શું ગિલ કરી શકશે વિરાટ કોહલી વાળો મોટો જાદુ?:9 વર્ષ બાદ શ્રીલંકામાં ભારતની સૌથી મોટી પરીક્ષા; WTCની દ્રષ્ટિએ અતિ મહત્ત્વની સિરીઝ

Last Updated: August 7, 2026By

અંદાજે નવ વર્ષ પછી ઈન્ડિયન ટીમ ટેસ્ટ સિરીઝ માટે શ્રીલંકા પહોંચી છે. 15 ઑગસ્ટથી શરૂ થનારી બે મેચની આ સિરીઝ માત્ર બાઇલેટરલ સિરીઝ નથી, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ છે. 2017માં વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતે શ્રીલંકાને તેની જ ધરતી પર 3-0થી હરાવીને ઇતિહાસ રચ્યો હતો. હવે કેપ્ટન બદલાઈ ગયા છે, પરંતુ અપેક્ષાઓ તેવી જ છે. વિરાટની ટીમે રચ્યો હતો ઇતિહાસ 2017નો શ્રીલંકા પ્રવાસ ભારતીય ક્રિકેટના સૌથી યાદગાર વિદેશી પ્રવાસોમાં ગણાય છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળ ભારતે ગોલ, કોલંબો અને પલ્લેકેલે ત્રણેય ટેસ્ટ જીતીને 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. શ્રીલંકામાં ભારતની તે પ્રથમ 3-0 ટેસ્ટ સિરીઝ જીત હતી. તે પ્રવાસ દરમિયાન વિરાટે 610 રન બનાવ્યા હતા, જ્યારે ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ બોલથી મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે શુભમન ગિલના હાથમાં કમાન વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજો હવે આ ટેસ્ટ ટીમનો હિસ્સો નથી. કેપ્ટનશીપની જવાબદારી શુભમન ગિલના ખભા પર છે. વિદેશી પરિસ્થિતિઓમાં કેપ્ટન તરીકે આ તેની સૌથી મોટી પરીક્ષાઓમાંથી એક હશે. જો ભારતને સિરીઝ જીતવી હોય તો શુભમન ગિલે બેટિંગ અને કેપ્ટનશીપ, બંનેમાં ઉદાહરણ પૂરું પાડવું પડશે. ગોલની પીચ પર થશે સાચી પરીક્ષા પહેલી ટેસ્ટ ગોલમાં રમાશે, જ્યાં સ્પીન બોલરો અવારનવાર મેચ પર હાવિ રહે છે. જેમ જેમ મેચ આગળ વધે છે, તેમ પીચ તૂટે છે અને બેટિંગ મુશ્કેલ બનતી જાય છે. એવામાં ભારતીય બેટર્સે લાંબી ઇનિંગ્સ રમવાની સાથે સ્પીન સામે ધીરજ પણ દર્શાવવી પડશે. આ જ સિરીઝનો સૌથી મોટો પડકાર બની શકે છે. બુમરાહ નહીં હોય તો ફાસ્ટ બોલરો પર દબાણ વધશે ભારતને સિરીઝ પહેલા જસપ્રીત બુમરાહની ગેરહાજરીના રૂપમાં મોટો આંચકો લાગ્યો છે. તેની ગેરહાજરીમાં ઝડપી બોલિંગ આક્રમણની જવાબદારી બાકીના બોલરો પર રહેશે. નવા બોલથી શરૂઆતી વિકેટો ઝડપવી અને જૂના બોલથી રિવર્સ સ્વિંગ મેળવવો ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે. WTC પોઇન્ટ્સ ટેબલમાં દરેક જીતની કિંમત આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 સાયકલનો ભાગ છે. બે ટેસ્ટ હોવાને કારણે દરેક મેચનું પરિણામ પોઇન્ટ્સ ટેબલ પર સીધી અસર પાડશે. ભારત અને શ્રીલંકા બંને જીત સાથે પોતાની સ્થિતિ મજબૂત કરવા ઇચ્છશે, તેથી આ સિરીઝનું મહત્વ સામાન્ય દ્વિપક્ષીય મુકાબલા કરતાં ક્યાંય વધુ છે. શ્રીલંકાએ ભારત સામે છેલ્લી ટેસ્ટ સિરીઝ 2008માં જીતી હતી. ત્યારપછી ભારતે બંને દેશો વચ્ચેની ટેસ્ટ ક્રિકેટમાં સતત પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ઘરઆંગણાની પરિસ્થિતિઓનો લાભ ઉઠાવીને યજમાન ટીમ આ વખતે લાંબા રાહનો અંત લાવવા ઇચ્છશે. શું ગિલ વિરાટની સિદ્ધિ પુનરાવર્તિત કરી શકશે? 2017માં વિરાટ કોહલીએ શ્રીલંકામાં ભારતીય ક્રિકેટને ઐતિહાસિક જીત અપાવી હતી. હવે 2026માં એ જ જવાબદારી શુભમન ગિલ સામે છે. યુવા કેપ્ટન પાસે ઇતિહાસનું પુનરાવર્તન કરવાની તક છે, પરંતુ શ્રીલંકાની સ્પીન, સ્થાનિક પરિસ્થિતિઓ અને WTCનું દબાણ આ પ્રવાસને સરળ નહીં બનવા દે. આગામી બે ટેસ્ટ નક્કી કરશે કે ગિલ પોતાની આગેવાનીની પહેલી મોટી વિદેશી પરીક્ષામાં કેટલા સફળ રહે છે. શ્રીલંકા સામેની ટેસ્ટ માટે ભારતીય ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિષભ પંત (વિકેટકીપર), સાઈ સુદર્શન*, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, આકીબ નબી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ગુરનૂર બરાર, દેવદત્ત પડિકલ, સારાંશ જૈન. *સબ્જેક્ટ ટુ ફિટનેસ…

Leave A Comment