સલમાન ખાને ખાસ અંદાજમાં મનાવ્યો ગણતંત્ર દિવસ:ભાણેજ-ભાણી સાથે 'બેટલ ઓફ ગલવાન'નું 'માતૃભૂમિ' ગીત ગણગણતો વીડિયો વાયરલ
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને ખાસ અંદાજમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી છે. 26 જાન્યુઆરીના અવસરે એક્ટરે દેશભક્તિથી ભરપૂર એક ખૂબ જ સુંદર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સલમાન તેના ભાણેજ અહિલ અને ભાણી આયત સાથે ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું ગીત ‘માતૃભૂમિ’ ગણગણતો જોવા મળી રહ્યો છે. સલમાન ખાને આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં સલમાન ખાન પોતાના આઈપેડ પર ‘માતૃભૂમિ’ ગીત સાંભળતો અને ધીમે ધીમે ગણગણતો જોવા મળે છે. તેના લુકની વાત કરીએ તો, સલમાન ખાન બ્લેક ટી-શર્ટ અને મૂછોમાં જોવા મળી રહ્યો છે, જેમાં તેની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ના પાત્રની ઝલક મળે છે. એક્ટરનો આ વીડિયો તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. વીડિયોના અંતમાં સલમાન મ્યુઝિક કમ્પોઝર હિમેશ રેશમિયાના વખાણ કરતા કહે છે, ‘હિમેશ, શું મેલોડી છે યાર ભાઈ, બહુ શાનદાર.’ સલમાનના આ વખાણ પર હિમેશ રેશમિયાએ પણ તરત પ્રતિક્રિયા આપી અને ફોલ્ડેડ હેન્ડ્સ અને રેડ હાર્ટ ઇમોજી દ્વારા પોતાનો આભાર વ્યક્ત કર્યો. નોંધનીય છે કે, ‘બેટલ ઓફ ગલવાન’ના પ્રોડ્યુસરે બે દિવસ પહેલાં ફિલ્મનું પહેલું ગીત ‘માતૃભૂમિ’ રિલીઝ કર્યું છે. આ ગીત ફિલ્મના સંગીતમય યાત્રાની પહેલી ઝલક આપે છે, જેમાં દેશભક્તિ અને ભાવનાઓ બંને સ્પષ્ટપણે અનુભવાય છે. સરળ છતાં અસરકારક આ ગીત ફિલ્મની વાર્તાનો મૂડ સેટ કરે છે અને રિલીઝ પહેલા દર્શકોના ઉત્ત્સાહને વધુ વધારી દે છે. ‘માતૃભૂમિ’ ગીત ફરજ અને સંઘર્ષની ક્ષણોને જોડે છે આ ગીતમાં સલમાન ખાન એક ભારતીય સેના અધિકારી તરીકે જોવા મળે છે, જ્યારે તેની સાથે ચિત્રાંગદા સિંહ દેખાય છે. બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ જ સ્વાભાવિક અને આકર્ષક લાગે છે. બંનેને બે નાના બાળકો સાથે એક પરિવાર તરીકે દર્શાવવામાં આવ્યા છે, જ્યાં ઘરની શાંતિપૂર્ણ ક્ષણો અને ગલવાન યુદ્ધના કઠોર દ્રશ્યો સાથે-સાથે ચાલે છે. ‘માતૃભૂમિ’ ગીત ગાતા પરિવારના આ દ્રશ્યો ફરજ અને સંઘર્ષની ક્ષણો સાથે જોડાય છે, જે પ્રેમ, બલિદાન અને દેશ સેવાના ભાવને વધુ ઊંડાણપૂર્વક રજૂ કરે છે. હિમેશ રેશમિયાએ ગીત કમ્પોઝ કર્યું છે ‘માતૃભૂમિ’ ગીત ‘બેટલ ઓફ ગલવાન’નો ભાવનાત્મક અને દેશભક્તિથી ભરપૂર અનુભવ છે. આ ગીતને હિમેશ રેશમિયાએ કમ્પોઝ કર્યું છે, જે ફરી એકવાર દિલને સ્પર્શી જાય તેવી અને અસરકારક ધૂન સાથે પોતાની ખાસ ઓળખ છોડે છે. હિમેશે જણાવ્યું કે, બેટલ ઓફ ગલવાન માટે માતૃભૂમિ બનાવવું તેના માટે ખૂબ જ ભાવનાત્મક રહ્યું. તેણે કહ્યું કે, ગીતની ફીલ સેનાની બીટ્સ અને તેમની એનર્જીમાંથી આવી છે. અરિજીત સિંહ અને શ્રેયા ઘોષાલ સાથે કામ કરવું ખાસ હતું, અને સલમાન ખાન સાથે ફરીથી જોડાણ, તેમજ સલમાન ખાન ફિલ્મ્સ મ્યુઝિક લેબલથી ગીતનું રિલીઝ થવું, આ આખી સફરને વધુ ખાસ બનાવે છે. સલમાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ વિશે ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ જૂન 2020માં થયેલી ગલવાન ઘાટીની ઘટનાથી પ્રેરિત છે. આ ફિલ્મ પૂર્વ લદ્દાખમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા તે ભીષણ સંઘર્ષને દર્શાવે છે, જ્યાં જવાનોએ હથિયારો વિના અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં લડાઈ લડી હતી. ફિલ્મમાં સલમાન ખાન એક ભારતીય સેના અધિકારીની ભૂમિકા ભજવી રહ્યા છે, જે ગલવાન ઘાટી સંઘર્ષના નાયક કર્નલ બી. સંતોષ બાબુથી પ્રેરિત પાત્ર છે. ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ ફીમેલ લીડ તરીકે જોવા મળશે. ફિલ્મનું ડિરેક્શન અપૂર્વ લાખિયાએ કર્યું છે અને તેને સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ 17 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

