વૈદેહી ચૌધરીએ વુમન્સ સિંગલ્સમાં ત્રીજું ફેનેસ્ટા ઓપન ટાઇટલ જીત્યું:મેન્સ સિંગલ્સમાં માન કેશરવાનીએ મેડન મેન્સ ક્રાઉનનો ખિતાબ મેળવ્યો
નવી દિલ્હીના DLTA કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી 31મી ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ટોચના ક્રમની વૈદેહી ચૌધરી અને છઠ્ઠા ક્રમે આવતા માન કેશરવાનીએ શનિવારે અનુક્રમે વુમન્સ અને મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યા છે. 2022 અને 2024માં પણ આ ખિતાબ જીતનારી ચૌધરીએ 20 વર્ષીય શ્રુતિ અહલાવતને બે કલાક અને 15 મિનિટ ચાલેલી ફાઇનલમાં 6-4, 7-5થી હરાવીને પોતાનો ત્રીજી વખત ફેનેસ્ટા ઓપન તાજ પોતાના શિરે શોભાવ્યો છે. જીત પછી ચૌધરીએ જણાવ્યું હતું કે, “મને આ જીતનું ખૂબ જ ગૌરવ છે. આ મારું ત્રીજું ટાઇટલ હોવાથી ચોક્કસપણે હું અત્યારે ખૂબ ખુશ છું. પહેલા સેટમાં હું 5-3થી આગળ હતી અને તે સતત લડત આપી રહી હતી. બીજા સેટમાં પણ હું 5-3થી આગળ હતી અને તે અંત સુધી લડતી રહી. તે એક શાનદાર અને રસાકસી ભરી મેચ હતી.” મેન્સ સિંગલ્સની ફાઇનલમાં, કેશરવાનીએ ત્રીજા ક્રમના નીતિન સિંહાને એક કલાક અને 37 મિનિટમાં 6-0, 6-4 થી હરાવીને પોતાનું પહેલું ફેનેસ્ટા ઓપન ટાઇટલ જીત્યું છે. કેશરવાનીએ એક પણ ગેમ છોડ્યા વગર શરૂઆતના સેટમાં પ્રથમ 6 ગેમ જીતીને પ્રભાવશાળી શરૂઆત કરી હતી. બીજો સેટ વધુ સ્પર્ધાત્મક હતો, પરંતુ છઠ્ઠા ક્રમના આ ખેલાડીએ પોતાની સર્વિસ જાળવી રાખતા પહેલાં 3-2 પર નિર્ણાયક બ્રેક મેળવ્યા બાદ મેચનું સમાપન કર્યું હતું. જીત બાદ કેશરવાનીએ કહ્યું હતું કે, “પહેલો સેટ સહેલો હતો, પરંતુ હું મારા હરીફને અભિનંદન આપીશ. તે થોડો ઇજાગ્રસ્ત હોવા છતાં પણ રમી રહ્યો છે અને સ્પર્ધા કરી રહ્યો છે. તેના પર ખૂબ ગૌરવ છે. બીજા સેટમાં, તે થોડો ડગમગ્યો હતો. પરંતુ 3-2 પર, મેં તેને બ્રેક કર્યો અને પછી મેં સતત ફક્ત મારી સર્વિસ પકડી રાખી અને હું જીતી ગયો. આ મારું પહેલું ફેનેસ્ટા ટાઇટલ છે. છેલ્લા 4 વર્ષથી, હું દરેક ફેનેસ્ટા ઓપનમાં પ્રથમ રાઉન્ડ હારી જતો હતો. આ વખતે મેં સીધો ફાઇનલમાં પ્રવેશ કર્યો અને જીતી ગયો. હું ખૂબ જ ભાવુક છું. મને ખબર નથી કે આ જીતને શબ્દોમાં કેવી રીતે વ્યક્ત કરું પરંતુ હું ખૂબ જ ખુશ છું. ખાસ કરીને મારા માતાપિતાનો હું આભાર માનવા માંગુ છું, જેમણે હંમેશા મને સપોર્ટ આપ્યો છે.” પ્રેઝન્ટેશન સેરેમનીમાં દિલ્હી લૉન ટેનિસ એસોસિયેશનના પ્રમુખ રોહિત રાજપાલ, ફેનેસ્ટા બિલ્ડિંગ સિસ્ટમ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને બિઝનેસ હેડ સાકેત જૈન, ભારતીય હોકી ખેલાડી અને 2026 એશિયન્સ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા જુગરાજ સિંહ અને ચાર વખત ફેનેસ્ટા ઓપન ચેમ્પિયન અને DLTAના ખજાનચી પ્રેરણા ભામ્બરી ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતાઓને ટ્રોફી એનાયત કરી હતી. બોય્ઝ U-18 સિંગલ્સમાં 16 વર્ષીય રિષભની જીત જ્યારે બોય્સ અંડર-18 સિંગલ્સમાં 10મા ક્રમના 16 વર્ષીય રિભવ સરોહાએ ચોથા ક્રમના ઓમ રમેશ પટેલને 6-4, 6-3થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. સરોહાએ કહ્યું હતું કે, “ઓમ સામે મારે આક્રમક અને સંગત રહેવાની રણનીતિ હતી, જે હું જાળવી શક્યો. 16 વર્ષની ઉંમરે આ U-18 ફેનેસ્ટા નેશનલ્સ જીતીને મને ખૂબ આનંદ થાય છે.” બીજી તરફ ગર્લ્સ અંડર-18 સિંગલ્સની ફાઇનલમાં, બીજા ક્રમાંકની પાર્થસારથી મુંઢેએ સાતમા ક્રમના આહાનને 6-3, 6-4થી હરાવીને ટાઇટલ મેળવ્યું હતું. મુંઢેએ જણાવ્યું હતું કે પાંચ મહિના પછીની આ પહેલી ટુર્નામેન્ટમાં ફાઇનલમાં પહોંચીને જીત મેળવવી એ શાનદાર અનુભવ હતો. હવે પછી ફેનેસ્ટા ઓપન અંડર-16 અને અંડર-14 ઇવેન્ટ્સ આવતા અઠવાડિયે DLTA ખાતે શરુ થશે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


