સચિને બતાવી ટ્રાવેલ પેકિંગની ખાસ રીત, VIDEO:ભાખરવડી અને નાસ્તો પણ પેક કર્યો, લાંબી મુસાફરી માટે કરી આ રીતની પેકિંગ

Last Updated: June 19, 2026By

આપણે બધા જ પ્રવાસ કરવાનું ખૂબ પસંદ કરીએ છીએ, પરંતુ જ્યારે પ્રવાસની ઝીણવટભરી બાબતો જેવી કે આખું આયોજન કરવું, બુકિંગ કરવું અને સૌથી મહત્ત્વનું એટલે કે સામાન પેક કરવો. ત્યારે આપણામાંથી ઘણા લોકો તેને સ્માર્ટલી કે ઝડપથી કરી શકતા નથી. મુસાફરી માટે પેકિંગ કરવું એ માત્ર એક સામાન્ય કામ નથી, પરંતુ શું સાથે લેવું અને શું ઘરે મૂકીને જવું તે નક્કી કરવું વધુ તણાવપૂર્ણ હોય છે. પરંતુ સચિન તેંડુલકર માટે આ એક એવું કામ છે જેને તેઓ સૌથી વધુ માણે છે. તાજેતરમાં જ એક ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં સચિન તેંડુલકરે તેમની લગેજ પેક કરવાની અદ્ભુત કળા દર્શાવી છે, જેમાંથી આપણા બધાને ઘણું શીખવા મળી શકે છે. વીડિયોમાં સચિને શું કહ્યું? સચિન તેંડુલકરે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો અપલોડ કર્યો. તે વીડિયો મુજબ, સચિનને હંમેશા વ્યવસ્થિત રીતે પેકિંગ કરવાનો ખૂબ જ આનંદ આવે છે. તેમની આ આદત કંઈ અત્યારની નથી, પરંતુ શાળાના દિવસોથી જ તેમની સાથે છે. વીડિયોમાં તેઓ કહે છે, “પેકિંગ એક એવી વસ્તુ છે જેનો મેં હંમેશા આનંદ માણ્યો છે, પરંતુ તે વ્યવસ્થિત પેકિંગ હોવું જોઈએ. જો મારે તમને કંઈક બતાવવું હોય, તો હું હંમેશા મારે જે પણ પેક કરવાનું હોય તે બધું જ એક કાગળ પર લખી રાખું છું. આ વસ્તુ મારા શાળાના દિવસોથી જ ચાલતી આવે છે.” સચિનની પેકિંગ ફિલોસોફી સચિન તેંડુલકર પ્રવાસ દરમિયાન પોતાને ખૂબ જ પ્રેક્ટિકલ ગણાવે છે અને મુસાફરી કરતી વખતે એક કરતાં વધુ બેગ રાખવાનું ટાળે છે. તેઓ ઉમેરે છે કે, “હું પ્રવાસમાં અગણિત બેગ લઈને ફરનારા લોકોમાંથી નથી. મને પ્રેક્ટિકલ રહેવું ગમે છે.” પોતાના સ્લિપ-ઓન શૂઝ તરફ ઈશારો કરતા તેઓ કહે છે, “આ પગરખાં મુસાફરી માટે છે. આ ખૂબ આરામદાયક છે, કારણ કે જ્યારે ફ્લાઇટની લાંબી મુસાફરી દરમિયાન પગમાં થોડો સોજો આવવા લાગે છે, ત્યારે આ ફૂટવેરનું ઇલાસ્ટિક પગને આરામ આપવામાં મદદ કરે છે અને ફ્લાઇટના પ્રવાસને વધુ સુખદ બનાવે છે.” વેકેશન માટે કપડાંની પસંદગી તેઓ વીડિયોમાં આગળ સમજાવે છે કે જ્યારે તેઓ વેકેશન કે રજાઓ માણવા માટે પ્રવાસ કરી રહ્યા હોય ત્યારે તેઓ આરામદાયક કપડાં જ પસંદ કરે છે. તેઓ કહે છે, “જ્યારે હું પ્રવાસ કરું છું, રજાઓ માણું છું, ત્યારે મને કમ્ફર્ટેબલ રહેવું ગમે છે. તેથી ટ્રેક પેન્ટ્સ એ મારી મુખ્ય પસંદગી છે અને તે જ મારું નાઇટવેર પણ છે.” મુસાફરી દરમિયાન સચિનના મનપસંદ નાસ્તા વીડિયોના છેલ્લા ભાગમાં, તેઓ પોતાની બેગમાં કેટલીક એનર્જી બાર અને ભાખરવડી પેક કરતા જોવા મળે છે. તેઓ મજાકિયા અંદાજમાં કહે છે, “મારે તમને આ બતાવવું ન જોઈએ. મને મારી ભાખરવડી અને એનર્જી બાર ખાવાનો ભારે આનંદ આવે છે. મને આ વસ્તુઓ ટ્રાય કરવા માટે કહેવામાં આવ્યું છે અને હું તેનો આનંદ માણું છું.” તેઓ અંતે થોડા જેકેટ્સ પણ પેક કરે છે અને વાત પૂરી કરતા કહે છે, “કારણ કે આ પ્રવાસ લંડનનો છે, તેથી હું થોડા જેકેટ્સ સાથે પેક કરી રહ્યો છું. અને હા, હું અહીં ખાસ તમને બાય કહેવા આવ્યો છું.”