સલમાન ખાનને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત ન મળી:'કાલા હિરણ' ફિલ્મ પર 6 જુલાઈ સુધી સુનાવણી ટળી; પ્રોડ્યુસરે કહ્યું- '8000 થિયેટરોમાં રિલીઝ થશે'

Last Updated: July 1, 2026By

સલમાન ખાનની અરજી પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ ‘કાલા હિરણ: ધ બેટલ ફોર લેગસી’ની રિલીઝ પર હાલ પૂરતો વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી 6 જુલાઈ સુધી મુલતવી રાખી છે. આ નિર્ણય બાદ ફિલ્મના નિર્માતા અમિત જાનીએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘કોર્ટ માટે કોઈ સ્ટાર કે ગ્લેમર મહત્વનું નથી.’ જ્યારે, સલમાન ખાને અરજીમાં આરોપ લગાવ્યો છે કે, ‘આ ફિલ્મ ગેરકાયદેસર રીતે તેના પર્સનાલિટી રાઇટ્સનું ઉલ્લંઘન કરે છે.’ પ્રોડ્યુસર અમિત જાનીએ સોશિયલ મીડિયા પર કટાક્ષ કર્યો
સુનાવણી ટળ્યાના તરત જ બાદ ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોતાની વાત રજૂ કરી. અમિત જાનીએ લખ્યું, ‘સલમાન ખાનને આજે પણ દિલ્હી હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. ફિલ્મ પર કોઈ પ્રતિબંધ લાગ્યો નથી અને કેસની સુનાવણી 6 જુલાઈ સુધી ટળી ગઈ છે.’ તેમણે આગળ લખ્યું કે, ‘કોર્ટ માટે ન તો કોઈ સ્ટાર હોય છે અને ન તો તેઓ કોઈ ગ્લેમરને માને છે. પોતાને બોલિવૂડનો ગોડફાધર કહેવાથી કાળિયાર અટકશે નહીં. આ ફિલ્મ આખી દુનિયામાં એકસાથે 8000 સિનેમાઘરોમાં રિલીઝ થશે.’ આગળની સુનાવણી સુધી ફિલ્મ સેન્સર બોર્ડ પાસે નહીં જાય
બુધવારે થયેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ જ્યોતિ સિંહની કોર્ટમાં પ્રોડ્યુસરના વકીલે જણાવ્યું કે, ‘કાલા હિરણ’ ફિલ્મને હજુ સુધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એટલે કે સેન્સર બોર્ડ પાસે સર્ટિફિકેશન માટે મોકલવામાં આવી નથી. કોર્ટે પૂછતાં વકીલે સ્પષ્ટ કર્યું કે, ‘ફિલ્મ હજુ રિલીઝ માટે તૈયાર નથી.’ તેમણે કોર્ટને ખાતરી આપી કે, સેન્સર બોર્ડના સર્ટિફિકેટ વિના કોઈ ફિલ્મ રિલીઝ થઈ શકે નહીં અને આગળની સુનાવણી પહેલાં તેઓ ફિલ્મને સેન્સર બોર્ડ પાસે મોકલશે નહીં. પ્રોડ્યુસરનો જવાબ રેકોર્ડ પર ન હોવાને કારણે કોર્ટે મામલાને આગળ વધાર્યો. સલમાન ખાને શા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો?
સલમાન ખાને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આ ફિલ્મની રિલીઝ રોકવાની માંગ કરી છે. તેનો આરોપ છે કે, ફિલ્મ નિર્માતાઓ ખોટી રીતે તેની ઓળખ અને નામનો ઉપયોગ કરી રહ્યા છે. અરજી મુજબ, ફિલ્મના પ્રમોશનલ મટિરિયલ અને પ્રોમોમાં સલમાનના લુક જેવા દેખાતા એક વ્યક્તિ (લુકઅલાઈક)ને બતાવવામાં આવ્યો છે. આ વ્યક્તિએ સલમાન ખાન જેવું જ સિગ્નેચર બ્લુ બ્રેસલેટ પહેર્યું છે, જે લાંબા સમયથી તેની ખાસ ઓળખ રહ્યું છે. કાળા હરણ કેસ અને લોરેન્સ વિવાદનું કનેક્શન
એક્ટરે પોતાની અરજીમાં એમ પણ કહ્યું છે કે, ફિલ્મમાં વર્ષ 1998ના કાળા હરણ શિકાર કેસ (બ્લેકબક પોચિંગ કેસ) સાથે જોડાયેલી ઘટનાઓને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. આ સાથે જ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેની વચ્ચેના કથિત વિવાદને પણ ફિલ્મમાં ખોટી રીતે દર્શાવવાનો દાવો કરવામાં આવ્યો છે. સલમાનનું કહેવું છે કે, આનાથી તેની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે આ સમગ્ર મામલે 6 જુલાઈએ ફરી સુનાવણી થશે.