સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીએ ગુનો કબૂલ્યો:બાંગ્લાદેશી શરીફુલ ઇસ્લામે કોર્ટ સમક્ષ દયાની અપીલ કરી; લૂંટના ઇરાદે એક્ટર પર ઘાતકી હુમલો કર્યો હતો
સૈફ અલી ખાન પર હુમલાના આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામે પોતાનો ગુનો કબૂલ કરવા માટે અરજી દાખલ કરી છે. તેણે કોર્ટને દયા દાખવવા અપીલ પણ કરી છે. તેના વકીલ વિપુલ દુશિંગે આની પુષ્ટિ કરી છે. ન્યૂઝ એજન્સી PTIના અહેવાલ મુજબ, કોર્ટે ફરિયાદી પક્ષને જવાબ દાખલ કરવા જણાવ્યું છે અને સુનાવણી 11 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે. 16 જાન્યુઆરી 2025ની મોડી રાત્રે સૈફના ઘરમાં લૂંટના ઇરાદે ઘૂસેલા શખ્સે તેના પર હુમલો કર્યો હતો. ઘટનાના બે દિવસ પછી શરીફુલ ઇસ્લામની ધરપકડ થઈ હતી, જે અત્યાર સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. આ મહિનાની શરૂઆતમાં એડિશનલ સેશન્સ જજ જીપી દેશમુખે શરીફુલ ઇસ્લામ પર આરોપો ઘડ્યા હતા. આ સાથે જ કેસમાં ટ્રાયલનો માર્ગ મોકળો થયો હતો. ઇસ્લામ પર ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ઘાતક હથિયારનો ઉપયોગ કરીને લૂંટફાટ, ગંભીર ઇજા પહોંચાડવા અને ઘરમાં બળજબરીથી પ્રવેશ કરવાના આરોપો લગાવવામાં આવ્યા છે. તેના પર ફોરેનર્સ એક્ટ અને પાસપોર્ટ (ભારતમાં પ્રવેશ) નિયમોની સંબંધિત કલમો પણ લગાવવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું હતું કે, શરીફુલ ઇસ્લામ બાંગ્લાદેશી છે, જે નકલી દસ્તાવેજોની મદદથી ગેરકાયદેસર રીતે ભારતમાં રહી રહ્યો છે. હુમલાની આખી ઘટના 6 ગ્રાફિક્સથી સમજીએ- ઘટના સમયે ઘરમાં કોઈપણ ડ્રાઇવર હાજર નહોતો, તેથી લોહીલુહાણ હાલતમાં સૈફ અલી ખાન દીકરા તૈમુર સાથે રિક્ષામાં હૉસ્પિટલ ગયો હતો. સૈફની લીલાવતી હૉસ્પિટલમાં તાત્કાલિક સર્જરી કરવામાં આવી. સર્જરીના 5 દિવસ બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો. હુમલા પછી દીકરાએ પૂછ્યું હતું- ‘શું તમે મરવાના છો?’ ‘મોજો સ્ટોરી’ને આપેલા ઇન્ટરવ્યુમાં સૈફે હુમલા વિશે વાત કરતા કહ્યું હતું, ‘હું બાળકોના રૂમમાં ગયો. તે વ્યક્તિ બાળકને (જેહ) પકડીને ઊભો હતો. તેણે બાળકને હળવી ઈજા પહોંચાડી હતી અને અમારી મેડને પણ ઘાયલ કરી હતી. કદાચ જો મેં પહેલા લાઇટ ચાલુ કરી હોત અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હોત, તો પરિસ્થિતિ અલગ હોઈ શકતી હતી. પરંતુ તે સમયે મેં વિચાર્યા વગર તેના પર હુમલો કરી દીધો અને અમારી મારામારી શરૂ થઈ ગઈ. આ પછી તે ચાકુ લઈને બેકાબૂ થઈ ગયો. ચારે બાજુ લોહી અને અફરાતફરી મચી ગઈ હતી.’ સૈફે આગળ કહ્યું, ‘હું ખરેખર તૈમૂર સાથે રહેવા માંગતો હતો. મેં તેને પૂછ્યું કે શું તું મારી સાથે હોસ્પિટલ આવીશ. તેણે મને જોયો અને પૂછ્યું, ‘શું તમે મરવાના છો?’ મેં કહ્યું, ‘ના, મારી પીઠમાં ખૂબ દુખાવો છે, પણ હું ઠીક થઈ જઈશ’, તેણે કહ્યું, હા હું ચાલીશ.’ સૈફે એમ પણ કહ્યું કે તે વ્યક્તિએ તેને પૂરી તાકાતથી ચાકુ માર્યું હતું. ચાકુનો 6 ઇંચનો ટુકડો તેમની પીઠમાં રહી ગયો હતો. તે ટુકડો કરોડરજ્જુની નજીક લાગ્યો હતો. સૈફે કહ્યું, ‘મારો એક પગ સુન્ન થઈ રહ્યો હતો, હું લકવાગ્રસ્ત થવાની ખૂબ નજીક હતો.’ હુમલો કરનાર વ્યક્તિને માફ કરવા માંગે છે સૈફ આ જ ઇન્ટરવ્યુમાં સૈફે કહ્યું હતું કે, તે હુમલો કરનાર વ્યક્તિને માફ કરવા માંગે છે. સૈફે કહ્યું, ‘હું તે માણસને માફ પણ કરવા માંગતો હતો, કારણ કે મને લાગે છે કે તેણે બહુ મોટી ભૂલ કરી. મને નથી લાગતું કે તે ઝઘડો કરવા માંગતો હતો. હું તેને ખુશીથી માફ કરી દેત, પરંતુ જે રીતે તેણે મને મારવાનો પ્રયાસ કર્યો, તેને ભૂલી શકવું મારા માટે મુશ્કેલ થઈ રહ્યું છે. આ અમીર અને ગરીબનો મામલો છે અને આ જ અસમાનતાને કારણે આવું થયું છે.’
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

