપના જેવી દુનિયા વિખેરાઈ જાય છે. સર્જાયેલી અરાજકતામાં માનવ બધી ઘટનાઓ માટે પોતાને જવાબદાર માને છે. અપરાધભાવથી પીડાતો માનવ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારવાનું નક્કી કરે છે, પરંતુ વાર્તા ત્યારે વિચિત્ર વળાંક લે છે, જ્યારે દરેક પુરાવા માનવના નિવેદનને પડકારે છે. તે જ્યારે આત્મશંકાના વમળમાં ફસાય છે, ત્યારે સત્ય બહાર આવે છે. ‘પાતકી’ દર્શાવે છે કે, આપણે બધાં એક સ્તરે નિર્દોષ છીએ અને બીજા સ્તરે દોષિત. ફિલ્મની સ્ટારકાસ્ટ ટ્રેલરમાં પ્રેમ, લાગણીઓ, દુઃખ, પીડા સસ્પેન્સ બધું જ સુંદર રીતે આવરી લેવામાં આવ્યું છે. તે દર્શકોને સતત જકડી રાખે છે. ફિલ્મમાં શ્રદ્ધા અને ગૌરવ ઉપરાંત ‘બા બહુ બેબી’ સિરિયલ ફેમ સુચિતા ત્રિવેદી, હિન્દી ટીવી સ્ટાર હિતેન તેજવાણી, ઉજ્જવલ દવે, ‘લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે’ ફેમ કરણ જોશી (લાલો) અને આકાશ ઝાલા મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. અભિનય દેશમુખના ડિરેક્શનમાં ‘એએમપી સ્ટુડિયો પ્રોડક્શન્સ’ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું અવિરત પિક્ચર્સ, કાલાંશ ક્રિએટીવ્સ, પામ સ્ટુડિયો, કનક પિક્ચર્સ અને વિઝન મુવી મેકર્સના એસોશિએશન સાથે નિર્માણ થયેલું છે. દિવ્યેશ દોશી, આલાપ કિકાણી, નૃપલ પટેલ, આનંદ ખમર અને રાજુ રાયસિંઘાની આ ફિલ્મના પ્રોડ્યુસર્સ છે. 30 જાન્યુઆરીએ રિલીઝ થશે ‘પાતકી’ ટ્રેલર લોન્ચ પ્રસંગે શ્રદ્ધા ડાંગરે કહ્યું કે, ‘આ ફિલ્મની વાર્તા ખૂબ જ અલગ અને ચેલેન્જિંગ છે. દર્શકોને આમાં મારો એક નવો જ અવતાર જોવા મળશે.’ જ્યારે ગૌરવ પાસવાલાએ ઉમેર્યું કે, ”પાતકી’ ગુજરાતી સિનેમામાં સસ્પેન્સના નવા સ્તરને સ્પર્શે છે. આ ફિલ્મમાં મારો રોલ એક એવા માણસનો છે, જે પોતાની જ વાસ્તવિકતા સામે લડી રહ્યો છે.’ સસ્પેન્સ, ડ્રામા અને રહસ્યથી ભરપૂર ફિલ્મ ‘પાતકી’ 30 જાન્યુઆરી, 2026ના રોજ સમગ્ર ગુજરાત, મુંબઈ અને દુબઇ, યુએસ, યુકે, કેનેડા, ઈસ્ટ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને તમામ ગલ્ફ દેશોના સિનેમાઘરોમાં પેનોરમા સ્ટુડિયો દ્વારા વર્લ્ડ વાઇડ રિલીઝ કરવામાં આવશે. ‘બ્લેક બર્થડે’ : જટિલ ત્રિકોણીય પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આર્જવ ત્રિવેદી, યોગીતા પટેલ અને ચેતન દૈયા સ્ટારર ફિલ્મ ‘બ્લેક બર્થડે’નું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. વાર્તાની વાત કરીએ તો, તે એક જટિલ ત્રિકોણીય પ્રેમ પ્રકરણની આસપાસ વણાયેલી છે, જે એક ભયાનક વળાંક લેતા રહસ્યમય મર્ડર મિસ્ટ્રીમાં ફેરવાઈ જાય છે. ટ્રેલરમાં જોવા મળતું સસ્પેન્સ અને ડાર્ક થીમ દર્શકોને સતત વિચારવા માટે મજબૂર કરે છે. પ્રેમ, ઈર્ષ્યા અને ગુનાના તાણાવાણા સાથે બનેલી ‘બ્લેક બર્થડે’ ગુજરાતી સિનેમામાં એક નવી જ ઉંચાઈ પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ નિર્માતાઓએ વ્યક્ત કર્યો છે. 13 ફેબ્રુઆરીએ રિલીઝ થશે ‘બ્લેક બર્થડે’ સ્ટુડિયો અર્વા પ્રોડક્શનના બેનર હેઠળ સાહિલ પટેલ અને વિશાલ પ્રજાપતિના પ્રોડક્શનમાં બનેલી આ થ્રિલર ડ્રામાનું ડિરેક્શન બ્રિજેશ બૌદ્ધ અને શાહિદ અલીએ કર્યું છે. ફિલ્મમાં આર્જવ, યોગીતા અને ચેતન ઉપરાંત જિતેન્દ્ર ઠક્કર, ધ્રુવી સોની, સ્મિત જોશી, મગન લુહાર, કલ્પેશ પટેલ, ગૌરાંગ જેડી મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મમેકર્સે કહ્યું કે, ‘બ્લેક બર્થડે’ એ એક એવી રહસ્યમયી વાર્તા છે જે દર્શકોને અંત સુધી જકડી રાખશે. ફિલ્મમાં આર્જવ ત્રિવેદી અને ચેતન દૈયા જેવા સક્ષમ કલાકારોની જુગલબંધી જોવા મળશે, જે ગુજરાતી સિનેમામાં સસ્પેન્સના એક નવા સ્તરની પ્રતીતિ કરાવશે. આ ફિલ્મ વેલેન્ટાઇન વીક એટલે કે 13 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થશે.’